અમદાવાદ: બીજા પતિએ દત્તક લીધેલા પુત્રના રેકોર્ડમાં બાયોલોજિકલ પિતાનું નામ ઉમેરવાની માતાની અરજી ફગાવાઈ, સેશન્સ કોર્ટનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sessions Court Judgment: અમદાવાદમાં બીજા પતિએ દત્તક લીધેલા પુત્રના રેકોર્ડમાં બાયોલોજિકલ પિતાનું નામ ઉમેરવાની માતાની અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. 19 વર્ષના પુત્રના સત્તાવાર રેકર્ડમાં બાયોલોજીકલ પિતાનું નામ ઉમેરવા માતાએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે કોર્ટે અરજી નામંજૂર કરી છે. પ્રથમ પતિનું અવસાન થયા બાદ મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ પતિ થકી થયેલા પુત્રને બીજા પતિએ દત્તક લીધું હતું.
બીજા પતિએ દત્તક લીધેલા પુત્રના રેકોર્ડમાં બાયોલોજિકલ પિતાનું નામ ઉમેરવાની માતાની અરજી ફગાવાઈ
સેશન્સ કોર્ટે 19 વર્ષના યુવકની તેના સત્તાવાર રેકર્ડમાં બાયોલોજીકલ પિતાનું નામ પુનઃ સ્થાપિત કરવાની અરજીને ફગાવી દેતાં અવલોકન કર્યું હતું કે, કાયદેસર રીતે થયેલા દત્તક ગ્રહણને રદ કરી શકાતું નથી. ભલે બાળક તેની માતા અને દત્તક લેનાર પિતા સહમત હોય.
શું છે સમગ્ર કેસ?
ઘટના એમ છે કે, વર્ષ 2015માં વિધવા મહિલાએ એક વિધુર પુરુષ સાથે લગ્ન કર્યા હતા. જેને એક પુત્ર હતો. વર્ષ 2022માં અરજદાર મહિલાઓના પતિએ પુત્રને સારી રીતે રાખવાની ખાતરી આપ્યા બાદ દત્તક લીધાનો દસ્તાવેજ તૈયાર કરી નોંધણી કરાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ કોર્ટના હુકમથી યુવકનાં તમામ દસ્તાવેજોમાં તેના જૈવિક પિતાના નામની જગ્યાએ દત્તક લેનાર પિતાનું નામ ઉમેરીને નામ બદલાવ્યું હતું. 8 માસમાં યુવકને અહેસાસ થવા લાગ્યો કે, તેની સાથે સાવકા ભાઈ કરતાં અલગ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. દત્તક પિતાથી દૂર રહેવાના હેતુથી, માતાએ અગાઉ કરેલા ફેરફારોને ઉલટાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેથી બાળકના દસ્તાવેજોમાંથી દત્તક પિતાનું નામ દૂર કરી જૈવિક પિતાનું નામ નોંધાવી શકાય.
માતાએ કોર્ટેમાં કરેલી અરજીમાં શું આક્ષેપ કર્યા
માતાએ કોર્ટેમાં કરેલી અરજીમાં એવો આક્ષેપ કર્યો હતો કે, તેના પતિના વર્તનને કારણે પોતાના 19 વર્ષના પુત્રમાં ભાવનાત્મક તણાવ અને લઘુતાગ્રંથિની લાગણી પેદા થઈ છે. તેને તેના પુત્રના ભવિષ્યની ચિંતા છે. આ ફેરફાર તેના યુવાન પુત્રના કલ્યાણ માટે જરૂરી છે. દત્તક પિતાએ પણ પોતાનું નામ હટાવવા માટે સંમતિ આપી હતી.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું હતું કે, પરસ્પર સંમતિ કાયદાથી ઉપર હોય શકે નહીં. માતાની ચિંતાનો સ્વીકાર કરતા કોર્ટે નોંધ્યું હતું કે, પુત્રના કલ્યાણ અને ભાવનાત્મક સ્વાસ્થ્ય અંગેની રજૂઆત નિઃશંકપણે એવી બાબત છે જેને અણદેખી કરી શકાય નહીં. પરંતુ સવાલ એ છે કે, શું આવી દલીલ વર્તમાન અરજી દ્વારા કાયદેસરના દત્તક ગ્રહણને રદ કરવા માટે કાનૂની રીતે માન્ય આધાર પુરો પાડે છે કે નહીં? હિન્દુ અડોપશન્સ એન્ડ મેન્ટેનન્સ એક્ટ, 1956ની કલમ 15 પર આધાર રાખતા કોર્ટે નોંધ્યું હતું કે, એકવાર દત્તક ગ્રહણ કાયદેસર રીતે થઈ જાય પછી તેને દત્તક લેનાર માતા-પિતા કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા દર કરી શકાતું નથી અને દત્તક લેવાયેલું બાળક તે સ્થિતિનો ત્યાગ કરી શકતું નથી.
કોર્ટને એવા કોઈ પુરાવા મળ્યા નથી જે દર્શાવે કે દત્તક પ્રકિયા શરૂઆતથી જ અમાન્ય હતી. જેમ કે દબાણ, છેતરપિંડી, ગેરમાર્ગે દોરવવુ અથવા સત્તાવાર જરૂરિયાતોનું પાલન ન કરવું. પાછળથી ઊભી થયેલી સ્થિતિનો ઉપયોગ તેને રદ કરવા માટે કરી શકાય નહીં.









