UPSC સિવિલ સર્વિસિસ મેઇન્સ-2026ની પરીક્ષા પૂર્ણ: હવે ઉમેદવારોને ઇન્ટરવ્યૂની રાહ! જાણો પરીક્ષાર્થીઓેને કેવા લાગ્યા પેપર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UPSC Civil Services Mains 2026 Exam Concludes: દેશભરના 27 શહેરોમાં યોજાયેલી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) સિવિલ સર્વિસિસ મેઇન્સ-2026ની પરીક્ષા રવિવારે(30 ઓગસ્ટ) વૈકલ્પિક વિષયના બે પેપર સાથે પૂર્ણ થઈ ગઈ છે. ગત 24 મેના રોજ લેવાયેલી પ્રિલિમનરી પરીક્ષા પાસ કરનારા 13 હજારથી વધુ ઉમેદવારોએ આ મુખ્ય પરીક્ષા આપી હતી. ગુજરાતના અમદાવાદ સહિતના વિવિધ કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં લેવાયેલી આ પરીક્ષામાં સફળ થયા બાદ ઉમેદવારોને હવે સીધા અંતિમ તબક્કા એટલે કે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
UPSC સિવિલ સર્વિસિસ મેઇન્સ-2026ની પરીક્ષા પૂર્ણ
આ મુખ્ય પરીક્ષાના કાર્યક્રમની શરૂઆત 21 ઓગસ્ટના રોજ નિબંધના પેપરથી થઈ હતી, જ્યારે 22 અને 23 ઓગસ્ટે જનરલ સ્ટડીઝના ચારેય GS-1થી GS-4 પેપર લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 29 ઓગસ્ટે ફરજિયાત ભારતીય ભાષા અને અંગ્રેજીની કસોટી લેવાયા બાદ રવિવારે છેલ્લે ઉમેદવારોએ પસંદ કરેલા વૈકલ્પિક વિષયોના પેપર 1-2 લેવામાં આવ્યા હતા.
પરીક્ષામાં કેટલાક પ્રશ્નપત્રોમાં અપેક્ષા કરતા વધુ અઘરાં સવાલો પૂછાતાં ઉમેદવારોને જવાબ લખવામાં થોડો પડકાર અનુભવાયો હતો. જો કે, તેમ છતાં મોટાભાગના વિદ્યાર્થીઓનો એકંદર અભિગમ આશાવાદી જોવા મળ્યો હતો.
જાણો પરીક્ષાર્થીઓેને કેવા લાગ્યા પેપર
પરીક્ષા કેન્દ્રોની બહાર ઉમેદવારોએ પોતાના મિશ્ર પ્રતિભાવો આપ્યા હતા. જેમાં ઉમેદવાર હરેશ આહીરના મતે કમિશનની પરંપરા મુજબ આ વખતે પણ પ્રશ્નો અણધાર્યા હતા, જેમાં ખાસ કરીને GS-3ના પેપરમાં મિશન દ્રષ્ટિ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને લગતા સવાલો કઠિન રહ્યા હતા.
બીજી તરફ, સુરતથી પહેલીવાર સિવિલ સર્વિસની પરીક્ષા આપવા આવેલા ધ્રુવ પટેલને પોતાની સઘન તૈયારીના કારણે તમામ પેપર એકદમ સરળ લાગ્યા હતા. જો કે, મેરીટમાં સ્થાન મેળવવા માટે આજની છેલ્લી વૈકલ્પિક વિષયની પરીક્ષામાં મેળવેલા ગુણ ઘણા નિર્ણાયક સાબિત થશે.




