Get The App

અગ્નિસંસ્કાર બાદ ઘરમાં તુલસીનો છોડ લગાવવાનું ધાર્મિક મહત્ત્વ શું છે, જાણો ગરુડ પુરાણમાં આપેલો જવાબ

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
અગ્નિસંસ્કાર બાદ ઘરમાં તુલસીનો છોડ લગાવવાનું ધાર્મિક મહત્ત્વ શું છે, જાણો ગરુડ પુરાણમાં આપેલો જવાબ 1 - image

Importance of Tulsi in Garud Puran: મૃત્યુ એક એવું સત્ય છે જે પોતાની સાથે હંમેશાં એક ઊંડો સન્નાટો લઈને આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શરીરમાંથી પ્રાણ નીકળ્યા પછી ખરેખર શું થાય છે? સનાતન ધર્મના પ્રાચીન ગ્રંથ 'ગરુડ પુરાણ'માં મૃત્યુ, કર્મ અને આત્માની આગળની યાત્રાનું વિગતવાર વર્ણન કરાયું છે. ભગવાન વિષ્ણુ અને પક્ષીરાજ ગરૂડ વચ્ચેના સંવાદ પર આધારિત આ ગ્રંથમાં અંદાજે 19,000 શ્લોક છે, જેમાં મૃત્યુ પછીની દુનિયાના અનેક રહસ્યોની વાત કરાઈ છે. 

શરીરમાંથી પ્રાણ નીકળતી વખતે કેવો અનુભવ થાય?

ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ એ માત્ર એક ક્ષણ નથી પરંતુ એક આખી પ્રક્રિયા છે. જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળે છે, ત્યારે આત્મા અંગૂઠાના કદનું એક નવું સ્વરૂપ ધારણ કરે છે. આ પરિવર્તનનો અનુભવ એટલો તીવ્ર અને પીડાદાયક હોય છે, જાણે એકસાથે સેંકડો વીંછીએ ડંખ માર્યો હોય. ત્યારબાદ યમદૂતો આત્માને પોતાની સાથે લઈ જાય છે અને અહીંથી યમલોકની કઠિન યાત્રા શરૂ થાય છે. આ માર્ગમાં આત્માએ ધગધગતી રેતી, કાંટાળા જંગલો, ભયાનક પવન અને અસહ્ય ભૂખ-તરસનો સામનો કરવો પડે છે.

મૃત્યુ પછીના 13 દિવસ કેમ મહત્ત્વના છે?

શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, મૃત્યુ પછીના 13 દિવસ આત્મા માટે અત્યંત મહત્ત્વના છે. આ ગાળામાં પરિવારજનો દ્વારા કરાતા પિંડદાનથી આત્માના નવા શરીરનું નિર્માણ થાય છે. જેમ કે, પહેલા દિવસે મસ્તકનું નિર્માણ થાય છે. ત્યારબાદ ક્રમશઃ આંખ, કાન, ગરદન, છાતી અને પેટ બને છે. દસમા દિવસે આત્માનું નવું શરીર સંપૂર્ણ રીતે તૈયાર થાય છે, જેનાથી તેને થોડી રાહત મળે છે. એટલે જ અંતિમ સંસ્કારની વિધિ પણ માત્ર એક પરંપરા નથી, પરંતુ તેની પાછળ એક ઊંડું આધ્યાત્મિક વિજ્ઞાન છે. અગ્નિને રક્ષક મનાય છે, જે આત્માને સુરક્ષિત રીતે આગળ વધવામાં મદદ કરે છે. શરીરના નવ દ્વારોને પવિત્ર કરવા માટે તેમાં સોનાના અંશ (હિરણ્ય) મૂકવાની પરંપરા પણ આ પ્રક્રિયાનો જ એક ભાગ છે.

દાહ સંસ્કાર બાદ ઘરમાં તુલસીનો છોડ કેમ લગાવાય છે?

અગ્નિ સંસ્કારની વિધિ પૂર્ણ કરીને સ્મશાનથી પરત ફરતી વખતે ક્યારેય પાછળ વળીને જોવું જોઈએ નહીં. તે મોહમુક્તિનું પ્રતીક છે, જેથી આત્મા ફરી સંસારના બંધનોમાં ન બંધાય. આ સિવાય સ્મશાનથી આવ્યા બાદ લીમડાના પાન ચાવવા કે અગ્નિ પરથી પસાર થવું એ નકારાત્મક ઊર્જાથી બચવાના ઉપાયો છે. આ પ્રક્રિયામાં 'તુલસી'નું સ્થાન સૌથી પવિત્ર અને સર્વોપરી છે. ગરુડ પુરાણમાં તુલસીને આત્માની રક્ષા કરનારી દિવ્ય શક્તિ ગણાવી છે. મૃત્યુ સમયે તુલસીનો છોડ પાસે રાખવો, ગંગાજળ સાથે તુલસીનું પાન આપવું કે ચિતામાં તુલસીના લાકડાનો ઉપયોગ કરવાથી આત્માને પરમ શાંતિ અને મોક્ષ મળે છે. એવું કહેવાય છે કે, જે આત્મા પર તુલસીની કૃપા હોય, તેની નજીક યમદૂતો પણ આવી શકતા નથી અને તે સીધો વિષ્ણુધામ તરફ પ્રસ્થાન કરે છે. આ જ કારણે અંતિમ સંસ્કાર બાદ ઘરમાં તુલસીનો છોડ લગાવવો શુભ મનાય છે કારણ કે તે વાતાવરણને શુદ્ધ કરે છે અને શોકના માહોલ વચ્ચે ઊર્જાને સંતુલિત રાખે છે.

આ પણ વાંચો: Lunar Eclipse 2026: આ વર્ષે રક્ષાબંધનના દિવસે જ ચંદ્રગ્રહણ, જાણો સૂતક લાગશે કે નહીં

ટૂંકમાં કહીએ તો, ગરુડ પુરાણનું આ વર્ણન કોઈને ડરાવવા માટે નથી, પરંતુ જીવનનો અસલી સાર સમજાવવા માટે છે. તે આપણને યાદ અપાવે છે કે આ જીવનમાં અને જીવન પછી પણ, આપણા કર્મો જ ભવિષ્યનો માર્ગ નક્કી કરે છે.