Baroda

ઈન્સ્ટાગ્રામ પર ફ્રી મુવી એપ ડાઉનલોડ કરવા જતા યુવકે 1.64 લાખ ગુમાવ્યા

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ખોડીયારનગરના જૈમીન રાણા સાથે સાઇબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ફ્રી મૂવી ડાઉનલોડની લાલચમાં APK ડાઉનલોડ કરતા ફોન હેંગ થઈ ગયો. બાદમાં તેમના 3 બેંક ખાતામાંથી કુલ રૂ. 2,43,411/- કપાઈ ગયા. 1930 હેલ્પલાઇન પર જાણ કરતા, SBIમાંથી રૂ. 78,655/- અન્ય ખાતામાં ટ્રાન્સફર થયા હતા. આમ, સાઇબર ઠગોએ રૂ. 1,64,756/-ની છેતરપિંડી કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈન્સ્ટાગ્રામ પર ફ્રી મુવી એપ ડાઉનલોડ કરવા જતા યુવકે 1.64 લાખ ગુમાવ્યા

Vadodara Cyber Fraud : વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધનાથ પાર્કમાં રહેતો અને સરદાર એસ્ટેટ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં પર્ચેઝ એન્જિનિયર તરીકે નોકરી કરતા જૈમીન દિનેશભાઈ રાણાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 27 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે હું મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર રીલ્સ જોઈ રહ્યો હતો. તે દરમિયાન એક ફ્રી મૂવી ડાઉનલોડ કરવાની જાહેરાત મારી સામે આવી. તેમાં 'Unlimited Movies and TV Shows' લખેલું હોવાથી મેં 'Download APK now Free' પર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી. જોકે, મેં તેમાંથી કોઈ મૂવી ડાઉનલોડ કર્યું નહોતું અને હું સુઈ ગયો હતો.
બીજા દિવસે સવારે જ્યારે મેં મારો ફોન જોયો તો તે સ્વિચ ઓફ હતો. ચાલુ કરતાની સાથે જ ફોન હેંગ થવા લાગ્યો અને પોતે જ 'સિસ્ટમ અપડેટ' થવા લાગ્યો. બે-ત્રણ કલાક પછી મોબાઈલ ચાલુ થતાં મેં તરત જ એ મૂવી એપ અનઇન્સ્ટોલ કરી દીધી. પરંતુ થોડીવારમાં બેંક ઓફ બરોડામાંથી મને ફોન આવ્યો કે મારા એકાઉન્ટમાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન થયા છે.
મેં તુરંત મારી ત્રણેય બેંકો (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને HDFC)ના એકાઉન્ટ ચેક કર્યા તો માલૂમ પડ્યું કે મારી જાણ બહાર કુલ રૂ.2,43,411/- કપાઈ ગયા હતા. ત્યારબાદ મેં 1930 સાઇબર હેલ્પલાઇન પર સંપર્ક કરી તપાસ કરતા જાણવા મળ્યું કે મારા પોતાના SBI ખાતામાંથી રૂ.78,655/- મારી જ બીજી બેંકોમાં ટ્રાન્સફર થયા હતા. આમ, વાસ્તવમાં સાઇબર ઠગોએ મારી જાણ બહાર અલગ-અલગ ખાતાઓમાં કુલ રૂ.1,64,756/- ટ્રાન્સફર કરી મારી સાથે મોટી છેતરપિંડી કરી છે.