વડોદરા કોર્પોરેશનની વેબસાઈટ પરથી એર ક્વોલિટી મોનિટરિંગની સુવિધા બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હવાની ગુણવત્તા (એર ક્વોલિટી) અંગે નાગરિકોને માહિતી આપતી ઓનલાઈન સુવિધા હવે બંધ કરી દેવામાં આવી છે.
અગાઉ કોર્પોરેશનની વેબસાઈટ પર મંગળ બજાર, છાણી ટીપી-13, જાંબુઆ, સુભાનપુરા સહિત શહેરના કુલ આઠ સ્થળોના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડા ઉપલબ્ધ થતા હતા, પરંતુ હવે આ માહિતી વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવી છે.
ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન વડોદરામાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી જતી હોવાથી નાગરિકો માટે આ માહિતી ઉપયોગી બનતી હતી. જોકે, કારેલીબાગ વિસ્તારમાં 24 કલાક હવાની ગુણવત્તા દર્શાવતી એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ શરૂ થયા બાદ કોર્પોરેશને અગાઉના મોનિટરિંગ સ્ટેશનોના આંકડા 'સિસ્ટમ મેન્ટેનન્સ'નું કારણ દર્શાવી બંધ કરી દીધા હતા. હવે સત્તાવાર રીતે વેબસાઈટ પરથી પણ આ સુવિધા દૂર કરવામાં આવી છે.
પર્યાવરણ અંગે જાગૃત નાગરિકોનું કહેવું છે કે હવાની ગુણવત્તા પવનની દિશા અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ અલગ-અલગ વિસ્તારોમાં બદલાતી રહે છે. તેથી માત્ર એક જ સ્થળના આંકડાથી સમગ્ર શહેરની હવાની સ્થિતિ જાણી શકાતી નથી.
નાગરિકોનું માનવું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીથી એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવે અને તેમના રિયલ-ટાઈમ આંકડા કોર્પોરેશનની વેબસાઈટ પર જાહેર કરવામાં આવે, જેથી લોકોને પોતાના વિસ્તારની હવાની ગુણવત્તાની સાચી માહિતી મળી રહે અને જરૂરી સાવચેતી રાખી શકાય.









