અમરેલી: શેત્રુજી નદીમાં બેફામ થતી રેતી ચોરી પર ખાણ ખનીજ વિભાગના દરોડા, 31 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Illegal Sand Mining in Amreli: અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુજી નદીના પટમાં ચાલતી ગેરકાયદે ખનીજ ચોરી સામે ખાણ અને ખનીજ વિભાગે મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. લીલીયા તાલુકાના આંબા-જીરા વિસ્તારમાંથી પસાર થતી શેત્રુજી નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા આચરવામાં આવતી રેતી ચોરી પર ટીમે અચાનક દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે.
3 ડમ્પર અને 2 ટ્રેક્ટર સહિત 5 વાહનો સીઝ કરાયા
ખાણ ખનીજ વિભાગની અચાનક દરોડાની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભારે ફાળ પડી હતી. દરોડા દરમિયાન નદીના પટમાંથી ગેરકાયદે રીતે રેતીનું ખનન અને વહન કરતા 3 ડમ્પર અને 2 ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા હતા. તંત્રે તમામ 5 વાહનોને ઘટનાસ્થળેથી સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખાણ અને ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં ગેરકાયદે રેતી ચોરીમાં લિપ્ત વાહનો સહિત કુલ 31 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પંથકમાં લાંબા સમયથી બેફામ બનેલા રેતી માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગની આ લાલ આંખથી ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ નદીના પટમાં થતી ખનીજ ચોરી અટકાવવા માટે આવી કડક ઝુંબેશ અને મોનિટરિંગ સતત ચાલુ રહેશે.









