અમદાવાદમાં નાણાં ડીપોઝીટનો બનાવટી મેસેજ કરીને સિનિયર સિટીઝન સાથે ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News : અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનના બેંક એકાઉન્ટમાં નાણાં ડીપોઝીટ થયાનો બેંક જેવો મેસેજ મોકલીને આબાદ છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
શહેરના એલિસબ્રિજ પરીમલ ગાર્ડન પાસે આવેલા શેઠ સેરેનીટા એપાર્ટમેન્ટમાં રહેતા હેંમતભાઇ પંચાલ નવરંગપુરા ખાતે ઓફિસ ધરાવીને કન્સલટન્ટ તરીકે કામ કરે છે. ગત 23મી જુલાઇએ બપોરના સમયે તેમને અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે જણાવ્યું હતું કે મે એક કલરનું કામ રાખ્યું હતું. જેના નાણાં મારા મિત્રએ મને મોકલવાના બદલે ભૂલથી તમને મોકલી આપ્યા છે. જેથી હેંમતભાઇએ તપાસ કરતા તેમના 45500 બેંક એકાઉન્ટમાં ક્રેડીટ થયાનો મેસેજ જોયો હતો.
જેથી વિશ્વાસ કરીને તેમણે તે નાણાં ગુગલ પેથી ચુકવી આપ્યા હતા. ત્યારબાદ તે વ્યક્તિએ ફરીથી ફોન કરીને કહ્યું હતું કે તેના મિત્રએ ફરી એકવાર ભૂલથી નાણાં ટ્રાન્સફર કર્યા છે. આ સમયે 53500ની રકમ હતી. જેનો મેસેજ હેંમતભાઇને મળ્યો હતો. આ સમયે હેંમતભાઇ નાણાં ટ્રાન્સફર કરવામાં વાર કરતા કોલ કરનારે જણાવ્યું હતું કે તેમના પુત્રના ઓપરેશન માટેના આ નાણાં છે અને તે હોસ્પિટલમાં છે. જેથી વિશ્વાસ કરીને ફરીથી તેમણે નાણાં મોકલી આપ્યા હતા.
જો કે ત્યારબાદ હેંમતભાઇને શંકા જતા બેંક એકાઉન્ટ તપાસ કરતા તે ચોંકી ઉઠયા હતા. કારણ કે તેમના એકાઉન્ટમાં કોઇ નાણાં ડીપોઝીટ થયા નહોતા અને કોલ કરનારે બેંકને ભળતા મેસેજ મોકલીને આ છેતરપિંડી આચરી હતી.









