Ahmedabad

ESI એક્ટના અમલ અંગે કેન્દ્ર સરકારે જવાબ ન આપતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સંબંધિત મંત્રાલયના મંત્રીને નોટિસ કાઢવા આદેશ

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
કચ્છમાં ESI એક્ટ લાગુ કરવા અંગેની PILમાં ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર સામે લાલ આંખ કરી છે. વારંવારના નિર્દેશો છતાં જવાબ ન મળતા, હાઈકોર્ટે સંબંધિત મંત્રાલયના મંત્રીને નોટિસ ફટકારવાનો આદેશ કર્યો. કચ્છના જોખમી ઉદ્યોગોમાં ESI કાયદાનો અમલ ન થતા હજારો કામદારોના આરોગ્ય અને સામાજિક સુરક્ષા જોખમમાં છે. કોર્ટે કહ્યું કે કાયદાનો અમલ દરેક જિલ્લામાં અનિવાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ESI એક્ટના અમલ અંગે કેન્દ્ર સરકારે જવાબ ન આપતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સંબંધિત મંત્રાલયના મંત્રીને નોટિસ કાઢવા આદેશ

ESI Act Kutch: કચ્છ જિલ્લામાં કામદારોની સામાજિક સુરક્ષા માટે એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ (ESI) એક્ટ લાગુ કરવા અંગે કરવામાં આવેલી જાહેરહિતની અરજી (PIL) પર ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. વારંવાર નિર્દેશો આપવા છતાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ જવાબ કે સોગંદનામું રજૂ ન કરાતાં, હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી સંબંધિત મંત્રાલયના મંત્રીને નોટિસ કાઢવાનો આદેશ કર્યો છે.

'હાઈકોર્ટના હુકમોને કેમ ગંભીરતાથી લેવાતા નથી?'

સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકાર અને આસિસ્ટન્ટ સોલિસિટર જનરલની ઓફિસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે આકરી ટકોર કરતાં જણાવ્યું હતું કે, 'કેન્દ્ર સરકાર કે આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ (ASG)ની ઓફિસમાંથી હાઈકોર્ટના નિર્દેશોનો જવાબ સુદ્ધાં આપવામાં આવતો નથી. આ કોઈ એકલ-દોકલ ઘટના નથી, વારંવાર આવું બને છે. લોકોના આરોગ્ય સાથે જોડાયેલા મહત્ત્વના મુદ્દે જવાબ આપવા માટે પણ કોર્ટમાં કોઈ હાજર રહેતું નથી, જે અત્યંત કમનસીબ અને ગંભીર બાબત છે.'

કચ્છના જોખમી ઉદ્યોગોમાં ESI એક્ટનો અમલ ન થતાં હજારો કામદારો અધ્ધરતાલ

અરજીમાં કરાયેલી રજૂઆત અનુસાર, કચ્છ જિલ્લામાં અનેક એવા જોખમી અને કેમિકલ ઉદ્યોગો આવેલા છે જે કામદારોના આરોગ્ય માટે જોખમી છે. છતાં, ત્યાંના ખાનગી ઉદ્યોગોમાં ઈએસઆઈ કાયદાનો અમલ કરાવવામાં આવતો નથી. કોર્ટે નોંધ્યું હતું કે, ઈએસઆઈ કાયદાના અમલ પ્રત્યેની બેદરકારીને કારણે હજારો શ્રમિકો અને મજૂરોના આરોગ્ય અને સામાજિક સુરક્ષાનું ભવિષ્ય અધ્ધરતાલ લટકી રહ્યું છે.

કાયદાનો અમલ દરેક જિલ્લામાં થવો અનિવાર્ય

હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે, વૈધાનિક રીતે દેશના કોઈપણ કાયદાનો અમલ રાજ્યના દરેક જિલ્લામાં સરખી રીતે થવો જોઈએ. કોઈ ચોક્કસ જિલ્લાને તેમાંથી બાકાત રાખી શકાય નહીં. કામદારોની સોશિયલ સિક્યોરિટી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ માટે કચ્છમાં તાત્કાલિક ઈએસઆઈ એક્ટનો અમલ થાય તે જરૂરી છે.