'બાપ તો બાપ રહેગા...' કહીને શખસે શહેરકોટડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં વીડિયો બનાવ્યો, વાઈરલ થતાં પોલીસે આરોપીને ઝડપ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના શહેરકોટડા પોલીસની વધુ એક બેદરકારીની ઘટના સામે આવી છે. અહીં એક અસામાજિક તત્ત્વને શહેર કોટડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં સજા નહીં પણ સવલત આપવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આજે(29 જુલાઈ) એક વીડિયો ફરતો થયો છે. વાઈરલ વીડિયોમાં કાલુપુર રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતો શાહિદ ઉર્ફે રોબોટ નામનો શખસ જેલના સળિયા પાછળથી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે. આ ઘટના અંગે PIએ જણાવ્યું કે, 'વાઈરલ વીડિયો ગત 7 જુલાઈનો છે.' સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર કોટડા પોલીસના લોકઅપમાંથી આરોપીએ વીડિયો બનાવ્યો!
પ્રાપ્ત વિગતો અનુસાર, લોકઅપની અંદરથી જ આ આરોપીએ પોતાનો સેલ્ફી વીડિયો બનાવીને કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આરોપી શંકાસ્પદ ગોળી ગળતો અને બેફામ અપશબ્દો બોલીને પોલીસની મજાક ઉડાવતો સ્પષ્ટ જોઈ શકાય છે.

વીડિયો અનુસાર, આરોપી લોકઅપમાંથી રૂ.1500 જેટલો ખર્ચ કરીને પોતાના માટે બહારથી ભોજન મંગાવવાની વાતો કરતો સંભળાય છે. આ ઘટનાએ શહેર કોટડા પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, કડક જાપ્તા વચ્ચે લોકઅપમાં રહેલા આરોપી પાસે સ્માર્ટફોન પહોંચ્યો કેવી રીતે અને કોની રહેમનજર હેઠળ તેણે આ વીડિયો બનાવ્યો? આ બાબત ફરજ પરના કર્મીઓની ગંભીર બેદરકારી તરફ સીધો ઈશારો કરે છે.
આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, 'આ ઘટના ગત 7 જુલાઈની છે. જે-તે સમયે આરોપીને અહીં લાવીને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને આ વીડિયો બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે.' વાઈરલ વીડિયો બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.









