Get The App

ચારધામ યાત્રામાં તૂટશે ઇતિહાસના તમામ રેકોર્ડ! માત્ર 55 દિવસમાં 31 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
Chardham Yatra 2026 record

Chardham Yatra 2026 sets new record: દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા 2026 અત્યારે એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવવા તરફ અગ્રેસર છે. આ વર્ષે માત્ર 55 દિવસના ટૂંકા ગાળામાં જ 31 લાખથી વધુ તીર્થયાત્રીઓ ચારધામના સફળતાપૂર્વક દર્શન કરી ચૂક્યા છે. ગત વર્ષ એટલે કે 2025માં આખી સીઝન દરમિયાન આશરે 51 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જે ઝડપે આ વર્ષે ભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે, તે જોતાં પૂરેપૂરી સંભાવના છે કે આ વખતે અગાઉના તમામ રેકોર્ડ તૂટી જશે.

ગત 19 એપ્રિલથી શરૂ થયેલી આ વર્ષની ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં કુલ 31,05,553 શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચ્યા છે. આ આંકડાઓમાં હંમેશની જેમ બાબા કેદારનાથના દર્શન કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે.

યાત્રીઓ વધતાં ટ્રાફિક જામ, સુરક્ષા માટે ડ્રોન અને CCTV સક્રિય

ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી હોવાથી વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ખાસ અને ચુસ્ત કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. ચારેય ધામો અને પ્રવાસન માર્ગો પર સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. જોકે, તીર્થયાત્રીઓની ભારે ભીડને કારણે ચારધામ યાત્રાના મુખ્ય માર્ગો, ખાસ કરીને કેદારનાથ અને બદ્રીનાથ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હોવા છતાં કે માઇલો સુધી પગપાળા ચાલવું પડતું હોવા છતાં, ભક્તોની આસ્થા અને ઉત્સાહમાં સહેજ પણ કમી જોવા મળી નથી રહી.

સ્થાનિક વેપારીઓ અને અર્થતંત્ર ખુશખુશાલ

દર વર્ષે આશરે 6 મહિના સુધી ચાલતી આ ચારધામ યાત્રા ઉત્તરાખંડના અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ હોય કે સ્થાનિક વેપારીઓ, આખા વર્ષ દરમિયાન સૌ કોઈ આ યાત્રાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે રેકોર્ડબ્રેક ભીડ ઉમટવાના કારણે સ્થાનિક વ્યવસાયોને બહુ મોટી રાહત મળી છે. હોટેલ માલિકો, રેસ્ટોરન્ટ, ઢાબા, ઘોડા-ખચ્ચરના ઓપરેટરો, નાની-મોટી ખાણીપીણીની દુકાનોના માલિકો સહિતના તમામ વેપારીઓનો બિઝનેસ ખૂબ શાનદાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત ટેક્સી, મેક્સી, બસ અને અન્ય પ્રાઇવેટ ટૂર એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસને પણ અધધ નફો મળી રહ્યો છે. યાત્રીઓની સંખ્યા વધવાને કારણે આ વિસ્તારોમાં રસ્તાઓ પણ વધુ સારા અને આધુનિક બની રહ્યા છે.

આસ્થાની સાથે ચિંતાજનક આંકડા: 161 મોત અને 288 ટન પ્લાસ્ટિક કચરો

ચારધામ યાત્રાના આ 55 દિવસોમાં અત્યાર સુધીમાં કુલ 161 શ્રદ્ધાળુઓના કરૂણ મોત નિપજ્યા છે. હિમાલયના બદલાતા હવામાન અને ઓક્સિજનની કમીના કારણે સૌથી વધુ લોકોના મોત હાર્ટ એટેકના લીધે થયા હોવાનું સામે આવ્યું છે.

પુણ્ય કમાવવા આવતા તીર્થયાત્રીઓ જાણે-અજાણે હિમાલયના નાજુક પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભક્તો અત્યાર સુધીમાં પવિત્ર પહાડો પર આશરે 288 ટન જેટલો પ્લાસ્ટિક અને અન્ય કચરો પાછળ છોડી ગયા છે, જે ઇકોલોજી માટે મોટો ખતરો છે.