અમરેલી-અમદાવાદ એસટી બસના ડ્રાઇવરની ચાલુ બસે તબિયત લથડતા બસ ખાડામાં ખાબકી, થાંભલો વચ્ચે આવતા મોટો અકસ્માત ટળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Ahmedabad ST Bus Accident: અમરેલીથી અમદાવાદ જઈ રહેલી રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની બસના ડ્રાઇવરની અચાનક તબિયત લથડતા બસ રોડ નીચે ઉતરી જવાની ઘટના સામે આવી છે. લાઠી-અમરેલી હાઇવે પર ટોડા ગામ નજીક આ ઘટના બની હતી. જોકે, સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
અમરેલી-અમદાવાદ એસટી બસના ડ્રાઇવરની ચાલુ બસે તબિયત લથડતા બસ ખાડામાં ખાબકી
મળતી માહિતી મુજબ, 25 જુલાઈએ સવારે 9:30 વાગ્યે અમરેલીથી અમદાવાદ જવા માટે એસટી બસ ઉપડી હતી. બસ ઈશ્વરીયા ગામ નજીકથી પસાર થઈને લાઠી તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક ડ્રાઇવરની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ જમણી બાજુ રોડની નીચે ઉતરીને ખાડામાં ખાબકી હતી. રોડ કિનારે આવેલો વીજળીનો થાંભલો વચ્ચે આવી જતાં બસ પલટી મારતા-મારતા રહી ગઈ હતી, જેના કારણે એક મોટો અકસ્માત ટળ્યો હતો.

થાંભલો વચ્ચે આવતા મોટો અકસ્માત ટળ્યો
ઘટના બનતા જ બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે માહિતી આપતા બસના મુસાફર શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, "ઈશ્વરીયાથી આગળ નીકળ્યા બાદ અચાનક ડ્રાઈવરને શું થયું એ ખબર ન પડી, પરંતુ બસ જમણી બાજુ ઉતરીને ખાડામાં પડી ગઈ હતી. સદનસીબે થાંભલો વચ્ચે આવી જતાં બસ પલટી ખાતા બચી ગઈ હતી."
બનાવ બાદ સ્થાનિકો અને મુસાફરોની મદદથી તબિયત બગડતા ડ્રાઇવરને તાત્કાલિક સારવાર અર્થે અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે.









