વર્ષોથી પોલીસને થાપ આપતો કુખ્યાત રવિ પૂજારી ગેંગનો સભ્ય 23 વર્ષ બાદ મુંબઈથી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વર્ષો વીતી ગયા, સ્થળ બદલાતા રહ્યાં અને પોલીસની ફાઇલમાં આરોપી માત્ર ‘નાસતો ફરતો’ રહ્યો… પરંતુ 23 વર્ષ જૂનો લૂંટનો કેસ આખરે ફરી જીવંત બન્યો. વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમે મુંબઈના બાંદ્રામાં હોવાની ચોક્કસ બાતમી મેળવી કરજણની રૂ.12.63 લાખની લૂંટના કેસમાં લાંબા સમયથી ફરાર રવિ પૂજારી ગેંગના કુખ્યાત રમેશ કિટ્ટા પુજારીને ઝડપી પાડ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, 11 મે, 2003ના રોજ કરજણ તાલુકાના ગણપતપુરા ગામની સીમમાં ટ્રકચાલકની ટ્રકને ઓવરટેક કરી રોકી હતી. ચપ્પુ બતાવી ટ્રકચાલકના હાથ બાંધી તથા મોઢે પટ્ટો બાંધી તેને બેભાન કરી દેવાયો હતો. ત્યારબાદ ટ્રકમાં ભરેલી 9 ટન 373 કિલોગ્રામ તાંબાની કૉયલ લૂંટી લેવામાં આવી હતી, જેની કિંમત તે સમયે રૂ.12.63 લાખ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું હતું. આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
આ કેસમાં રમેશ કિટ્ટા પુજારી છેલ્લા 23 વર્ષથી પોલીસની પકડથી દૂર હતો. દરમિયાન આરોપી મુંબઈમાં હોવાની માહિતી મળતાં ટીમે બાંદ્રામાં કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસ રેકોર્ડ મુજબ, રમેશ પુજારી અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું નોંધાયું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તે આંતરરાજ્ય ગેંગનો સાગરીત છે અને અગાઉ બોરસદ ટાઉનમાં ફાયરિંગ તથા હત્યાના પ્રયાસના ગુનામાં રવિપ્રકાશ સુલિયા પુજારી ઉર્ફે રવિ પુજારી સાથે ઝડપાયો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેની સામે લૂંટ, હત્યાના પ્રયાસ અને હથિયાર સંબંધિત સહિતના ગુનાઓ નોંધાયેલા છે.




