VIDEO| અમરેલી: વનકર્મી પર હુમલા કરનાર સિંહ પાંજરે પુરાયો, 44 કલાકના મેગા ઓપરેશન બાદ સફળતા, બગસરામાં 5 સિંહના આટાફેરા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Lion Attack, Rescue Operation: અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં છેલ્લા બે દિવસથી ગ્રામજનો અને વનવિભાગ માટે દોડધામ મચાવનાર હુમલાખોર સિંહ આખરે પાંજરે પૂરાયો છે. 26 સપ્ટેમ્બરના રોજ રાજુલાના બારપટોળી ગામે બીમાર સિંહના રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સિંહે 2 વનકર્મી પર હુમલો કર્યો હતો. હુમલા બાદ સિંહ કાતર ગામ પહોંચ્યો હતો. 44 કલાકથી ચાલી રહેલા વનવિભાગના મેગા ઓપરેશનને અંતે સફળતા મળી છે અને હુમલાખોર સિંહને સફળતાપૂર્વક પાંજરે પૂરી દેવામાં આવ્યો છે. બીજી તરફ, બગસરાના નવી હળિયાદ ગામે 5 સિંહ ગામમાં ઘૂસી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
વનકર્મી પર હુમલા કરનાર સિંહ પાંજરે પુરાયો
સિંહને સત્વરે લોકેટ કરી પાંજરે પૂરવા માટે વનવિભાગ દ્વારા ગીર ફોરેસ્ટની સ્પેશિયલ 10 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. 27 સપ્ટેમ્બરથી વનતંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરીને મેગા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત 44 કલાક સુધી ચાલેલી આ સઘન શોધખોળ અને ટ્રેકિંગ બાદ, વનવિભાગની ટીમે હુમલાખોર સિંહને સલામત રીતે પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી.
હુમલાખોર અને બીમાર સિંહ પાંજરે પુરાતાં વનતંત્ર અને સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ આ સિંહને વનવિભાગના એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડીને તેની જરૂરી તબીબી સારવાર શરૂ કરવામાં આવી છે.
બગસરામાં 5 સિંહના આટાફેરા
બીજી તરફ, બગસરાના નવી હળિયાદ ગામે રાત્રિના સમયે 5 સિંહો ઘૂસ્યા હતા. શિકારની શોધમાં 5 સિંહો ગામમાં આવી પહોંચ્યા હતા. ગામની શેરીઓમાં એક સાથે 5 સિંહોએ લટાર મારી હતી. જેમાં શિખરમાં ગામમાં ઘૂસેલા સિંહોના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સિંહો ગામમાં ઘૂસતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે.




