ગટર સફાઈમાં અનેક દર્દનાક મોત મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, ગુજરાત સહિત 5 રાજ્યોના ચીફ સેક્રેટરીને શો-કોઝ નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court On Manual Scavenging : દેશમાં ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન સફાઈ કામદારોના સતત થઈ રહેલા મોત અંગે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેંચે આ મામલે કડક વલણ અપનાવતા ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવોને શો-કોઝ નોટિસ પાઠવી છે, અને પૂછ્યું છે કે, આદેશોનું પાલન ન કરવા બદલ તેમની સામે સુઓ મોટો અદાલતી અવમાનના (Contempt of Court)ની કાર્યવાહી શા માટે ન કરવામાં આવે?
સુપ્રીમ કોર્ટે ડો. બલરામ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતા આ નિર્દેશ આપ્યો હતો. ઓક્ટોબર 2023માં સુપ્રીમ કોર્ટે ગટર સફાઈ દરમિયાન થતા મોત પર વળતરની રકમ વધારીને રૂપિયા 30 લાખ કરી હતી, અને જાન્યુઆરી 2025માં 6 મેટ્રોપોલિટન શહેરોમાં હાથથી મેલુ ઉપાડવાની ઘટના (મેન્યુઅલ સ્કેવન્જિંગ) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો.

સંસદના આંકડા અને કોર્ટની કડક ટિપ્પણી
સિનિયર એડવોકેટ કે. પરમેશ્વરે અદાલતને જણાવ્યું કે, કડક આદેશો છતાં મૃત્યુની ઘટનાઓ અટકી નથી. સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ 2024માં 54 અને 2025માં 46 મોત નોંધાયા છે. 2024માં મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 13 અને તામિલનાડુમાં 12 કામદારોના મોત થયા છે. આ આંકડાઓ સાંભળીને જસ્ટિસ કુમારે જણાવ્યું કે, 'અમારા આદેશો પછી પણ જો મોત થતા હોય, તો આ હવે ચલાવી લેવાય નહીં. તમે કન્ટ્રાક્ટરો પર દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરો, અમે જવાબદારી નક્કી કરીશું. ક્યાંક તો આ અટકવું જ જોઈએ.'
કોર્ટે તમામ 5 રાજ્યોના મુખ્ય સચિવોને 4 અઠવાડિયામાં એફિડેવિટ દ્વારા જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.









