સુરતની કંપનીનું ઈમેઈલ આઈડી હેક કરી વટવાના વેપારી સાથે 2.07 લાખ રૂપિયાની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Fraud Email Hacking : અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા અને વટવા ખાતે કેમિકલ ઇક્વિપમેન્ટનો વ્યવસાય કરતા વેપારી સાથે રૂ. 2.07 લાખની સાયબર ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. સુરતની જે કંપની પાસેથી વેપારીએ હીટરનો ઓર્ડર આપ્યો હતો, તે કંપનીનું અધિકૃત ઈમેઈલ આઈડી હેક કરીને ગઠિયાઓએ બાકી રકમ પોતાના અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ મામલે વેપારીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ઓર્ડર આપ્યા બાદ ઈમેઈલ દ્વારા થઈ છેતરપિંડી
ખોખરા સ્થિત ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતા 60 વર્ષીય બેનુપ્રભાકર દામોદરપ્રસાદસિંહ વિશ્વેશ્વરસિંહ વટવા ખાતે આપ્તાહમ એન્જિનિયરિંગ સિસ્ટમ્સ એલએલપી નામે પુત્ર સાથે ભાગીદારીમાં કેમિકલ ઇક્વિપમેન્ટ બનાવવાનો વ્યવસાય કરે છે. તેઓએ સ્પ્રે ડ્રાયરમાં વપરાતા હીટર માટે સુરતની કાંતીલાલ ચુનીલાલ એન્ડ સન્સ એપ્લાયન્સિસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને રૂ. 2,95,000 નો ઓર્ડર આપ્યો હતો. જે પેટે એડવાન્સ રકમ રૂ. 87,500 કેનેરા બેંકના ખાતામાં ચૂકવી દેવામાં આવી હતી.
ખોટા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી ઠગાઈ
ત્યારબાદ ગત 4 સપ્ટેમ્બરના રોજ સુરતની કંપનીના ઈમેઈલ આઈડી પરથી વેપારીને બાકી પેમેન્ટ બેંક ઓફ બરોડાના કરંટ એકાઉન્ટમાં જમા કરાવવા માટેનો ઈમેઈલ મળ્યો હતો. જેથી વેપારીએ વિશ્વાસ રાખીને 5 સપ્ટેમ્બરના રોજ 2.07 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા અને તેનો સ્ક્રીનશોટ મોકલી આપ્યો હતો. જોકે, 7 સપ્ટેમ્બરે સુરતની કંપનીએ પેમેન્ટ મળ્યું ન હોવાનું અને પોતાનું અધિકૃત ઈમેઈલ આઈડી હેક થયું હોવાનું જણાવતાં વેપારીને પોતે સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો હતો.
પોલીસ તપાસ અને સાયબર સુરક્ષા
ઘટનાની જાણ થતા જ વેપારી દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઈમેઈલ આઈડી હેક કરનાર હેકર્સ અને જે બેંક ખાતામાં નાણાં જમા થયા છે તેની વિગતો મેળવવા માટે ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર સેલની મદદથી સઘન તપાસ શરૂ કરી છે. વેપારીઓ અને નાગરિકોને ઓનલાઈન વ્યવહારો કરતી વખતે નાણાકીય વિગતો અને ઈમેઈલની સચોટતા ચકાસી લેવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.




