શાસકોની ટૂંકી દૃષ્ટિએ અમદાવાદને ડૂબાડ્યું, પૂર્વમાં 100 પમ્પિંગ સ્ટેશન, પશ્ચિમમાં માત્ર 23
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Floods: અમદાવાદ શહેરમાં ગુરુવાર (23મી જુલાઈ)થી ત્રણ દિવસ સુધી વરસેલા વરસાદમાં પશ્ચિમ અમદાવાદના ત્રણેય ઝોનના અનેક વિસ્તારો પાણીમાં રીતસર ડૂબી ગયા હતા. આ ઘટના માટે દોષનો ટોપલો ભારે વરસાદ પર ઢોળી દેવામાં આવે છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અત્યાર સુધીના શાસકોની ટૂંકી દ્રષ્ટિ તેના માટે વધુ જવાબદાર હોવાની વિગતો સામે આવી છે. રોડ પરથી પાણીના નિકાલ માટે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનના પમ્પિંગ સ્ટેશનોની મહત્ત્વની ભૂમિકા હોય છે. પૂર્વની સરખામણીએ પશ્ચિમ અમદાવાદમાં ચોથા ભાગના પણ પમ્પિંગ સ્ટેશનો નથી!
વિકાસ નામે રસ્તા બનાવ્યા પણ સ્ટોર્મ વોટર અને ડ્રેનેજના પમ્પિંગ સ્ટેશન તથા સમ્પ બનાવ્યા નહીં
અમદાવાદ શહેરના વિકાસમાં રાખવામાં આવતો પૂર્વ-પશ્ચિમનો ભેદભાવ દિવા જેવો સ્પષ્ટ છે. જોકે, અત્યાર સુધી બધા એવું માનતા હતા કે, પશ્ચિમ અમદાવાદના વિકાસમાં જ રસ દાખવાઈ રહ્યો છે. મોટા શહેરો જેવા આયોજનો અને કામો પશ્ચિમના ત્રણ ઝોનમાં જ થાય છે! પરંતુ ગત સપ્તાહના વરસાદે આ ખોખલા વિકાસને ખુલ્લો પાડી દીધો છે. બોપલ-ઘુમા, શેલા, થલતેજ અને મકરબા સહિતના વિસ્તારોની અનેક સોસાયટીઓ પાંચ-સાત દિવસ સુધી પાણીમાં રહી હતી. તેના માટે મ્યુનિસિપલના શાસકોની દીર્ઘ દ્રષ્ટિનો અભાવ કારણભૂત છે. મ્યુનિસિપલના શાસકોએ પશ્ચિમમાં નવા વિસ્તારમાં વિકાસ બતાવવા રોડ બનાવ્યા, ફૂટપાથો બનાવી, બગીચા તૈયાર કર્યાં… પરંતુ સૌથી અગત્યની બાબત એવી ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનનું માળખું ઊભું કર્યું નહીં. આ ફક્ત વાતો નથી, પરંતુ આંકડામાં પણ એ બાબત સ્પષ્ટ થાય છે.

શહેરમાં સ્ટોર્મ વોટરના 43 પમ્પિંગ સ્ટેશન છે, જેમાંથી પશ્ચિમના ત્રણ ઝોનમાં માત્ર 5 સ્ટેશન છે! આવી રીતે જ ડ્રેનેજના કુલ 80 પૈકી 17 પમ્પિંગ સ્ટેશન જ પશ્ચિમમાં છે. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં આપમેળે પાણીનો નિકાલ થાય તેના માટેના 90 સમ્પ પૈકી પશ્ચિમમાં ફક્ત 5 સમ્પ છે. શહેરના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરના કુલ 123 પમ્પિંગ સ્ટેશનો પૈકી પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં માત્ર 23 સ્ટેશન છે! ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનના માળખા બાબતે ક્યારેય શાસકો દ્વારા ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યું નથી. ફક્ત નરી આંખે દેખાય તેવી રસ્તા, બ્રિજ, લાઇટ, બિલ્ડિંગો જેવી ભૌતિક સુવિધાઓ પશ્ચિમમાં ઊભી કરીને શહેરને આઇકોનિક અને સ્માર્ટ દેખાડવાનો પ્રયાસ કરાયો છે. શહેરમાં ફરી વખત ધોધમાર વરસાદ આવશે, એટલે ગત સપ્તાહની જેમ જે તે વિસ્તારોમાં ચોક્કસપણે પાણી ભરાશે જ.









