રજાનો રોકડમાં લાભ ન અપાતા શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી

અમદાવાદ,રવિવાર
રાજ્ય સરકારે નિવૃત થતા ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને રજાના રોકડમાં રૃપાંતરનો લાભ ન આપવાનો પરિપત્ર કરતા રાજ્યભરના નિવૃત્ત થયેલા શિક્ષકોએ ઉગ્ર વિરોધ કર્યો છે.જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મંડળે સરકાર સામે બાંયો ચડાવતા તમામ નિવૃત્ત શિક્ષકોને ૩૦૦ રજા પ્રમાણે જ બીલો મુકવા સૂચના આપી છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તાજેતરમાં પરિપત્ર કરીને રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલનો નિવૃત થતા શિક્ષકોને ૩૦૦ રજાનો રોકડમાં અપાતો લાભ સ્થગિત કર્યો છે.એકાઉન્ટન્ટ જનરલ રાજકોટ દ્વારા સરકાર પાસે રજાના રોકડમાં અપાતા લાભને લઈને ક્વેરી કઢાતા અને સ્પષ્ટતા મંગાતા સરકારે હાલ લાભ સ્થગિત કરી દીધો છે.
૨૦૧૩માં સરકાર દ્વારા નિવૃત થતા શિક્ષકોને આ લાભ આપવાનો ઠરાવ કરાયો હતો અને શિક્ષક મંડળોની રજૂઆત છે કે ૬૦૦ હાફ લીવ મુજબ ૩૦૦ ફુલ લીવ પ્રમાણે રોકડનો લાભ મળવો જોઈએ પરંતુ સરકારે ખોટુ અર્થઘટન કરતા ૧૫૦ રજાઓ કરી નાખી છે.જેથી ગુજરાત માધ્મયિક શિક્ષક મંડળ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મંડળે નિવૃત થતા શિક્ષકોને સરકારમાં રજાનો બિલો ન મુકવા અને જો મુકવામા આવે તો પુર ૩૦૦ રજા પ્રમાણે જ મુકવા સૂચના આપી છે.ગત ૩૧મી ઓક્ટોબરે ૧૫૦૦થી વધુ શિક્ષકો નિવૃત થયા છે.




