મનપાનો વેરો બચાવવા 'સરનામાનો ખેલ' રાજ્યમાં વર્ષે ૧૦૦ કરોડની કરચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત રાજ્યમાં કાર, જીપ જેવાં નોન-ટ્રાન્સપોર્ટ વાહન ખરીદનારા ઘણા માલિકો મહાનગરપાલિકાનો આજીવન વાહનવેરો બચાવવા એક સુનિયોજિત રસ્તો અપનાવે છે. વાહન ખરીદવાની અને લોન લેવાની આખી પ્રક્રિયા મનપાની હદમાં થાય છે, પણ કાગળ પર ખરીદીનું સરનામું હદની બહારનું દર્શાવાય છે. પરિણામે આરટીઓમાં રજિસ્ટ્રેશન વખતે મનપાનો વાહનવેરાનો ચાર્જ લાગતો નથી અને શહેરોની સરકારી તિજોરીને મોટું નુકસાન થાય છે.
રાજ્યની મહાનગરપાલિકાઓ નોન-ટ્રાન્સપોર્ટ વાહનો પર વાહનની બેઝિક કિંમતના ૧.૫ થી ૩ ટકા સુધી આજીવન વાહનવેરો વસૂલે છે. ઉદાહરણ તરીકે, રૃા.૧૦ લાખની કાર પર રૃા.૨૨,૫૦૦ વેરો ભરવો પડે છે. એટલે કાર જેટલી મોંઘી, બચતની લાલચ એટલી મોટી. સામાન્ય રીતે નવું વાહન વેચાણ કરતી વખતે ડીલર મનપાનો વેરો ઉમેરી, ડીલર પોતે જ મનપાની જે તે વોર્ડ ઓફિસમાં વેરાની રકમ ભરપાઈ કરે છે.વાહન માલિકે આરટીઓમાં રજિસ્ટ્રેશન વખતે મનપાની વાહન વેરા પાવતી રજૂ કરવાની રહે છે.
વાહન માલિકનું આધારકાર્ડ ધારો કે અમદાવાદ શહેરનું હોય, પણ મનપાની હદ બહાર તેનું બીજું ઘર હોય. તે વાહન ખરીદી અને રજિસ્ટ્રેશન માટે એ બીજા ઘરનું સરનામું વાપરે છે. વાહન માલિકો ડીલર પાસે રહેણાંક પુરાવા તરીકે મનપાની હદ બહારના ડોક્યૂમેન્ટ રજૂ કરે છે, રજિસ્ટ્રેશન વખતે આરટીઓમાં સરનામું હદ બહારનું હોવાથી મનપાના વેરામાંથી મુક્તિ મળે છે. જેમની પાસે હદ બહાર ઘર નથી, તેઓ ત્યાંનો ભાડા કરાર કરાવી લેતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. રજિસ્ટ્રેશન બાદ વાહન માલિકો આરટીઓમાં માત્ર રૃા.૫૫૦ની ફી ભરીને સરનામું મનપાની હદમાં આવેલા મૂળ સરનામે બદલાવી લે છે. વાહન શહેરમાં જ ચાલે છે, પણ વેરો શહેરને મળતો નથી.
આ રીતે મોટી કરચોરી થઈ રહી છે. સરકારી વિભાગો અને ડીલરો કાયદાની આ છટકબારીથી વાકેફ છે. આ કામ માટે એજન્ટો પણ સક્રિય છે.
વાસ્તવિક નુકસાન વધારે હોઈ શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દર વર્ષે ૩.૫૦ લાખ નવી કારનું રજીસ્ટ્રેશન થાય છે. એક અંદાજ મુજબ તેમાંથી આશરે ૫૦,૦૦૦ કારના માલિકો આ રીતે રજીસ્ટ્રેશન કરાવતા હોવાનું ચર્ચાય છે, રૃા.૧૦ લાખની કાર પર સરેરાશ ૨ ટકા વેરો ગણીએ તો પ્રતિ કાર રૃા. ૨૦,૦૦૦ થાય. ૫૦,૦૦૦ કારના હિસાબે રૃ.૧૦૦ કરોડ પ્રતિ વર્ષ થાય. આ આંકડો રૃા.૧૦ લાખની કારના સરેરાશ ધોરણે છે. કારની કિંમત આનાથી વધું પણ હોય છે. ત્યારે વાસ્તવિક નુકસાન વધારે હોઈ શકે છે.
સરકારી વિભાગોમાં સંકલનનો અભાવ
મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે આરટીઓમાં સરનામું ચેન્જ કરવાની પ્રક્રિયા હાથ ધરાય ત્યારે કોર્પોેરેશનની વેરા પાવતી ફરજિયાત કરવી જોઈએ. તો બીજી તરફ આરટીઓ અધિકારીનું કહેવું છે કે મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન માલિક ડોક્યૂમેન્ટ રજૂ કરે તેના આધારે સરનામાં ટ્રાન્સફરની પ્રક્રિયા થાય છે. સરકારી વિભાગોમાં સંકલનના અભાવે તથા કાયદાની છટકબારીના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે.
આ વર્ષે કુલ ૩.૦૪ લાખ કારનું રજિસ્ટ્રેશન
શહેર - મોટરકાર નોંધણી સંખ્યા
અમદાવાદ - ૩૬,૪૭૮
અમદાવાદ પૂર્વ - ૧૪,૮૭૭
સુરત - ૨૮,૪૯૮
વડોદરા - ૨૩,૫૭૬
રોજકોટ - ૨૦,૪૦૮
ગાંધીનગર- ૧૮,૧૪૬
નોંધ ઃ આ સંખ્યા ૧૫ ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન થયેલા વાહનોની છે.




