આણંદ રેલવે સ્ટેશન નજીક માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઊતર્યા, મોટી જાનહાનિ ટળી, ટ્રેક પૂર્વવત કરવા કામગીરી શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anand News: આણંદ રેલવે સ્ટેશન નજીક ભાલેજ ઓવર બ્રિજ નજીક અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી માલગાડીના બે ડબ્બા અચાનક ટ્રેક પરથી નીચે ઉતરી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ચાલુ ટ્રેને માલગાડી પાટા પરથી ખસી જતાં મોટો અવાજ થયો હતો, જેના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ માલગાડી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી રેલવે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
ટેકનિકલ ટીમ અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
બનાવની જાણ થતાં જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત, સ્થાનિક રહીશોના ટોળેટોળાં પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા. રેલવે ટ્રાફિકને વધુ અસર ન પહોંચે તે માટે અધિકારીઓ દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ક્રેનની મદદથી કામગીરી શરૂ
રેલવેના ઇજનેરો અને કર્મચારીઓ દ્વારા ટ્રેક પરથી નીચે ઉતરી ગયેલા ડબ્બાને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટ્રેકને પુનઃ કાર્યરત કરવા અને રેલ વ્યવહાર પૂર્વવત કરવા માટે ક્રેન સહિતની ભારે મશીનરીની મદદ લેવાઈ રહી છે. બીજી તરફ, માલગાડી પાટા પરથી કયા કારણોસર ઉતરી ગઈ તે જાણવા માટે રેલવે વિભાગ દ્વારા કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.









