હવે હોર્મુઝમાં કેદ થઈ ગયું છે વૈશ્વિક અર્થતંત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અલ્પવિરામ
- હોર્મુઝ પરનું નિયંત્રણ એ ઈરાન માટે ગલ્ફ અને અન્ય તેલ-આધારિત રાષ્ટ્રોને દબાણમાં રાખવાનું બ્રહ્માસ્ત્ર છે. વળી એ એને કુદરતે આપેલું છે. એટલે એને ઝૂકાવી શકાશે નહિ
એક પ્રચલિત કહેવત છે : ચોબેજી છબ્બેજી બનવા ગયા હતા, અને દુબેજી બનીને પાછા ફર્યા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ્રટ્રમ્પની વર્તમાન ભૂરાજનીતિક દશા બરાબર આવી જ છે. ટ્રમ્પનો મૂળ ઉદ્દેશ્ય ઈરાનને પરમાણુ મહાસત્તા બનતું અટકાવવાનો હતો, પરંતુ તેમની અવિચારી આક્રમકતાનું પરિણામ એ આવ્યું કે ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની હોર્મુઝની સામુદ્રધુની જ બંધ કરી દીધી. પરિણામે, માત્ર અમેરિકા જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું અર્થતંત્ર એક અભૂતપૂર્વ સંકટની ખાઈમાં ધકેલાઈ ગયું છે.
લગભગ ચાર મહિનાના ભીષણ બોમ્બમારા બાદ, આખરે ઈરાન ૧૭ જૂનના રોજ ૬૦ દિવસના કામચલાઉ યુદ્ધવિરામ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સંમત થયું હતું. આ વિરામ સમયગાળા દરમિયાન પરમાણુ નિ:શસ્ત્રીકરણ અને પ્રાદેશિક સશસ્ત્ર જૂથોને અપાતા કથિત સમર્થન પર વાટાઘાટો થવાની અપેક્ષા હતી. પરંતુ, કૂટનીતિમાં વિશ્વાસનો સદંતર અભાવ હોવાને કારણે, હોર્મુઝ પર દેખરેખ અને નિયંત્રણ કોણ રાખશે તે મુદ્દે વાટાઘાટો ભાંગી પડી, અને વીસેક દિવસમાં જ યુદ્ધવિરામનો છેદ ઊડી ગયો. આ વખતે, ટ્રમ્પ પ્રશાસનના તેર દિવસના આક્રમક બોમ્બમારા છતાં, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો ઇનકાર કરી દીધો. એટલું જ નહીં, વળતા પ્રહાર રૂપે ઈરાને યમનના હુતી બળવાખોરો મારફતે લાલ સમુદ્રમાં પસાર થતા સાઉદી અરેબિયાના તેલ ટેન્કરો પર વ્યૂહાત્મક હુમલાઓ શરૂ કરાવ્યા. આ આક્રમકતાનું પરિણામ એ આવ્યું કે પશ્ચિમ એશિયામાંથી પસાર થતા વિશ્વના બંને મુખ્ય દરિયાઈ વ્યાપાર માર્ગો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે. હવે આ જળમાર્ગોને પુન: કાર્યરત કરવા માટે જે વાટાઘાટો ચાલી રહી છે, તે એ જ યુદ્ધવિરામ પર આધારિત છે જેના પર ટ્રમ્પ અગાઉ અવિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે.
આ વખતની વાટાઘાટોમાં એક નોંધપાત્ર ફેરફાર એ છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે સીધી મંત્રણાઓ થઈ રહી નથી. ઈરાન હવે ઓમાન સાથે મળીને દ્વિપક્ષીય રીતે એ નક્કી કરી રહ્યું છે કે વ્યાપારી જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટનું સંચાલન કઈ રીતે કરવું. તેઓ એક નવી ટ્રાફિક વ્યવસ્થા પર પણ સંમત થયા છે, જેમાં પ્રવેશનું નિયંત્રણ ઈરાન હસ્તક રહેશે અને નિકાસનું નિયંત્રણ ઓમાન પાસે રહેશે. રસપ્રદ બાબત એ છે કે આ જોગવાઈ અગાઉના નિષ્ફળ કરારના પાંચમા મુદ્દામાં પણ સામેલ હતી, પરંતુ ત્યારે ટ્રમ્પે ઈરાનના નિયંત્રણને ફગાવી દીધું હતું. આ વખતે ઈરાને પોતાનું વલણ કઠોર બનાવ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ટ્રાફિક વ્યવસ્થાપન પર ઓમાન સાથે સહમતિ હોવા છતાં, જ્યાં સુધી અમેરિકા પોતાની આક્રમક નીતિમાં સુધારો નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે નહીં. ઈરાનની શરતો સ્પષ્ટ છે : અમેરિકાએ આર્થિક નાકાબંધી હટાવવી પડશે, હોર્મુઝમાંથી પોતાનો નૌકા કાફલો પાછો ખેંચવો પડશે, સૈન્ય દુશ્મનાવટ સમેટી લેવી પડશે, સીધી વાટાઘાટોના ટેબલ પર આવવું પડશે અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને કરેલા હુમલાઓના નુકસાનની ભરપાઈ કરવી પડશે.
આ કટોકટીના મૂળમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની અવિશ્વસનીય નીતિઓ રહેલી છે. તેમણે ૨૦૧૫ના ઐતિહાસિક પરમાણુ કરાર (JCPOA) માંથી એકપક્ષીય રીતે પીછેહઠ કરી, અને વાટાઘાટો ચાલુ હોવા છતાં ત્રણ વખત સૈન્ય હુમલાઓ કર્યા. બીજી તરફ, તેઓ સાઉદી અરેબિયા અને ઇઝરાયેલ વચ્ચે સંબંધો સામાન્ય બનાવવાના બદલામાં સાઉદીને પરમાણુ રિએક્ટર આપવાની ખતરનાક દરખાસ્ત પણ મૂકી રહ્યા છે. આ જટિલ સમીકરણો વચ્ચે, બે દિવસ પહેલાં જ સાઉદી અરેબિયાએ પાકિસ્તાન અને તુર્કી સાથે એક ત્રિપક્ષીય વ્યૂહાત્મક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારની શરત એ છે કે આ ત્રણમાંથી કોઈ એક પર હુમલો થશે, તો તે ત્રણેય પરનો હુમલો ગણાશે. આ ત્રણેય રાષ્ટ્રો પરોક્ષ રીતે અમેરિકાના સાથીઓ છે અને અમેરિકાના આશીર્વાદ વિના આવો લશ્કરી કરાર શક્ય જ નથી. આ ભૌગોલિક ઘેરાબંધીને પારખી ગયેલું ઈરાન હવે કોઈપણ ભોગે હોર્મુઝ સ્ટ્રેેટ પરનું પોતાનું વ્યૂહાત્મક નિયંત્રણ જતી કરવા તૈયાર નથી. હોર્મુઝ પરનું નિયંત્રણ એ ઈરાન માટે ગલ્ફ અને અન્ય તેલ-આધારિત રાષ્ટ્રોને દબાણમાં રાખવાનું બ્ર્રહ્માસ્ત્ર છે.
ઈરાન માટે આ નિયંત્રણ વૈશ્વિક અર્થતંત્ર પર 'વીટો પાવર' સમાન છે, જે તેના અસ્તિત્વની ઢાલ બની શકે છે. પરંતુ, ઈરાનનો આ વીટો પાવર ભારત સહિત સમગ્ર વિશ્વની ઊર્જા સુરક્ષા માટે એક કાયમી અને અત્યંત ગંભીર ખતરો ઊભો કરી રહ્યો છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો, અખાતી ઊર્જા પરની અતિશય નિર્ભરતા એ વૈશ્વિક અર્થતંત્રની સૌથી નબળી કડી રહી છે. જ્યારે પણ પશ્ચિમ એશિયામાં અશાંતિ સર્જાય છે, ત્યારે વિશ્વભરમાં ફુગાવો અને મંદીનો દૈત્ય માથું ઊંચકે છે. ૧૯૭૩ના આરબ-ઇઝરાયેલ યુદ્ધે ક્રૂડના ભાવ ચાર ગણા વધારી દીધા હતા, જેને કારણે વૈશ્વિક મંદી અને શેરબજારોમાં ઐતિહાસિક કડાકા જોવા મળ્યા હતા. ૧૯૭૯માં ઈરાનની ઇસ્લામિક ક્રાંતિએ તેલના ભાવ બમણા કર્યા, અને ૧૯૯૦માં સદ્દામ હુસૈન દ્વારા કુવૈત પરના આક્રમણે ભાવ ત્રણ ગણા કરી દીધા હતા. જોકે, આજે અમેરિકા અને રશિયા જેવા દેશો મોટા તેલ નિકાસકાર બન્યા હોવાથી આ સંઘર્ષની સીધી અસર અગાઉ જેટલી ઘાતક ન હોઈ શકે, છતાં કોવિડ-૧૯ની આર્થિક મહામારીમાંથી માંડ બેઠા થઈ રહેલા વૈશ્વિક અર્થતંત્રો માટે આ આંચકો જીવલેણ સાબિત થઈ શકે છે. વિશેષ ચિંતાનો વિષય એ છે કે હોર્મુઝનું નિયંત્રણ હવે એવા ઈરાનના હાથમાં જઈ રહ્યું છે, જેનું ટોચનું નેતૃત્વ હત્યાઓ અને આંતરિક અશાંતિને કારણે અસ્થિર છે.
બીજી તરફ, પોતાની તમામ લશ્કરી અને આર્થિક તાકાત કામે લગાડવા છતાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઈરાનને ઝુકાવવામાં કે પોતાના ગલ્ફ સાથીઓને સંપૂર્ણ રક્ષણ પૂરું પાડવામાં નિષ્ફળ સાબિત થયું છે. અમેરિકાના આ ઘટતા પ્રભુત્વને કારણે, હવે ઊર્જા પુરવઠા માટે માત્ર હોર્મુઝ સ્ટ્રેટ પર આધાર રાખવો એ ડહાપણભર્યું નથી. આ વાસ્તવિકતા સમજીને દરેક રાષ્ટ્ર વૈકલ્પિક માર્ગો શોધી રહ્યું છે. ભારત પણ રશિયા અને વેનેઝુએલા ઉપરાંત, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ફુજૈરાહ બંદર અને ઓમાન મારફતે તેલ અને ગેસ આયાત કરવાના પ્રયાસો તેજ કરી ચૂક્યું છે. ભારતે ઓમાન સાથે સરહદ વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને ઓમાનથી ગુજરાત સુધી સીધી 'અંડરવોટર પાઇપલાઇન' નાખવાની મહત્ત્વાકાંક્ષી યોજના પર વિચારણા ચાલી રહી છે. આ સાથે ભારત આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં નવા તેલ ક્ષેત્રો પણ શોધી રહ્યું છે. પરંતુ, ઊર્જા નિષ્ણાતો ચેતવણી આપે છે કે માત્ર સપ્લાયર્સ બદલવા કે ભૌગોલિક માર્ગો બદલવા એ આ વૈશ્વિક કટોકટીનો કાયમી ઉકેલ નથી.
આ ભૂરાજનીતિક ચક્રવ્યૂહમાંથી બહાર આવવાનો એકમાત્ર વાસ્તવિક અને કાયમી ઉકેલ 'ઊર્જા આત્મનિર્ભરતા' છે, અને તે માત્ર સ્વચ્છ અને પુન:પ્રાપ્ય ઊર્જા દ્વારા જ સિદ્ધ થઈ શકે છે. આ સંદર્ભે ચીનનું ઉદાહરણ નોંધપાત્ર છે. ચીનનો ઊર્જા વપરાશ ભારત કરતાં પાંચ ગણો વધુ છે, પરંતુ તે પોતાની કુલ જરૂરિયાતના એક ચતુર્થાંશ કરતાં વધુ ઊર્જા સ્વચ્છ સ્ત્રોતોમાંથી પેદા કરે છે. આજે ચીનમાં સૌર, પવન અને જળવિદ્યુતનો હિસ્સો ૪૨% ને વટાવી ગયો છે. આ જ કારણ છે કે અખાતની વર્તમાન કટોકટી ચીનના અર્થતંત્રને ગંભીર રીતે ડગમગાવી શકી નથી.
સ્વચ્છ ઊર્જા અર્થાત્ ક્લીન એનર્જી તરફના પ્રયાણના પાંચ વ્યૂહાત્મક ફાયદા છે : પ્રથમ, અખાત કે રશિયા જેવા તેલ ઉત્પાદક દેશોની રાજકીય ઉથલપાથલથી દેશનું અર્થતંત્ર સુરક્ષિત રહે છે. બીજું, હોર્મુઝ સ્ટ્રેેટ જેવા 'ચોકપોઇન્ટ્સ' બંધ થવાની ભીતિ રહેતી નથી.









