ભગવાન શ્રીકૃષ્ણે શિવજી પાસે માંગ્યા હતા આ 8 વરદાન! હિમાલયમાં કરેલી કઠોર તપસ્યાનો અદ્ભુત પ્રસંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

'તમીશ્વરાણાં પરમં મહેશ્વરં
તં દેવતાનાં પરમશ્ચ દૈવતમ્ ।
વિદામ દેવં ભુવનેશમીડયમ્ ॥
બધા નિયાંતાઓના મહાનિયાંતા, બધા દેવતાઓના પરમ દેવતા, પ્રજાપતિ બ્રહ્મા વગેરેના સ્વામી, સ્વયં પ્રકાશ રૂપ, બધા લોકોના અધિપતિ અને પૂજ્ય, બધાથી મહાન, મહેશ્વર, મહારુદ્ર ભગવાન શિવને આપણે જાણીએ. તેમના તત્ત્વનો સાક્ષાત્કાર કરીએ: શ્વેતાશ્વતરોપનિષદ
'તીર્થે તીર્થે નિર્મળં બ્રહ્મવૃન્દં
વૃન્દે વૃન્દે તત્ત્વચિંતાનુવાદઃ ।
વાદે વાદે જાયતે તત્ત્વબોધો
બોધે બોધે ભાસતે ચંદ્રચૂડ : ॥
તીર્થોમાં નિર્મળ જ્ઞાનીઓના સમુદાયો રહે છે, જ્ઞાનીઓના સમુદાયોમાં તત્ત્વચિંંતનની ચર્ચા-વિચારણા થતી રહે છે. એ ચર્ચા-વિચારણાથી તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ પરમ તત્ત્વના જ્ઞાનથી ચંદ્રશેખર ભગવાન શિવના દર્શન થાય છે.: વ્યાસપુત્ર અવધૂત શિરોમણિ શુકદેવજી
પરબ્રહ્મ, પરમાત્માનું વૈદિક નામ શિવ છે. વેદોમાં શિવનું વિસ્તૃત વર્ણન છે. શિવની ઉપાસના વૈદિક છે એટલે તે અનાદિ છે. વેદ ઈશ્વરે કહેલા છે કોઈ વ્યક્તિએ રચેલા નથી. ઋષિઓએ તે જ્ઞાન સાંભળ્યું એટલે વેદોને શ્રુતિ કહેવાય છે. ઋષિઓએ તે પરમ તત્ત્વને જોયું એટલે એમને દ્રષ્ટા કહેવાય છે. વેદ કોઈ લૌકિક વ્યક્તિએ રચેલા નથી એટલે તે અપૌરુષેય કહેવાય છે.
વેદ અને વિદ્યા બંને શબ્દો સંસ્કૃતની 'વિદ્' ધાતુ પરથી બનેલા છે. તેનો અર્થ જાણવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું એવો થાય છે. વેદ સદ્વિદ્યાઓનો ભંડાર છે. વેદ અને વિદ્યા ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે. વેદ વિના શિવનું જ્ઞાન થતું નથી. શિવ જ્ઞાન સ્વરૂપ છે. શિવ જ્ઞાનીઓના એક માત્ર પરમ ઉપાસ્ય દેવ છે. એટલે જ વેદમાં કહેવાયું છે- શ્રુતે જ્ઞાનાત્ ન મુક્તિઃ અર્થાત્ જ્ઞાન વિના મુક્તિ મળતી નથી. એવું જ વિદ્યા વિશે કહેવાયું છે - સા વિદ્યા યા વિમુક્તયે । તે વિદ્યા છે જે મુક્તિ અપાવે છે, શિવગીતામાં કહેવાયું જ છે.
'મોક્ષસ્ય નહિ વાસોઽસ્તિ
ન ગ્રામાન્તરમેવ વા ।
અજ્ઞાનહૃદયગ્રન્થિનાશો
મોક્ષ ઇતિ સ્મૃતઃ
મોક્ષ (મુક્તિ)નું કોઈ ભૌતિક સ્થાન નથી. હૃદયમાં જામી ગયેલી અજ્ઞાનરૂપી ગાંઠનો નાશ થઈ જવો એ જ મોક્ષ છે. (અધ્યાય-13, શ્લોક-32)
મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પિતામહ ભીષ્મ દ્વારા ભગવાન શિવનો મહિમા
મહાભારતના અનુશાસન પર્વમાં ભગવાન શ્રીકૃષ્ણ અને પિતામહ ભીષ્મ દ્વારા ભગવાન શિવનો મહિમા, એમનું સ્વરૂપ અને એમની આરાધનાનું અત્યંત વિસ્તૃત અને દિવ્ય વર્ણન કરાયેલું છે. એ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાના મુખે ભગવાન શિવની અનન્ય શક્તિ અને પોતે કરેલી શિવ-આરાધનાનો ઉલ્લેખ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર અને અન્ય પાંડવોને જણાવે છે કે તેમણે રુક્મિણીના ગર્ભથી પ્રદ્યુમ્ન જન્મ્યા એ રીતે જાંબવતીના ગર્ભથી સાંબ જેવા પુત્રની પ્રાપ્તિ માટે મહર્ષિ ઉપમન્યુના માર્ગદર્શનમાં કઠોર તપશ્ચર્યા કરી હતી. મહર્ષિ ઉપમન્યુએ ભગવાન શ્રીકૃષ્ણને પાશુપત વ્રતની દીક્ષા આપી હતી.
ભગવાન શિવે એ આઠે વરદાન ભગવાન શ્રીકૃષ્ણને પ્રદાન કર્યા
ભગવાન શ્રીકૃષ્ણ હિમાલય પર્વત પર આવેલા બદરિકાશ્રમમાં ગયા હતા. ત્યાં શ્રીકૃષ્ણે 1 વર્ષ સુધી કેવળ જળ અને વાયુનો આહાર કર્યો હતો. તેમણે એક પગ પર ઊભા રહી, બંને હાથ ઊંચા રાખી 'ઓમ્ નમઃ શિવાય' અને શિવસ્તુતિનો જાપ કર્યો હતો. એમની આવી ઘોર તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પાર્વતી, ગણો અને ઇન્દ્રાદિ દેવો સાથે પ્રગટ થયા હતા. જ્યારે ભગવાન શિવે ભગવાન શ્રીકૃષ્ણને વરદાન માંગવાનું કહ્યું ત્યારે તેમણે 8 વરદાન માગ્યા હતા. આ 8 વરદાન હતા- બ્રાહ્મણો પ્રત્યે અતૂટ આદર, પિતૃભક્તિ, યુદ્ધમાં અજેયપણું, પૃથ્વી પર સર્વશ્રેષ્ઠ બળ, યોગ અને અધ્યાત્મનું જ્ઞાન, શત્રુઓનો નાશ કરવાની શક્તિ, ચિત્તની પ્રસન્નતા, શાંતિ અને પ્રિયતા તથા જાંબવતીના ગર્ભથી અત્યંત પરાક્રમી, કીર્તિમાન પુત્રની પ્રાપ્તિ. એ વરદાનથી જ સાંબનો જન્મ થયો. ભગવાન શિવે એ આઠે વરદાન ભગવાન શ્રીકૃષ્ણને પ્રદાન કર્યા હતા.









