Gujarat

આણંદ જિલ્લામાં ધો-10ની અંગ્રેજીની પરીક્ષામાં 919 વિદ્યાર્થીઓ ગેરહાજર

By GS Team
17 Mar 20202 mins read
This article was originally published on 17 Mar 2020
આણંદ જિલ્લામાં ધો-10ની અંગ્રેજીની પરીક્ષામાં 919 વિદ્યાર્થીઓ ગેરહાજર

આણંદ,તા.16 માર્ચ 2020, સોમવાર

ગત તા.૫ માર્ચ, ૨૦૨૦ના રોજથી શરૂ થયેલ ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાઓ અંતિમ ચરણમાં છે. ધો.૧૦માં આજે અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં આણંદ જિલ્લાના ત્રણેય ઝોનમાં મળી કુલ ૯૧૯ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. 

બપોર બાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ગુજરાતી વિષયની તેમજ ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. ધો.૧૦ની પરીક્ષાઓ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ હળવા મૂળમાં જોવા મળ્યા હતા. કોરોના ઈફેક્ટ વચ્ચે આજરોજ આણંદ જિલ્લાના ત્રણ ઝોનમાં ધો.૧૦માં અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં પેટલાદ ઝોનમાં કુલ ૧૦૧૮૯ વિદ્યાર્થીઓ પૈકી ૯૯૧૯ વિદ્યાર્થીઓ હાજર અને ૨૭૦ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.

આંકલાવ ઝોનમાં કુલ ૯૫૩૯ વિદ્યાર્થીઓ પૈકી ૯૨૩૨ વિદ્યાર્થીઓ હાજર અને ૩૦૭ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે આણંદ ઝોનમાં કુલ ૧૧૯૮૨ વિદ્યાર્થીઓ પૈકી ૧૧૬૩૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૩૪૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સાથે સાથે ધો.૧૦ સંસ્કૃત પ્રથમા વિષયમાં કુલ ૨૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૪ વિદ્યાર્થીઓ હાજર નોંધાયા હતા. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સવારના સેશનમાં યોજાયેલ સંગીત સૈધ્ધાંતિક વિષયની પરીક્ષા યોજાઈ હતી.

બપોર  બાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતની વિવિધ ભાષાઓની પરીક્ષા યોજાઈ હતી. જ્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં બપોર બાદ અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. ધો.૧૦માં મુખ્ય વિષયની પરીક્ષાઓ પૂર્ણ થઈ જતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

 ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહની પણ પરીક્ષા પૂર્ણ થવા પામી છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આગામી તા.૨૧ માર્ચ સુધી વિવિધ ભાષાકીય તથા કોમ્પ્યુટર પરિચયની પરીક્ષાઓ યોજાનાર છે.

સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણીનું કામ શરૂ કરાયું

ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં ગેરરીતિઓ ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા હાલ આ સીસીટીવી કેમેરાની ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી છે. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલની સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે. 

આગામી દિવસોમાં શંકાસ્પદ જણાતા વિદ્યાર્થીઓ વિરૂધ્ધ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.