Amreli

ભૂલ ITIની ને દંડ વિદ્યાર્થીઓને! લાઠીમાં વગર શિક્ષકે ચાલતા કોર્સમાં એડમિશન આપ્યા, હવે નવા કોર્સ માટે માંગી રહ્યા છે નવી ફી!

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
અમરેલીના લાઠી ITIમાં પ્લમ્બર કોર્સમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે. ઓનલાઈન 800 રૂપિયા ફી ભર્યા બાદ જાણવા મળ્યું કે કોર્સ માટે શિક્ષક જ નથી અને કોર્સ બંધ કરાયો છે. ITIની ભૂલ છતાં વિદ્યાર્થીઓને અન્ય કોર્સ માટે ફરી 900 રૂપિયા ભરવા જણાવાયું. આ ઘટના સરકારી દાવાઓની પોલ ખોલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભૂલ ITIની ને દંડ વિદ્યાર્થીઓને! લાઠીમાં વગર શિક્ષકે ચાલતા કોર્સમાં એડમિશન આપ્યા, હવે નવા કોર્સ માટે માંગી રહ્યા છે નવી ફી!

Lathi ITI Students: એક તરફ ગુજરાત સરકાર રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) દ્વારા યુવાનોને કૌશલ્યવર્ધક અને રોજગારલક્ષી શિક્ષણ આપવાના મોટા દાવા કરી રહી છે, તો બીજી તરફ અમરેલી જિલ્લાના લાઠીથી જ સરકારના આ દાવાઓની પોલ ખોલતી એક ગંભીર ઘટના સામે આવી છે. લાઠી ITI સંચાલકોની બેદરકારીના કારણે પ્લમ્બર કોર્સમાં પ્રવેશ મેળવનાર માસૂમ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને તેઓ રઝળી પડ્યા છે.

શું છે સમગ્ર મામલો?

લાઠી ITIમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્લમ્બર કોર્સમાં એડમિશન લીધું હતું અને 800 રૂપિયા જેટલી ઓનલાઈન ફી પણ ભરી દીધી હતી. પરંતુ, એડમિશન મળ્યા બાદ જ્યારે વિદ્યાર્થીઓ સંસ્થા પર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે આ કોર્સ માટે કોઈ શિક્ષક જ નથી અને કોર્સ પણ બંધ કરી દેવામાં આવ્યો છે!

વિદ્યાર્થીઓ પર બેવડો માર: ભૂલ ITIની ને દંડ વિદ્યાર્થીઓને!

વિદ્યાર્થીઓ જ્યારે લાઠી ITI કચેરીમાં ન્યાય માટે ગયા ત્યારે તેમને ઉડાઉ જવાબ મળ્યા હતા. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ, સંસ્થા દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો તેમને વેલ્ડર કે અન્ય કોઈ બીજા કોર્સમાં જવું હોય તો ફરીથી નવી 900 રૂપિયા ફી ભરવી પડશે, અને અગાઉ પ્લમ્બર કોર્સ માટે ભરેલા 800 રૂપિયા ભૂલી જવા પડશે!

સવાલ એ થાય છે કે જ્યારે કોર્સ ચલાવવા માટે શિક્ષક જ નહોતા, તો પછી ઓનલાઈન એડમિશન શા માટે આપવામાં આવ્યા? અને સંસ્થાની પોતાની ભુલ છતાં નિર્દોષ વિદ્યાર્થીઓ પાસેથી નવા કોર્સના નામે ફરીથી ફી કેમ વસૂલવામાં આવી રહી છે?

સત્તાવાળાઓનો લૂલો બચાવ

આ બાબતે અંગે લાઠી ITIના સુપરવાઇઝર વિપુલભાઈ ચૌહાણનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, "હાલ એડમિશન ચાલુ છે, પરંતુ 50 ટકા સંખ્યા થશે તો જ શિક્ષક કે કોર્સ અંગે માગણી કરવામાં આવશે." બીજી તરફ તેઓ એવો દાવો પણ કરી રહ્યા છે કે પ્લમ્બર અને અન્ય કોર્સની એડમિશન પ્રક્રિયા ચાલુ જ છે અને વધુ વિદ્યાર્થીઓ આવે તેવા પ્રયાસો છે. જોકે, સવાલ એ ઊભો થાય છે કે વગર શિક્ષકે ચાલતા કોર્સમાં વિદ્યાર્થીઓ પ્રવેશ કેવી રીતે મેળવે?

સરકારના દાવાઓ સામે મોટા સવાલો

ગુજરાત સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે કે ITIમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અને આધુનિક ટેકનોલોજીના કોર્સ ઉમેરાઈ રહ્યા છે અને 177 જેટલા આધુનિકીકરણના પ્રોજેક્ટ્સ સક્રિય છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે લાઠી જેવી સંસ્થાઓમાં વર્ષોથી ચાલતા પ્લમ્બર જેવા પરંપરાગત કોર્સ પણ શિક્ષકોના અભાવે બંધ થવા લાગ્યા છે.

ઓનલાઈન એડમિશન સિસ્ટમ દ્વારા ઘરબેઠા પ્રવેશ તો મળી જાય છે, પરંતુ એડમિશન લીધા પછી ખબર પડે કે સંસ્થામાં ભણાવનાર કોઈ સાહેબ જ નથી, ત્યારે યુવાનોનું ભવિષ્ય શું થશે? અમરેલીના લાઠી ITIના આ કિસ્સાએ તંત્રની લાપરવાહી ઉઘાડી પાડી દીધી છે અને હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાશે ખરાં?