જસદણ નવોદય હોસ્ટેલમાં બાળકીના મોતથી ભારે આક્રોશ, ન્યાયની માંગ સાથે આહીર સમાજ મેદાને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ayushi Death Case: થોડા દિવસો પહેલાં જસદણની આલ્ફા નવોદય એન્ડ સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટરની હોસ્ટેલમાં શંકાસ્પદ સંજોગોમાં મોતને ભેટેલી ભાવનગરની 10 વર્ષીય આયુષી બદલાણિયાના મોતનો મામલો હવે વધુ ગરમાયો છે. હોસ્ટેલ સંચાલકોની ઘોર બેદરકારીના કારણે માસૂમ આયુષીનો ભોગ લેવાયો હોવાના આક્ષેપ સાથે આજે (ચોથી જુલાઈ) અમરેલીના રાજુલામાં આહીર સમાજ સહિત સર્વે સમાજના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. માસૂમ દીકરીને ન્યાય અપાવવા માટે મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને પ્રાંત કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
'આયુષીને ન્યાય આપો' ના નારા સાથે રેલી યોજાઈ
મળતી માહિતી અનુસાર, રાજુલામાં આહીર સમાજના અગ્રણીઓ, કાર્યકરો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાથમાં માસૂમ બાળકીના ફોટા સાથેના પોસ્ટરો અને બેનરો લઈને એકઠા થયા હતા. રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચેલા લોકોએ "ન્યાય આપો, ન્યાય આપો, આયુષીને ન્યાય આપો" ના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. એક માસૂમ દીકરીના અકાળે અવસાનને લીધે સમગ્ર રાજુલા શહેરમાં ઘેરો શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
ન્યાયની લડતમાં જોડાયા ધારાસભ્ય હીરા સોલંકી
આ આક્રોશ પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી પણ વિશેષ રૂપે જોડાયા હતા. તેઓએ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 'માસૂમ બાળકીના પરિવારજનોને ન્યાય મળે તે માટે હું સંપૂર્ણપણે તેમની સાથે ઊભો છું. દીકરીના મોત પાછળ જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવાવા જ જોઈએ.'
સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ
આવેદનપત્ર દ્વારા આહીર સમાજના આગેવાનોએ ઉગ્ર માંગ કરી છે કે, આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર હોસ્ટેલના સંચાલકોની ગુનાહિત બેદરકારીના કારણે જ 10 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ ઘટનાની તટસ્થ અને ઝડપી તપાસ કરવામાં આવે તેમજ જવાબદાર સંચાલકો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય માસૂમ બાળક આવી બેદરકારીનો ભોગ ના બને.









