Ahmedabad

'હું તો તેની સાથે જ રહીશ!': અમદાવાદમાં ટેમ્પોચાલકના પ્રેમમાં પડેલી સગીરાનો ઘરમાં હાઈવોલ્ટેજ ડ્રામા, 181 અભયમની ટીમે મામલો શાંત પાડ્યો

By GS Team
27 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના શાહીબાગમાં 17 વર્ષીય સગીરા 26 વર્ષીય ટેમ્પોચાલકના પ્રેમમાં અંધ બની હતી. તેણે ઘરમાં તોડફોડ કરી માતાપિતા સાથે મારપીટ કરતા પરિવારે '181' અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. અભયમ ટીમે કાઉન્સેલિંગ કરતા સગીરા પાસેથી યુવક સાથેના ફોટો-વીડિયો અને હોટેલ રોકાણની વિગતો ધરાવતો સ્માર્ટફોન મળ્યો. પોક્સો એક્ટની ગંભીરતા સમજાવતા સગીરાએ માફી માંગી મામલો થાળે પડ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું તો તેની સાથે જ રહીશ!': અમદાવાદમાં ટેમ્પોચાલકના પ્રેમમાં પડેલી સગીરાનો ઘરમાં હાઈવોલ્ટેજ ડ્રામા, 181 અભયમની ટીમે મામલો શાંત પાડ્યો

Ahmedabad News: અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં 26 વર્ષીય ટેમ્પોચાલક યુવકના પ્રેમસંબંધમાં અંધ બનેલી 17 વર્ષીય સગીરાએ ઘરમાં તોડફોડ કરી માતાપિતા સાથે મારપીટ શરૂ કરતાં આખરે પરિવારે '181' અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ હાથ ધર્યું ત્યારે સગીરા બાથરૂમમાં પુરાઈ ગઈ હતી. ટીમે તેને બહાર કાઢી તપાસ કરતાં તેના કપડાંમાંથી છુપાવેલો સ્માર્ટફોન મળી આવ્યો હતો, જેમાં મોટી ઉંમરના યુવક સાથેના ફોટો-વીડિયો અને હોટેલ રોકાણની વિગતો સામે આવી હતી. સગીરા સગીર વયની હોવાથી ટીમે પરિવારને પોક્સો એક્ટ હેઠળની કાયદાકીય કાર્યવાહી સમજાવતાં સગીરા શાંત પડી હતી અને પરિવારની માફી માંગતા મામલો થાળે પડ્યો હતો.

અમદાવાદમાં ટેમ્પોચાલકના પ્રેમમાં પડેલી સગીરાનો ઘરમાં હાઈવોલ્ટેજ ડ્રામા

શાહીબાગમાં રહેતા એક પિતાએ 181 હેલ્પલાઇન પર કોલ કરીને આક્રંદ સાથે જણાવ્યું હતું કે, તેમની 17 વર્ષીય દીકરી છેલ્લા કેટલાક સમયથી પરિવાર પર અત્યાચાર ગુજારી રહી છે. અભયમની ટીમ ઘરે પહોંચી ત્યારે માતાપિતાએ આપવીતી વર્ણવી હતી કે, સગીરા છેલ્લા 9 મહિનાથી 26 વર્ષીય ટેમ્પોચાલકના સંપર્કમાં છે. તે ઘરે જૂઠ્ઠું બોલીને તેની સાથે ફરવા અને તેના પારિવારિક લગ્નપ્રસંગોમાં જતી હતી. અગાઉ ચાર વખત તેની પાસેથી છુપા મોબાઈલ પકડાયા હતા. પૂછપરછ કરતાં જ તે માતા પર હાથ ઉપાડતી, બૂમાબૂમ કરી ઘરમાં તોડફોડ કરતી અને "હું આપઘાત કરી લઈશ કે ઘરમાંથી ભાગી જઈશ" તેવી ધમકીઓ આપતી હતી. અગાઉ સ્થાનિક પોલીસ ચોકીમાં પણ અરજી કરાઈ હતી, પરંતુ તેનું વલણ બદલાયું નહોતું.

આ મામલે કાઉન્સિલરે સગીરા સાથે વાતચીત શરૂ કરતાં જ તે ઉશ્કેરાઈ ગઈ હતી અને પોતાને બાથરૂમમાં પૂરી દીધી હતી. ટીમે મહામહેનતે સમજાવીને દરવાજો ખોલાવ્યો હતો. ટીમને શંકા જતાં તપાસ કરતાં સગીરાના કપડાંમાંથી એક છુપાવાયેલો સ્માર્ટફોન મળી આવ્યો હતો. આ દરમિયાન જ સ્ક્રીન પર યુવકના ઉપરાછાપરી ફોન આવી રહ્યા હતા. ફોનની ગેલરી તપાસતાં યુવક સાથેના ફોટા, વીડિયો અને હોટેલ સંબંધિત વિગતો સામે આવતાં સગીરા સ્તબ્ધ થઈ ગઈ હતી.

181 અભયમની ટીમે મામલો શાંત પાડ્યો

સગીરા 17 વર્ષની એટલે કે કાયદાકીય રીતે સગીર હોવાથી અને સામેનો યુવક 26 વર્ષનો પુખ્ત હોવાથી અભયમની ટીમે પરિવાર તેમજ સગીરાને પોક્સો એક્ટ અને બાળ સુરક્ષા કાયદાની ગંભીર જોગવાઈઓ અંગે માહિતગાર કર્યા હતા. હોટેલ રોકાણ અને વાંધાજનક સ્થિતિના પુરાવા જોતાં યુવક સામે ગંભીર ફોજદારી ગુનો નોંધાઈ શકે છે અને તેનું ભવિષ્ય જોખમાઈ શકે છે તે વાસ્તવિકતા સમજાવતાં સગીરા ભાંગી પડી હતી. તેણે પોતાના ગુસ્સા અને ગેરવર્તણૂક બદલ માતાપિતાની માફી માગી હતી અને સંબંધોથી દૂર રહેવાની ખાતરી આપી હતી. પરિવારે હાલ કાયદાકીય ફરિયાદ ન નોંધાવી આગળ વિચારણા કરવાનું નક્કી કર્યું હતું.

સગીરા પાસેથી સ્માર્ટફોન પકડાય માતા પિતા લઈ લે તો પ્રેમી નવો ફોન અપાવી દેતો

માતાપિતા સામાન્ય સ્થિતિના હોવા છતાં સગીરા પાસેથી 4-4 વખત સ્માર્ટફોન મળ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે 26 વર્ષીય યુવક જ સગીરાને નવા ફોન અને સિમકાર્ડ લાવી આપતો હતો. જ્યારે માતા-પિતાએ સગીરા પાસેથી ફોન પકડ્યો અને લઈ લેતા ત્યારે સગીરા પ્રેમીને આ બાબતે વાત કરતી. પછી પ્રેમી તાત્કાલિક સગીરાને સીમકાર્ડ સાથેનો મોબાઈલ લાવી આપતો હતો. આવી રીતે કુલ 4 વખત મોબાઈલ આપ્યો હતો, જેથી સંપર્ક જળવાઈ રહે.