Alpviram

ગુજરાતીઓ સ્ટેટેસ્ટિક્સ-મેથ્સમાં ગોથા ખાય છે પણ પૈસાના ગણિતમાં તેઓ નંબર સુપર વન છે

By GS Team
18 Aug 20265 mins read
TukuTouch Logo
ગુજરાતીઓ તેમની કમાણીમાંથી પરોપકાર માટે ભાગ અલગ રાખે છે. વેપારીના ખિસ્સામાં ભલે નોટોના બંડલ ન હોય, પણ અજાણ્યાના આંસુ લૂછવાનો રૂમાલ તો હોય જ. ગુજરાતની સમૃદ્ધિનું મૂળ કારણ વહાણવટું છે, જ્યાં 1000 વર્ષ સુધી દરિયાખેડૂ તરીકે જીવન જીવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા, ભાજપ પોતાના લાભાર્થે નિયમો ઘડે છે, જેથી સરકારી અને સંગઠનનો રૂપિયો બજારમાં ઠલવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતીઓ સ્ટેટેસ્ટિક્સ-મેથ્સમાં ગોથા ખાય છે પણ પૈસાના ગણિતમાં તેઓ નંબર સુપર વન છે
  • અલ્પવિરામ
  • ગુજરાતી પ્રજા સ્વયં જે કંઈ કમાણી કરે છે તેમાંથી પરોપકારનો ભાગ જુદો તારવે છે. સાવ ઓછી કમાણી કરનારા વેપારીના ખિસ્સામાં પણ અજાણ્યાના આંસુ લૂછવાનો રૂમાલ તો હશે જ

લક્ષ્મીના આપણે ત્યાં અનેક પ્રકારો છે. આજકાલ ગુજરાતીઓ જેને ભૂલી ગયા છે તે સૌથી વધુ પૂજનીય અને શાસ્ત્ર પ્રસિદ્ધ સમુદ્ર લક્ષ્મી છે. ગુજરાતમાં આજે જે કંઈ ધનસંપતિ અનચે સુખાકારી દેખાય છે એના મૂળ કારણમાં ગુજરાતીઓનું વહાણવટુ છે. લગભગ એક હજાર વરસ સુધી ગુજરાતીઓએ સાત સમંદરમાં દરિયાખેડૂ તરીકેની જિંદગી પસાર કરી છે, જેના પરિણામ રૂપે ગુજરાતમાં સ્થિર લક્ષ્મી તરીકે જેની ઉપાસના થાય છે તે સમુદ્રલક્ષ્મીદત્ત પ્રસન્નતા જળવાયેલી છે જે અનેક મંદી, અનેક દુષ્કાળ અને અનેક કુદરતી આપત્તિઓ પછી પણ સદાકાળ જેવી છવાયેલી છે. એનું કારણ એ પણ છે કે ગુજરાતી પ્રજા સ્વયં જે કંઈ કમાણી કરે છે તેમાંથી પરોપકારનો ભાગ જુદો તારવે છે. સાવ ઓછી કમાણી કરનારા વેપારીના ખિસ્સામાં ભલે નોટોના બંડલ નહિ હોય, પરંતુ અજાણ્યાના આંસુ લૂછવાનો રૂમાલ તો હશે જ. ગુજરાતી વેપારીની આ દિગદિગન્તની ઓળખાણ છે. મનના મોટેરા ગુજરાતીને લક્ષ્મી વરેલી છે.
પરંતુ ગુજરાતીઓની જિંદગી હવે બદલાઈ રહી છે. આ એક પ્રજાજીવનની નવા પ્રકારની સંક્રાન્તિ છે. કંકોતરીને બદલે સીધી જ કોઈ ગિફ્ટ મોકલીને તેમના સંતાનના લગ્નમંગલની જાણ કરે છે ને દર્શનાભિલાષી બદલે માત્ર આશીર્વાદકાંક્ષી બની રહે છે. અનારોગ્યનું પ્રમાણ ઘટયું છે તો પણ એક વર્ગમાં સાવધાની બેવડી થઈ છે અને અન્ય બેફિકરોની સંખ્યામાં અભિવૃદ્ધિ થઈ છે. ગુજરાતની હવામાં દિલ્હીની પવન લહેરો ઉમેરાતી જાય છે. પ્રવાહ હજુ પલટાતા રહેવાના છે ને એમ કરતાં કરતાં જેને ન્યૂ નોર્મલ કહેવાય છે એમાંથી ગુજરાતીઓ પોતાની નૂતન વિભાવના ઘડી લેશે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ભાજપનો સ્વભાવ બધા જ નિયમો પોતાના અને પોતાના મિત્રોના લાભાર્થે ઘડવાનો છે. ભાજપ માત્ર પક્ષના યોગક્ષેમનું જ વહન કરે છે. યોગ ક્ષેમ વહામ્યહમ્….! એમાં પ્રજાના યોગક્ષેમનું વહન કરવાની જગ્યા જ નથી. સ્થાનિક ચૂંટણીઓને કારણે સરકારી અને સંગઠનનો રૂપિયો જિલ્લા ને તાલુકાની બજારમાં ઠલવાશે.
ગુજરાતીઓ પાસે કદાચ મેથેમેટિક્સ અને સ્ટેટેસ્ટિક્સની કુશળતા ઓછી છે. આપણા વિદ્યાર્થીઓ સાતમા-આઠમાથી જ ગણિતમાં ગોથા ખાવા લાગે છે. પરંતુ પૈસાના ગણિતમાં ગુજરાતીઓનો આ જગતમાં જોટો જડે એમ નથી. મણિરત્નમે ધીરુભાઈ પર બનાવેલી ફિલ્મ ગુરુમાં કેન્દ્રવર્તી વિચાર તરીકે ગુજરાતી માનસના પૈસાના ગણિતને રજૂ કરેલું છે. એ સિવાય પણ ગુજરાતમાં એમ કહેવાય કે થડે-થડે અને ચોપડે-ચોપડે ગણિતની અજબ અને વિવિધ સમજણના દસ્તાવેજો છે.
પૈસો મારો પરમેશ્વર એ હદે ગુજરાતીઓ પૈસાના ઘેલા નથી. કમાઈ જાણે છે એમ વાપરી પણ જાણે છે. ગુજરાતીનો જમણો હાથ સખાવત કરે તો ડાબાને ખબર પણ ન હોય એમ અનુભવે જ પ્રજા કહે છે. ગુજરાતીઓની આત્યંતિક ધનપ્રીતિ પર ભલે રેલવે સ્ટેશનથી એરપોર્ટ સુધીની મજાક થતી હોય તો પણ દેશમાં ધન અને સંપત્તિના મહાન સર્જકો તરીકે ગુજરાતીઓની પ્રતિષ્ઠા છે અને એ પ્રજાએ સદીઓ સુધી કરેલા અથાક પરિશ્રમ પછી પ્રાપ્ત કરેલી છે.
ભારતમાં તેજી-મંદીના આંચકાઓ આવતા જ રહે છે અને હજુ આવશે. પરંતુ એ આંચકાઓ ગળી જવાની તાકાત ગુજરાતી પ્રજામાં છે. જે થોડાક લોકોની કેળવણી બાકી હતી તેઓનામાં એ તાકાત આ છેલ્લા બે વરસની મંદીમાં આવી ગઈ છે. આપણું લક્ષ્મીયંત્ર આપણી મહેનત છે. દરેક ગુજરાતીમાં શ્રીમંતાઈનું અને દેશ-વિદેશમાં મહાલવાનું સપનું છે. આ સપનું હોવું એ જ ગુજરાતી હોવાની અસલી ઓળખ છે. દરેક વિપરીત સંજોગોમાંય સુખના સપનાઓનું આપણી પ્રજાએ સેવન કર્યું છે અને પછી એને સેવન સ્ટારની ઊંચાઈએ સાકાર કરેલા છે. ગુજરાતીઓ હવે નવેસરથી કામે લાગ્યા છે.
આર્થિક ભીંસ વચ્ચે પણ ઉત્પાદન યુનિટો શરૂ થઈ ગયા છે ને જે થોડાં બંધ છે તે ટૂંકમાં જ ધમધમવા લાગશે. કેટલાક રાજ્યોની પ્રજાને વારંવાર સરકાર સામે જોવાની ટેવ છે. ગુજરાતી વેપારી સાહસિકો પોતાના પુરુષાર્થ પર વધુ ભરોસો રાખે છે. લક્ષ્મીનો સ્વભાવ ગમનનો છે એમ અગ્નિપુરાણ કહે છે. એ આવે એ પહેલા જ એના જવાના માર્ગો નક્કી હોય છે. એટલે કે આગમન એનું અસ્થાયી હોય છે અને ગમન જ એનું નિશ્ચિત ભવિષ્ય છે. આવા સંયોગોમાં આગંતુક પ્રવાહિત લક્ષ્મીને ઘરમાં, વ્યવસાયમાં, કલામાં કે ઉદ્યોગમાં સ્થિર જાળવવી એ મહાપુરુષોનું કામ છે. લક્ષ્મી પરનું પ્રભુત્વ સમગ્ર જીવન પરનું એક પ્રકારનું સ્વામીત્વ છે.
આજે દેશનો દરેક ગૃહસ્થ એક પ્રકારના અપૂર્વ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે. ક્યારેક એમ લાગે છે કે હિન્દુસ્તાનમાં નાગરિકથી સુખ હવે એક વ્હેંત દૂર થઈ ગયું છે અને એ અંતર વધતું જાય છે. પરંતુ ખરેખર એવું નથી. જ્યાં સુધી ગૃહિણી અને સંતાનો ઘરના મોભીનો સંઘર્ષ સમજી શકે ત્યાં સુધી તો ઘરમાં કંઈ ઘટે નહિ. પરંતુ ક્ષમતા કરતા ખર્ચ વધે અને વ્યર્થ ખર્ચ પણ વધે ત્યારે સંકટ ઘેરું બને છે. સરકારે નાની બચતોના આસાન રીતે ગળા કાપ્યા છે. નોટબંધી કરતાં પણ મોદી સરકારનો ગંભીર અપરાધ નાની બચતોના વ્યાજદરોનો કાપ છે. રાષ્ટ્રીયકૃત બેન્કોએ પણ તબક્કાવાર વ્યાજદર ઘટાડયા છે. સરકારનો હેતુ પ્રજાલક્ષ્મીને શેરબજાર તરફ વાળીને સટ્ટાખોરોના હાથમાં ટ્રાન્સફર કરવાનો છે ? ના. એવું તો ન હોય.
તો ચારેબાજુથી વ્યાજદર ઘટાડીને સરકાર પ્રજાની બચતોને કઈ દિશામાં કોરનર કરવા ચાહે છે ? એના પર કમ સે કમ એ લોકોએ તો વિચાર કરવો જ પડશે જેઓ ભારે પરિશ્રમની કમાણી પછી અતિ ભારે કરકસરથી બચત કરે છે. કોઈ એકલદોકલ રાજનેતાઓની ચાલાકીમાં પ્રજાલક્ષ્મીનો વ્યય ન થાય એ જમાનાએ જોવું પડે છે કારણ કે જમાનો બદલાઈ ગયો છે.
ગુજરાતીઓ ત્રેવડને ત્રીજો ભાઈ કહે છે. આ ત્રેવડ એટલે આર્થિક તાકાત, જૂની મૂડી, બચત અને કરકસરની કળાઓ. અમદાવાદના મિલમાલિકો પણ એક જમાનામાં ભરબપોરે પંખા બંધ રાખતા અને બારીમાંથી આવતી પવનની લહેરમાં હીંચકે ઝૂલતા. બહુ જ અનિવાર્ય ન હોય તેવો એક પાઈનો પણ ખર્ચ ન કરવો એવી વૃત્તિ પર ગુજરાતીઓએ વિરાટ સામ્ર્રાજ્યોનું સર્જન કર્યું છે. એ અસલ ગુજરાતી કરકસરની કળા, ધનસંયમની કુનેહ અને ખર્ચના ખાડાથી દૂર રહેવાની આવડત જે જે પરિવારોમાં જળવાયેલી હશે તેમને તો એક શું એકાવન મંદી પણ કંઈ નુકસાન કરી શકે એમ નથી અને એ જેનામાં નહિ હોય અને રૂપિયો હશે એથી અધિક છલકતો હશે તો તેઓ અનેક તેજીમાંય ડૂબકા ખાતા હશે.