આણંદ: વલ્લભ વિદ્યાનગરની ગર્લ્સ હોસ્ટેલમાં 200થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, રસોડા જોવા મળી ગંદકી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Food Poisoning at Anand Girls Hostel: આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત રાણક ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રિના ભોજન બાદ એકાએક 200થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત લથડતાં દોડધામ મચી ગઈ હતી. મોડી રાત્રે વિદ્યાર્થિનીઓને અસહ્ય પેટમાં દુ:ખાવો, ઝાડા અને ઉલટી જેવાં ફૂડ પોઈઝનિંગના ગંભીર લક્ષણો દેખાતાં હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યારે તબિયત વધુ નાજુક બનતાં 20થી વધુ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
પનીરનું શાક અને ફ્રૂટ સલાડ ખાધા બાદ તબિયત બગડી
મળતી માહિતી અનુસાર, હોસ્ટેલમાં રાત્રિના ભોજનમાં વિદ્યાર્થિનીઓને પનીરનું શાક અને ફ્રૂટ સલાડ પીરસવામાં આવ્યું હતું. આ ખોરાક લીધાના થોડા જ કલાકોમાં એક પછી એક વિદ્યાર્થિનીઓની તબિયત ખરાબ થવા લાગી હતી. વાસી અથવા દૂષિત ખોરાક પીરસાયો હોવાના કારણે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે હોસ્ટેલ તંત્રની બેદરકારી સામે વિદ્યાર્થિનીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રસોડામાં ભારે ગંદકી અને અનાજમાંથી જીવાત મળી
ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સ્થાનિક તંત્રની ટીમ રાણક ગર્લ્સ હોસ્ટેલ ખાતે દોડી ગઈ હતી. અધિકારીઓએ હોસ્ટેલના મેસ/રસોડાની તપાસ હાથ ધરતાં અત્યંત ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી, જ્યારે સ્ટોર રૂમમાં સંગ્રહ કરેલા અનાજમાં જીવાત પણ મળી આવી હતી. તપાસ ટીમે સ્થળ પરથી ખોરાકના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે.
આરોગ્ય વિભાગનો હોસ્ટેલમાં કેમ્પ, વિદ્યાર્થિનીઓની તબિયતમાં સુધારો
હાલમાં આરોગ્ય વિભાગની વિશેષ ટીમો દ્વારા હોસ્ટેલ પરિસરમાં જ કેમ્પ શરૂ કરીને અન્ય તમામ વિદ્યાર્થિનીઓનું સતત હેલ્થ ચેકઅપ કરવામાં આવી હતી. રાહતની વાત એ છે કે, સમયસર સારવાર મળવાના કારણે અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થિનીઓની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. બીજી તરફ, વિદ્યાર્થિનીઓના જીવ સાથે ખેલ ખેલનારા હોસ્ટેલ સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.




