અમદાવાદના સરદારનગરમાં 16 વર્ષીય કિશોરીનો આપઘાત: સંબંધ રાખવા દબાણ કરનાર યુવકની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ગુરુવારે(13 ઓગસ્ટ) સાંજે 16 વર્ષીય સગીરાએ પોતાના જ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે મૃતક સગીરાના પિતાએ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, રાખિયાલ-બાપુનગર વિસ્તારમાં રહેતો નસીમ ઉર્ફે લલ્લુ નામનો યુવક સગીરા પાછળ પડીને સંબંધ રાખવા અને વાત કરવા સતત માનસિક ત્રાસ આપતો હતો. આ મામલે એરપોર્ટ પોલીસે ફરિયાદના આધારે આરોપી નસીમ અંસારીની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
બહેનો ખરીદી કરીને ઘરે પરત ફરી ત્યારે સામે આવી ઘટના
મૃતક સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગુરુવારે બપોરના સમયે પરિવારના સભ્યો કામઅર્થે બહાર ગયા હતા. સાંજે આશરે 7.30 વાગ્યે ફરિયાદીની અન્ય બે દીકરીઓ ખરીદી કરીને ઘરે પરત ફરી ત્યારે નાની દીકરીનો મૃતદેહ રૂમની અંદર પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો હતો. મૃતક સગીરાની બહેનોએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108ને જાણ કરાઈ હતી. જોકે, સ્થળ પર પહોંચેલી મેડિકલ ટીમે સગારીને મૃત જાહેર કરી હતી.
ઘર બદલ્યા પછી પણ આરોપી પીછો કરતો હતો
મૃતકના પિતાના જણાવ્યા મુજબ, તેમની દીકરી અગાઉ ભદ્રેશ્વરના જૂના વિસ્તારમાં રહેતા રાખિયાલ-બાપુનગરના નસીમ ઉર્ફે લલ્લુ મન્સૂર અહેમદ અંસારી નામના યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ સગીરાએ આરોપીની સાથે વાત કરવાની ચોખ્ખી ના પાડી દીધી હોવા છતાં નસીમ સતત તેનો પીછો કરતો હતો અને સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવકના ત્રાસથી કંટાળી પરિવારે મકાન બદલીને અન્ય જગ્યાએ રહેવા ગયા હતા. તેમ છતાંય આરોપીએ નવું સરનામું શોધી કાઢી ત્યાં પણ આંટાફેરા મારી કિશોરીને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.
પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, ફેબ્રુઆરી 2026માં પણ કિશોરી અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જે-તે સમયે આ જ આરોપી નસીમ તેને બાઈક પર બેસાડીને મુકી ગયો હતો, જે અંગે અગાઉ પણ પોલીસ ચોપડે રજૂઆત કરવામાં આવી હતી. આરોપીના સતત માનસિક ત્રાસ અને બ્લેકમેઈલિંગથી કંટાળીને જ તેમની 16 વર્ષની દીકરીએ જિંદગી ટૂંકાવી લીધી હોવાનો પિતાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં SG હાઈવે પર ઉમિયા કેમ્પસમાં 16 વર્ષના વિદ્યાર્થીનો આપઘાત, પરિવારમાં માતમ
એરપોર્ટ પોલીસે આરોપીને ઝડપ્યો
બનાવ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને ટીમ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે મૃતક સગીરાના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી નસીમ ઉર્ફે લલ્લુ અંસારીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પોલીસે પરિજનો તેમજ આસપાસના લોકોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.









