Get The App

આણંદ જિલ્લામાં કોરોનાના 8 કેસ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ

- આણંદના ચાર પુરૃષોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ : બાકરોલની મહિલા સહિત ધર્મજ, ફિણાવ અને જીણજમાં પણ કેસો

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં કોરોનાના 8 કેસ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ 1 - image


આણંદ, તા. 23 જૂન 2020, મંગળવાર

આણંદ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. સોમવાર સાંજથી મંગળવાર સુધીમાં આણંદ જિલ્લામાં આઠ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હોવાના અહેવાલ સાંપડયા છે. આજે મંગળવારે આણંદ શહેરમાંથી ચાર અને બાકરોલ ખાતેથી એક મળી કુલ પાંચ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. 

બીજી તરફ સોમવાર સાંજના સુમારે જિલ્લાના ધર્મજ, ફીણાવ તથા જીણજ ગામેથી પણ કોરોનાના ત્રણ અલગ-અલગ પોઝીટીવ દર્દીઓ પ્રકાશમાં આવ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. જિલ્લાના ત્રણ નવા ગામોમાં કોરોના વાયરસે પગપેસારો કરતા ગ્રામજનોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. જો કે આરોગ્ય વિભાગના ચોપડે એક પણ કેસ નોંધાયો નથી.

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસે માથુ ઉચક્યું છે. તેમાં પણ આણંદ શહેરના પૂર્વ વિસ્તારને કોરોના વાયરસે ભરડામાં લેતા એક પછી એક નવા-નવા કોરોનાના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. આજે પણ આણંદ શહેરમાંથી કોરોનાના પાંચ નવા પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં આણંદ શહેરની ગુલશન સોસાયટી ખાતે રહેતા એક ૬૨ વર્ષીય પુરૃષ, ભાલેજ રોડ ઉપર આવેલ આનંદ નગર ખાતે રહેતા એક ૫૪ વર્ષીય  પુરૃષ, આણંદમાં આવેલ સીસ્વા-મોગરી ટાઉનશીપ ખાતે રહેતા એક ૫૦ વર્ષીય પુરૃષ, સલાટીયા રોડ ઉપર આવેલ હાજરા પાર્ક ખાતે રહેતા એક ૬૦ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે આણંદ પાસેના બાકરોલ નજીકની બાકરોલ કોલોની ખાતે રહેતી એક ૪૬ વર્ષીય મહિલા પણ કોરોનાની ઝપેટમાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. 

હાલ કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. આણંદ શહેર ખાતેથી કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા પાલિકા તંત્રની ટીમો આજે સવારના સુમારે કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોનું તબીબી પરીક્ષણ હાથ ધર્યું હતું.

સોમવાર સાંજના સુમારે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ તેમજ ખંભાત તાલુકાના ફીણાવ તથા જીણજ ગામમાં પણ કોરોનાએ પગપેસારો કરતા કોરોનાના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. ધર્મજ ગામેથી એક ૫૭ વર્ષીય મહિલા, ફીણાવ ગામેથી ૬૫ વર્ષીય પુરૃષ તથા જીણજ ગામના એક ૪૦ વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી આરોગ્ય વિભાગ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. ધર્મજ, ફીણાવ અને જીણજ ગામેથી કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા સ્થાનિક આરોગ્ય તંત્રની ટીમો તથા પંચાયતની ટીમો તુરંત જ કોરોનાગ્રસ્ત દર્દીઓના વિસ્તારમાં પહોંચી હતી અને સેનીટાઈઝીંગની કામગીરી હાથ ધરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા.

Tags :