અમદાવાદ: લોકઅપમાં ફોન અને ઊંઘની ગોળી ક્યાંથી આવી? શહેરકોટડા પોલીસના દાવોઓ સામે ઊઠ્યા ગંભીર સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shaherkotda Police Station Lockup Viral Video: શહેરકોટડા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ધમકી આપતો અને ગાળો બોલતો વિડીયો બનાવીને પોલીસને શંકાના ઘેરાવામાં મૂકનાર માથાભારે આરોપી સાજીદ અંસારીની આખરે પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, લોકઅપમાં બનાવેલા વીડિયોમાં તે જે ગોળી ગળી રહ્યો હતો તે ઊંઘની ગોળી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે કડક સુરક્ષા ધરાવતા લોકઅપમાં આરોપી પાસે આ ઊંઘની ગોળી ક્યાંથી આવી? બીજી તરફ, બેકફૂટ પર આવી ગયેલી પોલીસ પોતાના બચાવમાં એવો વિચિત્ર દાવો કરી રહી છે કે, પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા એક માનસિક અસ્થિર વ્યક્તિનો ફોન લઈને આરોપીએ વીડિયો બનાવ્યો હતો.
વટવા વિસ્તારમાંથી સાજીદ અંસારી ઝડપાયો
મહત્વનું છે કે શહેરકોટડા પોલીસ સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો હતો. જેમાં સાજીદ આફ્રિદી અંસારી નામના આરોપીએ લોકઅપની અંદરથી જ ત્રણ અલગ-અલગ વીડિયો બનાવ્યા હતા. આ વીડિયોમાં તે પોતાને જેલમાં મોકલનાર વ્યક્તિને ગાળો આપી બહાર આવીને જોઈ લેવાની ધમકી આપતો હતો અને એક વીડિયોમાં ગોળી ગળતો જોવા મળતો હતો. વીડિયોના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા અને શહેરકોટડા પોલીસે વટવા વિસ્તારમાંથી સાજીદ અંસારીને ઝડપી લીધો હતો.
પોલીસ સ્ટેશનની આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ પોતાની શાખ બચાવવા મેદાને પડેલા શહેરકોટડા પોલીસ સ્ટેશનના PIના જણાવ્યા મુજબ, ગત 7મી જુલાઈના રોજ સાજીદની ધરપકડ કરીને લોકઅપમાં રખાયો હતો. એ જ સમયે મહારાષ્ટ્રનો એક અસ્થિર મગજનો યુવક પોતાના પરિવારથી છૂટો પડી જતાં તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આરોપી સાજીદે આ યુવક પાસેથી મોકાનો ફાયદો ઉઠાવી મોબાઈલ ફોન મેળવ્યો, વીડિયો બનાવ્યા અને અન્ય નંબરો પર સેન્ડ કરી દીધા. જે વીડિયો થોડા દિવસો બાદ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પોલીસનો દાવો છે કે વીડિયોમાં દેખાતી ગોળી માત્ર ઊંઘની જ ગોળી હતી.
પોલીસ ભલે માનસિક અસ્થિર વ્યક્તિના ફોનનું બહાનું બતાવીને પોતાનો બચાવ કરતી હોય, પરંતુ તેમની આ વાર્તા ગળે ઉતરે તેવી નથી.
- અસ્થિર મગજની વ્યક્તિ પાસેથી મોબાઈલ લોકઅપ સુધી પહોંચ્યો જ કેવી રીતે? શું લોકઅપમાં પ્રવેશતા પહેલા કોઈ ચેકિંગ જ નથી થતું?
- લોકઅપની અંદર આરોપી સુધી ઊંઘની ગોળી કઈ રીતે પહોંચી? જો ઊંઘની ગોળી આવી શકતી હોય, તો કાલે ઉઠીને કોઈ હથિયાર કે ઝેર પણ પહોંચી શકે! વળી, પોલીસ જેને ઊંઘની ગોળી કહીને મામલો હળવો કરવાનો પ્રયાસ કરી રહી છે, તે કોઈ નશીલો પદાર્થ પણ હોઈ શકે છે.
- લોકઅપમાં આરોપી નિરાંતે ત્રણ-ત્રણ વીડિયો શૂટ કરે છે, તેને અન્ય નંબરો પર સેન્ડ પણ કરી દે છે અને ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓને કાનોકાન ખબર પણ નથી પડતી! શું પોલીસ સ્ટેશનમાં લોકઅપની સુરક્ષા કરવાને બદલે કર્મચારીઓ ઘોર નિંદ્રામાં હતા?
આ સમગ્ર ઘટનામાં સૌથી આઘાતજનક બાબત તો એ છે કે, એક સિનિયર IPS અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર બેદરકારી પર પડદો પાડવા અને ખાખીનો દાગ છુપાવવા મેદાને પડ્યા છે. માત્ર નાના કર્મચારી એટલે કે PSOને ટાર્ગેટ બનાવી, તેમને સસ્પેન્ડ કરીને સમગ્ર મામલો રફે-દફે કરી દેવાની ગોઠવણ થઈ રહી છે, જે પોલીસ તંત્રની માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કરે છે.









