Amreli

અમરેલી: લાઠીમાં મહિલા સહિત 4 આરોપીઓ હનીટ્રેપના ગુનામાં ઝડપાયા, પોલીસે સ્થળ પર કરાવ્યું રીકન્સ્ટ્રક્શન

By GS Team
3 Aug 20261 min read
TukuTouch Logo
અમરેલીના લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈકચાલક યુવકને લિફ્ટના બહાને હનીટ્રેપમાં ફસાવી અપહરણ અને ખંડણી પડાવવાના કેસમાં પોલીસે સુરતના 3 પુરુષ અને 1 મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવક પાસેથી 2.5 લાખની ખંડણી માંગી, જેમાં 58,000 રૂપિયા ગુગલ પે દ્વારા પડાવ્યા હતા. પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: લાઠીમાં મહિલા સહિત 4 આરોપીઓ હનીટ્રેપના ગુનામાં ઝડપાયા, પોલીસે સ્થળ પર કરાવ્યું રીકન્સ્ટ્રક્શન

Amreli News: અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈકચાલક યુવકને લિફ્ટ માગવાના બહાને હનીટ્રેપમાં ફસાવી અપહરણ અને ખંડણી પડાવવાના ગંભીર કેસમાં લાઠી પોલીસે મહિલા સહિત સુરતના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

લિફ્ટ માગીને રચ્યું હતું કાવતરું

મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલાં એક મહિલાએ બાઈકચાલક યુવકને ઈશારો કરીને દામનગર સુધી જવાની લિફ્ટ માંગી હતી. માર્ગમાં સરોવર કાંઠે ફોટો પડાવવાના બહાને મહિલાએ બાઈક ઊભું રખાવ્યું હતું. અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ, તે જ સમયે અન્ય કારમાં આવેલા શખસોએ યુવકનું અપહરણ કર્યું હતું અને તેને ઢોર માર માર્યો હતો.

આરોપીઓએ યુવક પાસે અઢી લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. ત્યારબાદ ગૂગલ પે (Google Pay) અને ક્યુઆર કોડ સ્કેનર મારફતે યુવક પાસેથી બળજબરીપૂર્વક 58,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતાં લાઠી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી.

પોલીસે ચારેય આરોપીઓની કરી ધરપકડ

લાઠી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી સુરત રહેતા હનીટ્રેપ ગિરોહના 3 પુરુષ અને 1 મહિલા સહિત 4 આરોપીઓને દબોચી લીધા છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરુ લાઠીયા, નિલેશ ગૌસ્વામી, રાજુ ભીખા કથરોટિયા અને હેતલ નરેશ સોરઠિયા તરીકે થઈ છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.