સાબરમતી કિનારે ટુરિઝમ ટેમ્પલ સર્કિટ, બે કિ.મી.માં 35 મંદિરના જીર્ણોદ્ધાર, 155 કરોડનો માસ્ટર પ્લાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sabarmati Tourism Temple Circuit : અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ટુરિઝમ ટેમ્પલ સર્કિટ વિકસાવવાનું છેલ્લા છ-સાત વર્ષથી ચાલી રહેલું આયોજન હવે વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. કુલ રૂ.155 કરોડના વિશાળ માસ્ટર પ્લાન અંતર્ગત સપ્તઋષિના આરાથી લઈને જગન્નાથજી મંદિર થઈને અટલ ઘાટ અને ભદ્ર-વસંત ચોક સુધીનો વિસ્તાર ખૂબ જ સુંદર રીતે ડેવલપ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સાબરમતીનો પૂર્વ કિનારો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટથી પ્રથમ તબક્કો શરૂ
આ મહત્ત્વપૂર્ણ માસ્ટર પ્લાનની અમલવારી ત્રણ ઝોન અને બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. હાલમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રૂ.15 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થતાં જ ઝોન-1ના પાર્ટ-2ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. આ અંતર્ગત રૂ.13.98 કરોડના અંદાજિત ખર્ચે, અંદાજ કરતા 5.5 ટકા ઓછા ભાવે 'સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ'ને આ કામ સોંપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ દ્વારા સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી છે.
ત્રણ ઝોનમાં વહેંચાયેલી વિકાસ યોજનાની રૂપરેખા
આ સમગ્ર પ્રોજેક્ટને ત્રણ અલગ-અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે:
- ઝોન - 1: પાર્ટ-1 અંતર્ગત તિલકબાગની પાછળ હેરિટેજ ઇન્ટરપ્રિટેશન સેન્ટર, મલ્ટી લેવલ પાર્કિંગ અને ફૂડપ્લાઝાનું નિર્માણ થશે. જ્યારે પાર્ટ-2માં વસંત ચોકમાં અટલ ઘાટ સામે રામ બારી પાસે મંદિર ચોક બનાવીને ત્યાં આવેલા તમામ મંદિરોનો વિશેષ જીર્ણોદ્ધાર કરાશે.
- ઝોન - 2: આ ઝોનમાં પ્રખ્યાત જગન્નાથજી મંદિર અને સોમનાથ ભુદરના આરાનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે.
- ઝોન - 3: પાર્ટ-1માં સપ્ત ઋષિના આરા પાસેના મંદિરોનો જીર્ણોદ્ધાર તેમજ સપ્ત ઋષિનું ભવ્ય સ્કલ્પચર અને ચોક વિકસાવવામાં આવશે. જ્યારે પાર્ટ-2માં સરકારી જગ્યા પર આવેલા સ્લમ વિસ્તારના પુનર્વસન માટે ઇડબલ્યુએસ (EWS) આવાસ યોજના બનાવવામાં આવશે.
35 પ્રાચીન મંદિરોનો થશે ભવ્ય જીર્ણોદ્ધાર
આ યોજનાના પ્રથમ તબક્કાની શરૂઆત માણેક બુરજ પાસે આવેલ મહાલક્ષ્મી મંદિર, રામબારીની આસપાસના મંદિરો, વસંત ચોકનું ગણપતિદાદાનું મંદિર, મારુતિ મંદિર અને કૃષ્ણ મંદિર સહિતના નાના-મોટા અંદાજે 35 પ્રાચીન મંદિરોને આવરી લઈને કરવામાં આવી રહી છે. આ મંદિરોના જીર્ણોદ્ધાર અને પુનઃસ્થાપન ઉપરાંત તેમની આસપાસ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.









