અમરેલી: સાવરકુંડલામાં પિતાએ 5 વર્ષની દીકરીને શણગારી હત્યા કરી ફ્રિજમાં મૂકી, પોતે પણ આપઘાત કર્યો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Father Kills Daughter Self-destruction Incident In Savarkundla: અમરેલીના સાવરકુંડલાના હાડીડા ગામે એક હચમચાવી નાખતી અને કરુણ ઘટના સામે આવી છે. જેમાં આર્થિક સંકડામણ અને ટેન્શનમાં આવીને એક પિતાએ પોતાની જ પાંચ વર્ષીય માસૂમ પુત્રીને મોઢે ડૂમો દઈને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ રૂમમાં દોરડા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. ઘરમાં ઘટના ઘટી એ સમયે મૃતકની પત્ની ઋષિ પાંચમની વિધિ હોવાથી બહારગામ ગઈ હતી. આર્થિક તંગીથી કંટાળીને પિતાએ માસૂમ દીકરીને ફૂલથી શણગારીને મોતને ઘાટ ઉતાર્યા બાદ મૃતદેહને ફ્રિજમાં મૂકી પોતે પણ ગળેફાંસો ખાધો હતો. આ ચોંકાવનારા બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ચકચાર મચી ગઈ છે.
સાવરકુંડલામાં પિતાએ 5 વર્ષીય દીકરીને ફૂલથી શણગારી મોતને ઘાટ ઉતારી ફ્રિજમાં મૂકી
પ્રાપ્ત માહિતી અનુસાર, કિશોરભાઈ નાથાભાઈ ધાણક (ઉં.વ.42) નામના વ્યક્તિ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. આ માનસિક તણાવના કારણે તેઓ અત્યંત પાગલપણુ બતાવી એક રદય દ્રાવક પગલું ભરી બેઠા હતા. તેમણે પોતાની જ 5 વર્ષીય દીકરી હિમાંશીની શ્વાસ રૂંધાવીને હત્યા કરી નાખી હતી. દીકરીનું મોત નીપજ્યા બાદ તેમણે દીકરીના મૃતદેહને ફૂલોથી શણગારીને ફ્રિજમાં મૂકી દીધો હતો અને ત્યારબાદ પોતે રૂમમાં દોરડા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ઘટનાના સમયે મૃતક કિશોરભાઈના પત્ની ઋષિ પાંચમની વિધિ અર્થે બહારગામ ગયા હતા અને ઘરમાં પિતા-પુત્રી જ હાજર હતા. એકમાત્ર સંતાન ગુમાવનાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
સમગ્ર મામલે જાણ થતાં જ સાવરકુંડલા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેના મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સમગ્ર મામલો આર્થિક ભીંસ અને સુસાઈડ નોટના વર્ણન અનુસાર હોવાનું જાણવા મળે છે. સાચી હકીકત તો પોલીસની વધુ તપાસ બાદ સામે આવશે.




