ઘરમાં સમસ્યા હોય તો બાળકોને એની પૂરી ખબર હોય છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અલ્પવિરામ
- પુરાણો કહે છે કે જે ઘરમાં પતિ અને પત્ની પરસ્પરનું સન્માન જાળવતા ન હોય એ ઘરમાંથી લક્ષ્મી દોટ મૂકીને ભાગે છે. એવા પરિવારોની માથે નિર્ધનતા તલવારની જેમ લટકતી હોય છે
નવા જમાનામાં ગૃહિણીનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. એને રાગે પાડવા ગૃહસ્થ ભારે સંઘર્ષો કરે છે. પરિવારમાં એક ગુપ્ત વિષાદના સ્વર સંભળાય છે. કેટલાક લોકો હજી પણ બાળકોને બાળક માનવાની ભૂલ કરે છે. આજના તમામ બાળકો અગાઉની પેઢીનાં બાળકો કરતાં અનેકગણા બુદ્ધિશાળી છે. આ વાત આમ તો સહુ જાણે છે પણ પછી ભુલી જાય છે. દાંપત્યજીવનમાં પતિ અને પત્ની વચ્ચે મનમેળ ન હોય તો બાળકોને એનો પૂરેપૂરો લાભ લેતા આવડતો હોય છે. આજે જે લોકો ભણી ગણીને પુખ્ત થયા પછી પણ નોકરી કરી શકતા નથી, પોતાની કમાણી કરતા નથી તેવા લોકોના બાળ જીવનના વરસો બહુ તંગદિલીમાં પસાર થયા હોય છે. આપણે ત્યાં ઘણાં દંપતી છે કે જેમાં બેમાંથી એકનો સ્વભાવ બહુ જ ટકટક કરવાનો હોય છે.
એને કારણે ઘરનું વાતાવરણ ડહોળાય છે. થોડીવાર થાય ને પત્ની કહે કે તમે ફરી આ જુનો શર્ટ કેમ પહેર્યો ? અથવા તો હું ત્રણ દિવસથી કહું છું તો તમે કોલગેટ લાવવાનું કેમ ભૂલી જાઓ છો? જાવ, અત્યારે ને અત્યારે લઈ આવો. અથવા તો તમને બટેટા ભાવે એટલે શું મારે રોજ બટેટાનું શાક કરવું એમ? આ કંઈ હોટેલ છે હેં ? આ બધી વાતો આમ તો વાસણ ખખડવાની વાત છે પણ આવા ખખડાટ બાળકોના ભવિષ્યને બરબાદ કરી મૂકે છે. બાળકોને પણ બીજાઓનું અપમાન કરવાની ટેવ પડે છે.
જે સ્ત્રીઓને પોતાના પતિદેવની નિંદા કરવાની ટેવ હોય એના ઘરના દરેક પ્રસંગો ક્લેશ યુક્ત બની જાય છે અને એના પડઘા બૃહદ પરિવારમાં પણ પડે છે. શુભ અવસરોએ પણ આ ક્લેશ સપાટી પર આવે છે ને જગતને એની ઝાંખી જોવા મળે છે.
તળિયેથી વાત નળિયે પહોંચતા વાર લાગતી નથી. આમાં માત્ર એમ નથી કે સ્ત્રીઓને જ આવી ટેવ છે. ગુજરાતી પ્રજામાં પોતાની પત્નીને 'અરે તને કંઈ બુદ્ધિ છે કે નહિ ?' એવું એક પણ વાર ન બોલ્યો હોય તેવો પુરુષ ત્રિલોકમાં દુર્લભ અને સાક્ષાત શિવસ્વરૂપ તથા વંદનીય છે…! પુરુષોને પણ પત્ની સાથે જાહેરમાં રકઝક કરતા સમાજે જોયા છે. જો જાહેરમાં પણ તેઓ સદવર્તન ન કરી શકતા હોય તો તેમના પરિવારના યાતનામય દિવસોનો માત્ર અંદાજ બાંધવાનો રહે. છતાં દુનિયા બધું ભુલી જવાની હોય છે પરંતુ ઘરના કેન્દ્રમાં રહેલા સંતાનો એ ઘટનાઓને કદી વીસરી શકતા નથી. એ ઘટનાઓ એમની જિંદગીમાં પડછાયાની જેમ સાથે રહે છે અને એમના મનને વિષાદથી ભરી દે છે.
આપણા દેશમાં તો આત્મકથા લખવાનો બહુ રિવાજ નથી. બહુ ઓછા લોકોએ આત્મકથા લખી છે. પરંતુ પશ્ચિમના દેશોમાં તો હજારો લોકોએ આત્મકથા લખી છે. અરે એમાં કેટલાક તો સામાન્ય લોકો પણ છે પરંતુ તેમની જિંદગી બહુ અસામાન્ય હોય છે. તેમાં તેઓ તેમના માતા અને પિતા વચ્ચેના સ્નેહસંબંધ પર તો ખાસ લખે છે. કારણ કે એનો એમની વ્યક્તિગત જિંદગી પર ઊંડો પ્રભાવ પડયો હોય છે. જે દંપતી પ્રસન્ન જિંદગી જીવ્યા હોય એમના સંતાનો બહુ સુખી જીવન જીવતા હોય છે. કારણ કે પ્રસન્ન માતા-પિતાના જીવનમાંથી જ સંતાનોને સુખની સો ગુરુચાવીઓ મળી રહે છે. પ્રસન્ન દંપતીના છાંયે ઉછરેલા શિશુઓ જ આગળ જતાં મહાપુરુષો બને છે.
જે ઘરમાં બેજણને એકબીજાની માયા ન હોય એ ઘર કંઈ ઘર ન કહેવાય, એ તો મકાન જ ગણાય. આમ પણ વિષ્ણુ પુરાણ તો કહે જ છે કે જે ઘરમાં પતિ અને પત્ની પરસ્પરનું સન્માન જાળવતા ન હોય એ ઘરમાંથી લક્ષ્મી દોટ મૂકીને ભાગે છે. એવા પરિવારોની માથે નિર્ધનતા તલવારની જેમ લટકતી હોય છે. જે દંપતીને જિંદગીની કિંમત ન હોય એને એકબીજાની તો શું મરજાદ હોય ? એક એક દિવસ સોનાનો છે અને પ્રેમભર્યા સહજીવનમાં તો એકે એક દિવસ સાત સોનાનો હોય છે. આખા દિવસમાં બે સારા વેણ બોલી ન શકાય તો કંઈ નહિ, જીવનસાથી હતોત્સાહ થાય એવું કંઈ બોલાય નહિ. પરંતુ આટલી ભાન આવતા કેટલાકને તો ચાર-પાંચ દાયકાઓ વીતી જાય છે અને કેટલાક તો એવા ને એટલા અભિમાની હોય છે કે સાત ભવે પણ એમના દામ્પત્યમાં વિવેક પ્રવેશતો નથી.
પશ્ચિમના દેશોમાં બાળકને, બાળક માનવામાં આવતું નથી. ત્યાં તો બહુ શરૂઆતથી એને ઘરના એક મહત્ત્વના સભ્ય તરીકે સન્માન આપવામાં આવે છે. ઉપરાંત કોઈ દિવસ બાળકથી કોઈ પણ વસ્તુ છુપાવવાનો તેઓ કદી પ્રયત્ન કરતા નથી. આપણે ત્યાં બાળકોને પરિવારની અંદર સેકન્ડ ક્લાસ સિટીઝન જેવો દરજ્જો આપવામાં આવે છે. વળી આપણા દંપતીઓએ મન એમ હોય છે કે બાળકને કંઈ ખબર પડતી નથી ! હકીકતમાં બાળકોને બધી જ ખબર પડે છે અને તેઓ બધું જ સમજે છે. ફેર એટલો છે કે પતિ-પત્ની વચ્ચેની સમજ અને ગેરસમજમાં જે કંઈ સમસ્યાઓ ઊભી થાય એના વિશે બાળકો કોઇ પ્રત્યાઘાત આપતા નથી એને કારણે દંપતી એમ માને છે કે બાળકો તો ખરેખર બાળકો જ છે. આમ પણ સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છે કે મૌન ધારણ કરનારાઓને કદી મૂર્ખ ન માનવા કારણ કે તેઓ બોલબોલ કરનારાઓ કરતાં અધિક બુદ્ધિમાન હોય છે.
પતિ અને પત્ની વચ્ચે જો મનમેળ ન હોય તો એની સૌથી પહેલા બાળકો જ ખબર પડે છે. અને એનો લાભ લઈને બાળકો પોતાની પસંદગીની દિશામાં જિંદગીનું જહાજ ચલાવવા લાગે છે. એક સુકાની વિનાના વહાણ જેવી તેમની દશા હોય છે. બાળકોના વ્યક્તિત્વનું ઘડતર અધૂરું રહી જાય છે. ક્યારેક બાળકો પોતાના રમવાના સ્વાર્થમાં ભણતરને પણ સાઈડ કરી દે છે. જો પતિ-પત્ની વચ્ચે એક રંગન ને એક રાગ ન હોય તો તેમને તો ખ્યાલ જ નથી આવતો કે બાળકોની ગાડી આડે પાટે ચડી ગઈ છે. આજે યુવાન થઈ ગયેલા સંખ્યાબંધ લોકોમાં વ્યક્તિત્વની શૂન્યતા જોવા મળે છે. તેઓ કોઈની પણ સાથે વાત કરે તો તેમની વાત પાંચ વાક્યમાં પૂરી થઈ જાય છે.
ઉપરાંત પાંચ બુદ્ધિમાન લોકો ચર્ચા કરતા હોય તો એમાં આપણો કહેવાતો ગ્રેજ્યુએટ જલ્દી કૂદી પડી શકતો નથી. એનું કારણ એ જ કે એનામાં એક પ્રકારની મુંઝવણ પ્રવેશી જાય છે. મુંઝવણ સદાય આત્મવિશ્વાસનો શત્રુ છે. એ મૂંઝવણ એને ઘરમાંથી વારસા સ્વરૂપે મળી હોય છે. જે દંપતીમાં પરસ્પર વધુ પડતા મતભેદ હોય એમના સંતાનોમાં આવી મુંઝવણો જોવા મળે છે. પાંચ વરસથી ઉપરની ઉંમરના તમામ બાળકો પોતાની માતાને અને પિતાને પૂરેપૂરા ઓળખી લેતા હોય છે.
ઉપરાંત તેમના માતાપિતા એકબીજા સાથે કઈ રીતે વાત કરે છે તે જોઈને એની નકલ પોતાના વર્તનમાં ઉતારતા હોય છે. આ એક સ્વાભાવિક ક્રમ છે. કેટલીક સ્ત્રીઓને ઉદાસ રહેવાની ટેવ હોય છે. એ સ્ત્રીઓ એમ માનતી હોય છે કે લગ્ન કરીને તે ભેખડે ભરાઈ ગઈ છે. પછી સંતાનો પર નકારાત્મક વિચારોના ધોધ પડે છે. નવદંપતીઓએ પણ મનમેળ વિના સંતાનોને જન્મ ન આપવો જોઈએ.




