VIDEO| અમદાવાદમાં રોડના ખાડા અને બ્રિજથી ટ્રાફિક જામ: 35 રસ્તા રિપેર કરવા, S.G. હાઈવે બ્રિજ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા સૂચના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Police Commissioner Road Repair Order: અમદાવાદ શહેરમાં વરસાદ બાદ પડેલા ખાડા અને અધૂરા બ્રિજના કામોને લીધે પીક અવર્સમાં સર્જાતી ભારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ કમિશનરે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનરે મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) અને NHAIના અધિકારીઓ સાથે બેઠક કરીને શહેરના 35 જેટલા બિસમાર રોડનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યો છે. જેમાં ખાસ કરીને એસ.જી. હાઈવે પર કર્ણાવતીથી સરખેજ સુધીના બ્રિજનું કામ આગામી 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા અને નવરાત્રિ પૂર્વે બ્રિજ નીચેના રસ્તાઓના ખાડા પૂરી માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
કર્ણાવતી-સરખેજ બ્રિજનું કામ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા NHAIને સ્પષ્ટ સૂચના
અમદાવાદ પોલીસ કમિશનરે ગુજરાત સમાચાર ડિજિટલને જણાવ્યું કે, 'અમે અમદાવાદ શહેરના તમામ બ્રિજના કામ, પડેલા ખાડા અને રસ્તાઓની વર્તમાન સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી રહ્યા છીએ. કર્ણાવતીથી સરખેજ તરફના બ્રિજ અંગે મારી સૂચનાથી અમારા અધિકારીઓએ NHAIના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે આ બ્રિજનું નિર્માણ કાર્ય આગામી 31 ઓક્ટોબર સુધીમાં પૂરું કરવાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રિજના નિર્માણમાં ઘણી ટેકનિકલ બાબતો સામેલ હોવાથી અમે તેમાં કોઈ ઉતાવળ નહીં કરીએ, પરંતુ બ્રિજની નીચે પડેલા ખાડા પુરવાનું અને રસ્તાના સમારકામનું કામ અત્યારથી જ શરૂ કરી દેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ચોમાસું પૂરું થઈ ગયું હોવાથી નીચેના રસ્તાઓનું સમારકામ તાત્કાલિક શરૂ થઈ શકે તેમ છે અને જ્યારે બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તે પહેલાં નીચેનો તમામ રસ્તો પણ બની જશે.'
જ્યાં હેવી ટ્રાફિક થતો હોય એવા 30થી 35 સ્થળો આઈડેન્ટીફાય કર્યા
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, 'પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરે સાથે બેસીને શહેરના તમામ ઝોનના રસ્તાઓની સમીક્ષા કરી છે અને સમગ્ર શહેરમાં હાઈવે તથા મુખ્ય રોડ પર એવા 30થી 35 સ્થળો આઈડેન્ટીફાય કર્યા છે જ્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે. ઈન્દિરા બ્રિજ પાસેના કેબલ બ્રિજ નીચેના ખાડા પૂરવા, મકરબા ખાતે ટ્રાફિક નિયંત્રણ માટે કેપ્સ્યુલ શરૂ કરવી તેમજ પાલડી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને NHAI સંયુક્ત રીતે કામ કરી રહ્યા છીએ. સરખેજ તરફના રસ્તા પર રસ્તો પાકો કરવામાં આવી રહ્યો છે. જેથી નવરાત્રિ દરમિયાન લોકોને વાહન વ્યવહારમાં રાહત મળે. પોતે પણ તમામ સ્થળોની સ્થિતિ જોવા માટે રૂબરૂ કરીએ છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે બ્રિજનું કામ પૂરું થાય ત્યાં સુધીમાં તેની નીચેના તમામ ખાડા અને રસ્તાનું સમારકામ પણ પૂર્ણ થઈ જાય.'
કર્ણાવતીથી સરખેજ સુધીનો બ્રિજનું કામ 31 ઓક્ટોબર સુધી પતી જશે
અમદાવાદ પોલીસ કમિશનરના આદેશ બાદ NHAIએ એસ. જી. હાઈવે પર કામગીરી પૂરી કરવા અંગે જણાવ્યું કે, 'કર્ણાવતી બ્રિજ શરૂ કરવા અંગે પોલીસ કમિશનર સાથે મારી વાત થઈ હતી અને એમની ટીમે અમારી સાઈટ પર પણ મુલાકાત લીધી હતી. આ બ્રિજનું કામ 15 ઓક્ટોબર સુધીમાં ઓલમોસ્ટ પૂરું થઈ જશે અને જો 30 ઓક્ટોબર સુધીમાં ઉપરનો બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવો હોય તો ખોલી શકાય તેમ છે. હાલમાં નાનું-મોટું ફિનિશિંગ કામ જેમ કે લાઈટિંગ, ટેબલ ચેકિંગ, થર્મોપ્લાસ્ટ પેઈન્ટિંગ અને રોડ ફર્નિચરનું કામ ચાલુ છે, જેમાં થોડા દિવસો જશે અને 31 ઓક્ટોબર સુધીમાં બધું ક્લિયર થઈ જશે. આ સાથે બ્રિજની નીચે પડેલા ખાડા વહેલી તકે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી નવરાત્રિ પહેલાં પૂરી કરવા માટે અમે કામ કરી રહ્યા છીએ.'




