Gujarat

ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત બન્યું

By GS Team
31 Dec 20191 min read
This article was originally published on 31 Dec 2019
ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત બન્યું

ડીસા,તા. 30 ડીસેમ્બર 2019, સોમવાર

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના પગલે ગુજરાત સહિત બનાસકાંઠામાં પણ તેની અસર જોવા મળી રહી છે. જ્યારે ઠંડીએ જોર પકડતા છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો ગગડતાં કાતિલ ઠંડીનો લોકોએ અહેસાસ કરી રહ્યા છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. જોકે લઘુત્તમ તાપમાન ૧૦ ડીગ્રી નીચે રહેતાં હજુપણ લોકોને કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે આગામી સમયમાં હજુપણ વધારે ઠંડી પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે.

હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૮.૭ ડીગ્રી, પાલનપુર-૧૦, વાવ-૯, થરાદ-૯, ભાભર-૧૪, અમીરગઢ-૯, અંબાજી-૮, આબુરોડ-૯, ઈડર-૧૧, મહેસાણા-૧૧, ઊંઝા-૧૧, સિદ્ધપુર-૧૧, પાટણ-૯, મોડાસા-૧૩, હિંમતનગર-૧૨, ખેડબ્રહ્મા-૧૧ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

શીત લહેરથી ઠુંઠવાતા રહીશોએ તાપણાનો સહારો લીધો

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં જમ્મુ-કાશ્મીર અને ઉત્તરભારતમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે છેલ્લા ત્રણ દિવસથી ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. જેના લીધે જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. તેમજ મોટાભાગના શહેરો અને ગામડાઓમાં લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. સવારના ૧૦ વાગ્યા સુધી હાડ થીઝાવતી ઠંડી અને સાંજના ચાર વાગ્યા બાદ ઠંડીનો ચમકારો અનુભવાતા રહીશોએ પોતાના મ કાનો, ઘરોમાં રહેવાનું પસંદ કર્યું છે. તો કેટલાક માલેતુજાર લોકો હિટરનો સહારો લીધો છે. ત્યારે પશુ-પક્ષીઓ પણ આ ઠંડીના ચમકારાથી પ્રભાવીત થયા છે.