Alpviram

સોનમ વાંગચુક સાથે પ્રજા ન હોય તો આ તપશ્ચર્યા આત્મઘાતી અનુભૂતિ બની જવાની દહેશત રહે છે

By GS Team
21 Jul 20265 mins read
TukuTouch Logo
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને શિક્ષણ મુદ્દે જવાબદારીની માંગ સાથે સોનમ વાંગચુક ઉપવાસ પર છે. આ મુદ્દો માત્ર એક મંત્રીનો નહીં, પરંતુ સરકારની રાજકીય વિશ્વસનીયતાનો પ્રશ્ન છે. અગાઉ 2018માં પ્રો. અગ્રવાલે ગંગા માટે 111 દિવસ ઉપવાસ કર્યા છતાં સરકાર અડગ રહી હતી. ભૂખ હડતાળ ત્યારે જ અસરકારક બને છે જ્યારે સમાજનો વ્યાપક ટેકો હોય.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનમ વાંગચુક સાથે પ્રજા ન હોય તો આ તપશ્ચર્યા આત્મઘાતી અનુભૂતિ બની જવાની દહેશત રહે છે

અલ્પવિરામ
વૈજ્ઞાનિક પ્રો. અગ્રવાલે ગંગાને અવિરત અને સ્વચ્છ બનાવવાની ડિમાન્ડ સાથે ૧૧૧ દિવસ સુધી સત્યાગ્રહ કર્યો. આખરે તેમનું અવસાન થયું. પરંતુ સરકાર અડગ રહી…!

સોનમ વાંગચુકની ડિમાન્ડ ફક્ત વ્યક્તિગત નથી. તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને શિક્ષણ સંબંધિત ગંભીર મુદ્દાઓ પર જવાબદારીની માંગ કરી રહ્યા છે. પરંતુ આ આ ઉપવાસનો સૌથી મોટો રાજકીય પડકાર પણ છે. જો સરકાર આ રજૂઆત સ્વીકારે છે, તો તેમાં ફક્ત એક મંત્રી જ સામેલ થશે નહીં, પરંતુ સરકારના નેતૃત્વ, તેના નિર્ણયો અને તેની સમગ્ર રાજકીય વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઉભા થશે. તેથી, આ માત્ર એકલવાયી ડિમાન્ડ નથી, પરંતુ સત્તાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. આ જ કારણ છે કે હવે પ્રશ્ન એ નથી કે સોનમ વાંગચુક કેટલા સમય સુધી ઉપવાસ ચાલુ રાખશે. પ્રશ્ન એ છે કે શું તેમના ઉપવાસ આ શાસન માટે રાજકીય કે નૈતિક સંકટ ઉભું કરે છે કે નહિ.
આ પ્રશ્ન આપણને આઠ વર્ષ પાછળ લઈ જાય છે. સન ૨૦૧૮ માં, પ્રો. જી.ડી. અગ્રવાલ - એક વિશ્વ વિખ્યાત પર્યાવરણીય વૈજ્ઞાનિક, IIT કાનપુરના ભૂતપૂર્વ વિભાગીય વડા અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રથમ સભ્ય સચિવ - ગંગાને અવિરત અને સ્વચ્છ બનાવવાની ડિમાન્ડ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. ૮૬ વર્ષના એક વૈજ્ઞાનિકે ૧૧૧ દિવસ સુધી સત્યાગ્રહ કર્યો. આખરે તેમનું અવસાન થયું. પરંતુ સરકાર અડગ રહી. જો તે ૧૧૧ દિવસના ઉપવાસ સરકારને હચમચાવી શક્યા નહીં, તો એવું માનવું સાર્થક નથી કે ફક્ત ઉપવાસનો સમયગાળો લંબાવવાથી સરકારનું વલણ બદલાઈ જશે.
પછી સન ૨૦૧૧ નું અણ્ણા હજારે આંદોલન યાદ આવે છે. અણ્ણાએ જનલોકપાલની માંગણી માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. માત્ર ૧૧ દિવસમાં, તત્કાલીન યુપીએ સરકારને વાટાઘાટો કરવાની ફરજ પડી. તેનું કારણ ફક્ત અણ્ણાના ઉપવાસ નહોતા. તે વખતે લાખો લોકો રસ્તા પર ઉતર્યા, ૨૪ કલાક મીડિયાનું દબાણ, વિપક્ષનો ટેકો અને સરકારને તેની રાજકીય વિશ્વસનીયતા ગુમાવવાનો ડર પણ હતો. પછી ઇતિહાસ આપણને મહાત્મા ગાંધી પાસે લઈ જાય છે. મહાત્મા ગાંધીએ તેમના જીવનમાં અનેક ઉપવાસ કર્યા. ભલે તે અમદાવાદ મિલ કામદારોનો વિવાદ હોય, ૧૯૩૨નો પૂના કરાર હોય, નોઆખલી ઉપવાસ હોય કે ૧૯૪૮નો દિલ્હી ઉપવાસ હોય - દરેક વખતે તેમનો ઉદ્દેશ્ય ફક્ત સરકાર પર દબાણ લાવવાનો જ નહીં પરંતુ સમાજના અંતરાત્માને જાગૃત કરવાનો પણ હતો. બ્રિટિશ સરકાર ક્રૂર હતી, પરંતુ તે પોતાની આંતરરાષ્ટ્રીય છબીની ચિંતા કરતી હતી. ભારતીય જનતા ગાંધીની પાછળ ઉભી હતી. કોંગ્રેસનંં નેતૃત્વ પણ તેમની સાથે હતું. તેથી, તેમના દરેક ઉપવાસ નૈતિક અને રાજકીય સંકટ બની ગયા.
આ ચાર ઉપવાસોને ફક્ત ભૂખ હડતાળ કહેવા એ ઇતિહાસ અને રાજકારણ બંને માટે અન્યાય હશે. આ પ્રશ્ન કોઈ એક વ્યક્તિ વિશે નથી, પરંતુ સત્યાગ્રહની બદલાતી સુસંગતતા વિશે છે. ભૂખ હડતાળ ત્યારે જ અસરકારક હોય છે જ્યારે સત્તામાં રહેલા લોકોને થોડી દયા હોય, અથવા ઓછામાં ઓછું રાજકીય નુકસાનનો ડર હોય. જ્યારે તેઓ માને છે કે જો ભૂખ હડતાળ કરનારને કંઈક થશે, તો જનતા તેમની વિરુદ્ધ થશે. પરંતુ જો સરકાર સમજે છે કે માંગણીઓનો સ્વીકાર કરવો તેના રાજકીય પ્રોજેક્ટ માટે ખૂબ જોખમી છે, અને જનતા વ્યાપકપણે સહમત નથી, તો તે ઉપવાસ સમાપ્ત કરવા માટે ઉતાવળ કરતી નથી. તે સમય, થાક અને શરીરને તેના ભોગ બનવાની રાહ જુએ છે.
ઇતિહાસનું કઠોર સત્ય એ છે કે સત્તા સ્વાભાવિક રીતે જ અસંવેદનશીલ હોય છે. સત્તા પોતાના હિતો દ્વારા ચલાવવામાં આવે છે. સત્યાગ્રહ ત્યારે જ તેને હલાવી શકે છે જ્યારે સમાજ તેની પાછળ ઊભો રહે. એટલા માટે ગાંધી એકલા નહોતા; તેમની પાછળ લાખો ભારતીયો હતા. અણ્ણા એકલા નહોતા; આખું રાષ્ટ્ર તેમની પાછળ ઊભું હોય તેવું લાગતું હતું. પરંતુ જી.ડી. અગ્રવાલ લગભગ એકલા હતા. અને આજે, સોનમ વાંગચુક પણ એવી જ મુશ્કેલ લડાઈ લડી રહ્યા હોય તેવું લાગે છે. દેશના વિચારકોનો એક સમુદાય એમ ચાહે છે કે સોનમ વાંગચુક તેમના ઉપવાસ સમાપ્ત કરે. એટલા માટે નહીં કે તેમની ડિમાન્ડ ખોટી છે, પરંતુ એટલા માટે કે તેમના અવાજની આ દેશને લાંબા સમય સુધી હજુ જરૂર છે.
ઇતિહાસમાં આત્મ-બલિદાનનું સન્માન કરવામાં આવે છે, પરંતુ તે હંમેશા પરિવર્તન લાવતું નથી.
કદાચ આજે જે વધુ તાકીદનું છે તે એ છે કે તેઓ તેમની અસાધારણ બુદ્ધિ, નૈતિક વિશ્વસનીયતા અને જાહેર વિશ્વાસનો ઉપયોગ સંઘર્ષના નવા માર્ગો - કાનૂની લડાઈઓ, જન આંદોલનો, સંવાદ, સંશોધન, જાહેર અભિપ્રાય અને લોકશાહી દબાણ - બનાવવા માટે કરે જે ટકાઉ હોય. કારણ કે જનતા ખભા મિલાવીને ઊભી ન હોય, તો ભૂખ હડતાળ કે સત્યાગ્રહ ઓછા પ્રભાવક અને આત્મઘાતી અનુભૂતિ બની જાય છે. અને કોઈપણ સમાજની સૌથી મોટી નિષ્ફળતા એ છે કે તે તેના સૌથી પ્રામાણિક લોકોને તેમની તપશ્ચર્યા વખતે છોડી દે.
૨૬ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ જાહેર કરાયેલા પાંચ નવા જિલ્લાઓ (શામ, નુબ્રા, ચાંગથાંગ, ઝાંસ્કર, દ્રાસ) ને ચૂંટણીલક્ષી ચાલ માનવામાં આવી રહી છે. આ જિલ્લાઓ પ્રસ્તાવિત ૪૦,૦૦૦ એકરના સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે, જે ગોચર અને હિમનદીઓનો નાશ કરી શકે છે. ભારત-જાપાન સોલાર ડીલ અને ખાણકામ પ્રોજેક્ટ્સ (ગ્રેનાઈટ, ચૂનાનો પત્થર, યુરેનિયમ) કોર્પોરેટ હિતોને પ્રાથમિકતા આપે છે, જે સ્થાનિક પર્યાવરણ અને આજીવિકાને જોખમમાં મૂકે છે. લેહ (બૌદ્ધ-પ્રભુત્વ ધરાવતું) અને કારગિલ (મુસ્લિમ-પ્રભુત્વ ધરાવતું) (શિયા મુસ્લિમોએ ૨૦૨૨માં બૌદ્ધ મઠ માટે જમીન દાનમાં આપી હતી)ની ધાર્મિક એકતા તેમને વિભાજીત કરવાના સરકારના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. આ એકતા લદ્દાખ ચળવળને મજબૂત બનાવે છે, પરંતુ સરકાર તેને ખતરા તરીકે જુએ છે.
300000 ની વસ્તી અને 97-99%આદિવાસી વસ્તી ધરાવતા લદ્દાખમાં આંદોલનનું નેતૃત્વ લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ આંદોલન ચાર મુખ્ય માંગણીઓ પર આધારિત છે :
તેમાં એક છે છઠ્ઠી અનુસૂચિ જેનાથી ઉત્તરપૂર્વ ભારતની જેમ જમીન, જંગલો, પાણી અને ખાણકામ પર સ્થાનિક નિયંત્રણ મળશે. ભાજપે તેના ૨૦૧૯ અને ૨૦૨૦ના મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતું, પરંતુ હવે કોર્પોરેટ હિતો (ખાણકામ અને સૌર પ્રોજેક્ટ્સ) ને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જે સ્થાનિક સંસાધનોનું શોષણ કરી રહ્યા છે. પૂર્ણ રાજ્યનો દરજ્જો અને વિધાનસભાની અહીંની પ્રજાને તરસ છે. હાલમાં, બધી સત્તા કેન્દ્ર દ્વારા નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર પાસે છે. લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ન્છલ્લઘભજ) ને રૂપિયા ૬,૦૦૦ કરોડના બજેટમાંથી માત્ર રૂપિયા ૬૦૦ કરોડ મળે છે, જે લોકશાહીને નબળી પાડે છે.