'આવા લોકોને ઇગ્નોર કરવા શ્રેષ્ઠ વિકલ્પ': સુરત DCP નકુમના કેસમાં અશોભનીય ટીપ્પણી કરનાર સામે ગુજરાત HCના ચીફ જસ્ટિસની પ્રતિક્રિયા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court Chief Justice: સુરતમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને માર મારવાના કેસની ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ વિશે સોશિયલ મીડિયામાં કરાયેલી અશોભનીય ટીપ્પણીનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દે વકીલ મંડળ દ્વારા કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવા રજૂઆત કરાતાં ચીફ જસ્ટિસે મહત્ત્વપૂર્ણ ટકોર કરીને કહ્યું હતું કે, 'દેશમાં ફ્રીડમ ઓફ સ્પીચનો કાયદો અમલી છે, તેથી આવી કોમેન્ટ્સ ધ્યાને લીધા વિના આવા લોકોને ઇગ્નોર કરવા જ શ્રેષ્ઠ રસ્તો છે.'
સોશિયલ મીડિયા પર કોર્ટ વિરોધી ટિપ્પણીનો મુદ્દો ઉઠ્યો
સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં ડીસીપી રાજદિપસિંહ નકુમ સામે હાઇકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો અરજી સંદર્ભે પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, મુકેશ ગુજરાતી નામના નેતાએ સોશિયલ મીડિયા પર ચીફ જસ્ટિસની કોર્ટના હુકમની અવમાનના કરતી અને અશોભનીય ટિપ્પણીઓ કરી છે.
જોકે, હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, 'દેશમાં દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને કોઈને બોલતા રોકી શકાય નહીં, તેથી આવી બાબતોને મહત્ત્વ આપવાને બદલે અણદેખી કરવી જ યોગ્ય છે.'
સુઓમોટો કેસ અને ડીસીપી સામે કાર્યવાહીનો મામલો
ઉલ્લેખનીય છે કે, એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા ચીફ જસ્ટિસને પત્ર લખીને રજૂઆત કરાઈ હતી કે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ હોવા છતાં સુરતમાં આરોપીઓને જાહેરમાં બેરહમીથી માર મારીને સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે ગેરકાયદે છે.
અગાઉની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે તપાસ નિષ્પક્ષ રહે તે માટે ડીસીપી રાજદિપસિંહ નકુમની તાત્કાલિક બદલી કરવામાં આવે, જેથી તાબાના અધિકારીઓની મુક્તપણે જુબાની લઈ શકાય. આજે (21મી ઓગસ્ટ) રજૂ કરાયેલા પ્રાથમિક તપાસ અહેવાલ બાદ આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.









