Amreli

અમરેલી: લીલીયામાં મામલતદાર અને પોલીસની ટીમના ખનિજ માફિયાઓ સામે મોડી રાત્રે દરોડા, 5 ડમ્પર ઝડપાયા

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ખનિજ માફિયાઓ સામે તંત્રે કડક કાર્યવાહી કરી છે. મોડી રાત્રે મામલતદાર અને પોલીસ ટીમે પુતળિયા ગામ નજીક સરપ્રાઇઝ ચેકિંગ કરતા ગેરકાયદે રેતીચોરી કરતા 5 ડમ્પર ઝડપી પાડ્યા હતા. નદીમાંથી રેતી ભરી ભાગવાનો પ્રયાસ કરતા ટ્રકોનો ફિલ્મી ઢબે પીછો કરી તેમને આંતરી લેવાયા. આ કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: લીલીયામાં મામલતદાર અને પોલીસની ટીમના ખનિજ માફિયાઓ સામે મોડી રાત્રે દરોડા, 5 ડમ્પર ઝડપાયા

Amreli News: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ખનિજ માફિયાઓ સામે તંત્રે લાલ આંખ કરી છે. મોડી રાત્રે મામલતદાર અને પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગેરકાયદે રીતે રેતીચોરી કરતા 5 જેટલા ડમ્પરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નદીમાંથી રેતીચોરી કરી ભાગતા ટ્રકોનો પીછો કરી પકડ્યા

મળતી માહિતી અનુસાર, મળેલી ચોક્કસ બાતમીના આધારે લીલીયા તાલુકાના પુતળિયા ગામ નજીક મામલતદાર અને પોલીસ ટીમ દ્વારા મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થાનિક નદીમાંથી ગેરકાયદે રેતી ભરીને નીકળેલા ટ્રક ચાલકોએ તંત્રની ટીમને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે અને મામલતદારની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને તમામ વાહનોને આંતરી લીધા હતા. આ દરોડા દરમિયાન ખનિજ માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પકડાવાના ડરથી કેટલાક ડમ્પર ચાલકો ગામની સાંકડી શેરીઓમાં ટ્રકો ઘુસાડી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.

એક ડમ્પર રેતીથી ભરેલું, 4 ડમ્પર રેતી ખાલી કરીને નાસી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટીમે તેમને ઝડપી લીધા. ગેરકાયદે ખનન અટકાવવાની મુખ્ય જવાબદારી જે ખાણ ખનીજ વિભાગની છે તે ઊંઘતું રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમે સમયસૂચકતા વાપરી આ સફળ કાર્યવાહી કરી છે. તંત્રની આ સરપ્રાઇઝ કાર્યવાહીથી પંથકના ખનિજ માફિયાઓમાં ભારે ફાળ પડી છે.