Ahmedabad

રખડતા કૂતરાઓ મુદ્દે હાઈકોર્ટે સરકાર, મનપા, ન.પા. પાસે રિપોર્ટ માંગ્યો, NHAIને કહ્યું-'તમારી જવાબદારી સરકાર પર ન ઢોળો'

By GS Team
27 Jul 20263 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટે રખડતા કૂતરા મુદ્દે સુઓમોટો લઈને રાજ્ય સરકાર, 8 મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓને નોટિસ પાઠવી રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યની હાઈકોર્ટની દેખરેખ હેઠળ સરકારને દર 4 મહિને રખડતા કૂતરા અંગેનો અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે AMCને આ પ્રોજેક્ટને 'પાઈલોટ પ્રોજેક્ટ' તરીકે હાથ ધરવા સૂચના આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રખડતા કૂતરાઓ મુદ્દે હાઈકોર્ટે સરકાર, મનપા, ન.પા. પાસે રિપોર્ટ માંગ્યો, NHAIને કહ્યું-'તમારી જવાબદારી સરકાર પર ન ઢોળો'
AI તસવીર

Gujarat High Court on Stray Dogs: સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યની હાઈકોર્ટની દેખરેખ હેઠળ સરકારને દર ચાર મહિને રખડતા કૂતરા અંગેનો અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે રખડતા કૂતરાના મુદ્દે સુઓમોટો લઈને રાજ્ય સરકાર, તમામ 8 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓને નોટિસ પાઠવી રિપોર્ટ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રિપોર્ટ રજૂ કરવા આદેશ

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી પાસે જવાબ માંગતા, તેણે પોતાની જવાબદારી સરકાર પર ઢોળી દીધી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે નેશનલ હાઈવે ઓથોરિટીની ઝાટકણી કાઢતા ટકોર કરી હતી કે, દરેક વખતે ઓથોરિટી તેમની જવાબદારી સરકાર પર નાખી શકે નહીં. કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) આ પ્રોજેક્ટને 'પાઈલોટ પ્રોજેક્ટ' તરીકે હાથ ધરી અન્ય કોર્પોરેશનો માટે ઉદાહરણ પૂરું પાડવા સૂચના આપી હતી. આ કેસની વધુ સુનાવણી 4 ઓગસ્ટે હાથ ધરાશે. હાઈકોર્ટે રાજ્ય સરકાર, પશુપાલન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી અને તમામ નગરપાલિકાઓને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

GUJARAT-HIGH-COURT-NEW-2.jpg

પ્રાણીઓના અધિકારોનું પણ રક્ષણ થવું જોઈએ, પરંતુ માનવજીવનની સુરક્ષાના ભોગે નહીં: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે 22 ઓગસ્ટ, 2025ના રોજ રખડતા કૂતરાઓના વધતા હુમલા અને તેનાથી લોકોના જીવન પર ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને દેશની રાજ્ય સરકારોને મહત્વપૂર્ણ હુકમ આપ્યો હતો. દિલ્હીમાં છ વર્ષની બાળકીનું રેબીઝથી થયેલા મૃત્યુના સમાચારોના આધારે કોર્ટે સુઓમોટો કેસ શરૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે સમગ્ર દેશમાં ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સામાન્ય નાગરિકો રખડતા કૂતરાઓના હુમલાનો ભોગ બની રહ્યા છે, અને માનવજીવનનું રક્ષણ કરવું એ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે. તેની સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પ્રાણીઓના અધિકારોનું પણ રક્ષણ થવું જોઈએ, પરંતુ માનવજીવનની સુરક્ષાના ભોગે નહીં.

પ્રાણીપ્રેમી સંસ્થાઓ અને NGOની દલીલ

સુપ્રીમ કોર્ટે અગાઉ દિલ્હી-NCR વિસ્તારમાં રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા અને તેમને ફરી રસ્તા પર ન છોડવાનો આદેશ આપ્યો હતો. જો કે પ્રાણીપ્રેમી સંસ્થાઓ અને NGO દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, Animal Birth Control (ABC) Rules, 2023 મુજબ કૂતરાઓનું નસબંધી (સ્ટેરિલાઇઝેશન), ડીવોર્મિંગ અને રસીકરણ કર્યા બાદ તેમને જે વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હોય ત્યાં જ પાછા છોડવા ફરજિયાત છે. આ દલીલને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશમાં આંશિક ફેરફાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તમામ કૂતરાઓને કાયમી શેલ્ટરમાં રાખવા વ્યવહારિક રીતે શક્ય નથી અને તે નિયમોની જોગવાઈઓ સાથે પણ સુસંગત નથી. તેથી સામાન્ય રખડતા કૂતરાઓને સારવાર અને રસીકરણ બાદ તે જ વિસ્તારમાં પાછા છોડવામાં આવશે, પરંતુ રેબીઝગ્રસ્ત કે અત્યંત આક્રમક સ્વભાવ ધરાવતા કૂતરાઓને કોઈપણ સંજોગોમાં રસ્તા પર પાછા છોડવામાં આવશે નહીં અને તેમને અલગ શેલ્ટરમાં રાખવામાં આવશે.

કૂતરાઓ માટે અલગ 'ફીડિંગ ઝોન' બનાવવાનો આદેશ

સુપ્રીમ કોર્ટે તમામ નગરપાલિકાઓને દરેક વોર્ડમાં કૂતરાઓ માટે અલગ 'ફીડિંગ ઝોન' બનાવવાનો આદેશ આપ્યો છે અને જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે જ દરેક નગરપાલિકાને ફરિયાદ માટે હેલ્પલાઈન શરૂ કરવા, ડોગ શેલ્ટર, પશુચિકિત્સકો અને અન્ય જરૂરી સુવિધાઓ ઊભી કરવા આદેશ કરાયો છે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવ્યા

આ કેસ માત્ર દિલ્હી સુધી મર્યાદિત ન રહે તે માટે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવ્યા છે અને Animal Birth Control Rulesના અમલીકરણ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે. આ ઉપરાંત દેશની તમામ હાઈકોર્ટોના રજિસ્ટ્રાર જનરલને તેમના ત્યાં રખડતા કૂતરાઓ સંબંધિત પેન્ડિંગ રિટ અરજીઓ અને સુઓમોટો કેસોની માહિતી મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવી તમામ અરજીઓ બાદમાં સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરીને એકસાથે સુનાવણી કરવામાં આવશે, જેથી સમગ્ર દેશમાં એકસરખી કાયદાકીય નીતિ અને માર્ગદર્શિકા અમલમાં આવી શકે.