શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં હોબાળો: બજરંગ દળે તાળા તોડીને અંદર જઇ પ્રાર્થના કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anand Niketan School Shilaj Controversy : અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત આનંદ નિકેતન સ્કૂલ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદના વંટોળમાં ફસાયેલી છે. શાળાની કેન્ટીનના ફૂડમાં કાચના ટુકડા નીકળવાની ઘટના અને પુસ્તક વિવાદને લઈને આજે બજરંગ દળના કાર્યકર્તાઓએ સ્કૂલ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ શાળાના મુખ્ય દરવાજાનું લોક તોડીને અંદર ઘૂસી ગયા હતા અને પરિસરમાં જ પ્રાર્થના તેમજ રાષ્ટ્રગાન ગાઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના સમયે શિક્ષકો ઑફિસમાં જ રહી ગયા હતા અને કોઈની સાથે વાતચીત કરી ન હતી.
શાળા મેનેજમેન્ટની મોટી કાર્યવાહી: ત્રણ કર્મચારીઓને બરતરફ-સસ્પેન્ડ
વિવાદ વધતાં શાળા મેનેજમેન્ટે સમગ્ર મામલે શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે અને આંતરિક રીતે મહત્ત્વના નિર્ણયો લીધા છે. શાળામાં કરિક્યુલમ ડિઝાઇનર અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મુંજા સમ્સને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બે સુપરવાઇઝરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને કેન્ટીન ઇન્ચાર્જ સામે પણ કડક કાર્યવાહી કરાઈ છે. શાળાએ નવા પ્રિન્સિપાલની નિમણૂક માટેની પ્રક્રિયા પણ આરંભી દીધી છે.
પુસ્તક વિવાદ અને પ્રાર્થના અંગે સ્પષ્ટતા
વિવાદાસ્પદ પુસ્તક અંગે શાળાએ શિક્ષણ વિભાગ સમક્ષ સ્પષ્ટતા કરી છે કે, કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો. ભવિષ્યમાં આવી બાબતોની ખાસ કાળજી રાખવાની શાળાએ ખાતરી આપી છે. આ સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સમક્ષ બાંહેધરી આપી છે કે હવે શાળામાં નિયમિતપણે પ્રાર્થના યોજાશે.
કેન્ટીન પર દંડ અને શૈક્ષણિક કાર્યની સ્થિતિ
શિક્ષણ વિભાગે કેન્ટીન નિયમોના ઉલ્લંઘન બદલ શાળાને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હવે ફૂડ ઍન્ડ સેફ્ટી વિભાગનું ક્લિયરન્સ મળ્યા બાદ જ કેન્ટીન ફરી શરૂ કરી શકાશે. ઘટનાને પગલે છેલ્લા બે દિવસથી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ રહ્યું હતું અને વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરાઈ હતી. જોકે, આવતીકાલથી શાળામાં ફરી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવાની શક્યતા છે. DEO રોહિત ચૌધરીએ જણાવ્યું છે કે શિક્ષણ વિભાગ આ સમગ્ર મામલે સતત નજર રાખી રહ્યું છે અને શાળાને તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવા કડક સૂચનાઓ આપી છે.









