Astro

Dev Diwali 2025 : ત્રિપુરાસુરના વધ સાથે સંકળાયેલો છે દેવ દિવાળીનો પર્વ, જાણો પૌરાણિક કથા

By GS Team
5 Nov 20253 mins read
TukuTouch Logo
પંચાગ પ્રમાણે દેવ દિવાળી કારતક મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે દેવ દિવાળી 5 નવેમ્બર એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તમામ દેવતાઓ ધરતી લોકમાં આવે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. દેવ દિવાળી પર સ્નાન, દાન અને દીપદાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Dev Diwali 2025 : ત્રિપુરાસુરના વધ સાથે સંકળાયેલો છે દેવ દિવાળીનો પર્વ, જાણો પૌરાણિક કથા

Dev Diwali 2025:  પંચાગ પ્રમાણે દેવ દિવાળી કારતક મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે દેવ દિવાળી 5 નવેમ્બર એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તમામ દેવતાઓ ધરતી લોકમાં આવે છે અને પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે. દેવ દિવાળી પર સ્નાન, દાન અને દીપદાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. 

દેવ દિવાળીનું મહત્વ માત્ર કાશી સુધી જ મર્યાદિત નથી, તે સમગ્ર ભારતમાં ભક્તિ, પુણ્ય અને પ્રકાશનું પ્રતીક બની ગઈ છે. આ દિવસે લોકો ગંગા સ્નાન કરે છે, મંદિરોમાં દીવા પ્રગટાવે છે અને પોતાના ઘરના દરવાજાઓને પ્રકાશિત કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પ્રગટાવવામાં આવતા દીવા માત્ર અંધકાર જ નથી દૂર કરતા પરંતુ પાપોથી મુક્તિ અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો માર્ગ પણ ખોલે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે દેવ દિવાળી પાછળ એક રસપ્રદ કથા પણ જોડાયેલી છે, જેના કારણે આ દિવસને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ દેવ દિવાળીની પૌરાણિક કથા વિશે.

દેવ દિવાળીની પૌરાણિક કથા

શિવ પુરાણમાં વર્ણવેલ પૌરાણિક કથા પ્રમાણે ત્રિપુરાસુર નામનો રાક્ષસ ખૂબ જ શક્તિશાળી હતો. એવું કહેવાય છે કે, તારકાસૂરને ત્રણ પુત્રો હતા- તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માળી. આ ત્રણેય મળીને જ ત્રિપુરાસૂર રાક્ષસ બન્યા હતા. આ ત્રણેય પોતાની અસાધારણ શક્તિ અને ઘમંડથી દેવતાઓ માટે સકંટ બની ગયા હતા. જ્યારે ભગવાન કાર્તિકેય તારકાસૂરનો વધ કર્યો, ત્યારે તેમના ત્રણ પુત્રોએ બદલાની આગમાં ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. બ્રહ્માજીએ તેમને અમરત્વ સિવાય કોઈ પણ વરદાન માગવા કહ્યું હતું. તેઓએ ચતુરાઈથી એવું વરદાન માગ્યું જે અમરત્વ સમાન જ હતું. તેમણે એવું વરદાન માગ્યું કે, અમારું મૃત્યુ ત્યારે જ સંભવ બને જ્યારે ત્રણેય એક જ પંક્તિમાં હોય, અભિજિત નક્ષત્રનો સમય હોય અને કોઈ એક જ તીરથી ત્રણેયને વધ કરે. બ્રહ્માજીએ આ વરદાન સ્વીકાર્યું. ત્યારબાદ ત્રિપુરાસુરે ત્રણેય લોકમાં આતંક મચાવી દીધો હતો - દેવતાઓ, ઋષિઓ અને માનવીઓ તેના અત્યાચારોથી ત્રસ્ત થઈ ગયા હતા. 

આ પણ વાંચો: Dev Diwali 2025 : આજે દેવ દિવાળી, જાણો શુભ મુહૂર્ત, પૂજાની વિધિ અને પૌરાણિક મહત્ત્વ

જ્યારે ત્રિપુરાસુરનો અત્યાચાર ચરમસીમાએ પહોંચ્યો ત્યારે દેવતાઓ ભગવાન શિવની શરણ લીધી. મહાદેવે ત્રિપુરાસુરનો અંત કરવાનો સંકલ્પ લીધો. તેમણે પૃથ્વીને પોતાનો રથ, સૂર્ય અને ચંદ્રને તેના પૈડા, મેરુ પર્વતને પોતાનું ધનુષ અને વાસુકીને નાગને ધનુષની દોરી બનાવી. તે સમયે ભગવાન વિષ્ણુ ખુદ બાણ બન્યા. અભિજિત નક્ષત્રનો સમય આવતાં જ ભગવાન શિવે એક જ તીરથી ત્રિપુરાસુર - તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માળી ત્રણેયનો સંહાર કર્યો. એવું કહેવાય છે કે આ વિજય પછી દેવતાઓએ દીવા પ્રગટાવીને ઉજવણી કરી અને ત્યારથી કારતક પૂર્ણિમાના દિવસે 'દેવ દિવાળી' ઉજવવાની પરંપરા શરૂ થઈ. આ તહેવાર પ્રકાશના એ વિજયનું પ્રતીક છે જ્યારે ભગવાન શિવે અંધકાર અને અહંકાર બંનેનો અંત કર્યો.