3 દિવસ બાદ 2026 નું છેલ્લું ચંદ્રગ્રહણ, શું ભારતમાં દેખાશે કે નહીં?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chandra Grahan 2026 : વર્ષ 2026 નું અંતિમ ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ થવા જઈ રહ્યું છે. આ એક ગહન આંશિક ચંદ્રગ્રહણ હશે. જેમાં ચંદ્રનો લગભગ 96% ભાગ પૃથ્વીના પડછાયામાં ઢંકાઈ જશે. ખગોળીય ગણતરીઓ મુજબ, ભારતીય સમય અનુસાર ગ્રહણનો આંશિક તબક્કો સવારે 8:04 વાગ્યે શરૂ થશે, સવારે 9:43 વાગ્યે ગ્રહણ તેની ચરમ સીમા પર હશે અને સવારે 11:21 વાગ્યે પૂર્ણ થશે. આ ગ્રહણ મુખ્યત્વે અમેરિકા, યુરોપ અને આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં સ્પષ્ટપણે જોઈ શકાશે.
શું રક્ષાબંધન પર પડશે ચંદ્રગ્રહણની અસર?
28 ઓગસ્ટના રોજ જ પવિત્ર શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે. આ દિવસે ગ્રહણ હોવાથી લોકોના મનમાં સૂતક કાળ અને પૂજા-પાઠને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે, ભારતીય સમય મુજબ ગ્રહણ દરમિયાન દેશમાં દિવસનો સમય હશે અને ચંદ્ર ક્ષિતિજથી નીચે રહેશે. ભારતમાં ગ્રહણ અદ્રશ્ય રહેવાનું હોવાથી ધાર્મિક અને જ્યોતિષીય માન્યતા અનુસાર તેનો સૂતક કાળ અહીં માન્ય ગણાશે નહીં. આથી રક્ષાબંધનની ઉજવણી પર ગ્રહણની કોઈ જ વિપરીત અસર પડશે નહીં. રાખડી બાંધવા માટે સવારે 5:57 વાગ્યાથી સવારે 9:48 વાગ્યા સુધીનો સમય અત્યંત શુભ માનવામાં આવ્યો છે, કારણ કે ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ ચૂકી હશે.
કુંભ રાશિ અને શતભિષા નક્ષત્ર પર જ્યોતિષીય પ્રભાવ
જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 28 ઓગસ્ટનું આ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં આકાર લેશે. જ્યોતિષમાં ચંદ્રને મન અને ભાવનાઓનો કારક માનવામાં આવે છે, જ્યારે રાહુ માનસિક અસ્વસ્થતા અને ભ્રમનું પ્રતીક છે. આથી કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં જન્મેલા લોકોએ આ સમયગાળા દરમિયાન થોડી સાવધાની રાખવી અને માનસિક તણાવથી બચવું જરૂરી છે. જોકે, વ્યક્તિગત અસર દરેક નાગરિકની જન્મકુંડળીના ગ્રહ યોગો પર પણ નિર્ભર કરે છે.
ગ્રહણ દરમિયાન અને પછી શું કરવું?
જે દેશોમાં આ ગ્રહણ દ્રશ્યમાન થવાનું છે, ત્યાંના લોકો ધાર્મિક પરંપરા મુજબ ગ્રહણના 9 કલાક પહેલાંથી સૂતક નિયમોનું પાલન કરી શકે છે. ગ્રહણ દરમિયાન ભગવાન શિવના 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો ફળદાયી માનવામાં આવે છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરી, ઘરના મંદિરની સફાઈ કરીને ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ. સાથોસાથ ચોખા, લોટ, દાળ કે ઋતુગત ફળોનું દાન કરવું શુભ ગણાય છે. જોકે, ભારતમાં રહેતા લોકો માટે આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય નથી અને તેઓ આનંદથી તહેવાર ઉજવી શકે છે.




