VIDEO| અમદાવાદ ગ્રામ્યમાં બેરોકટોક ધમધમે છે દેશી-વિદેશી દારૂના અડ્ડા!: પોલીસની રહસ્યમય નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં આક્રોશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rural Illegal Liquor Network: ગુજરાતમાં ફક્ત કાગળ પર જ દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધીના ખુલ્લેઆમ લીરેલીરા ઊડતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગરના દર્દનાક લઠ્ઠાકાંડની શાહી હજુ પૂરી સૂકાઈ નથી, ત્યાં ફરી એકવાર અમદાવાદ ગ્રામ્યના વિવિધ તાલુકાઓમાં દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ બેરોકટોક ધમધમી રહ્યા હોવાથી સ્થાનિક જનતામાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
6 તાલુકાઓમાં બેફામ દારૂની ભઠ્ઠીઓ
મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્યના દસક્રોઈ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા અને ધોલેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ અને વિદેશી દારૂના નેટવર્ક ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. બુટલેગરોને જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ બેફામ બનીને દારૂનું વેચાણ કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવા છતાં સ્થાનિક પોલીસ આ બાબતે મૌન સેવીને બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે.
અસલાલીની કમોડ ચોકડી ગેરકાયદે પ્રવૃત્તિનું ધામ બની
સૌથી ચોંકાવનારી અને ગંભીર બાબત એ છે કે, અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કમોડ ચોકડી પર 24 કલાક કથિત રીતે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. અહીંથી દિવસ-રાત દારૂનું નેટવર્ક ઓપરેટ થઈ રહ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ છે.
પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ? : LCB સામે સ્થાનિકોના સવાલો
- શું પોલીસને બુટલેગરોનો ડર છે કે પછી ખાખી અને બુટલેગરો વચ્ચે કોઈ સાંઠગાંઠ ચાલી રહી છે?
- ગુનાખોરી અટકાવવા અને ગુનેગારોને શોધી કાઢવા માટે લાખો રૂપિયાનું મોટું નેટવર્ક અને બાતમીદારો ધરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB)ને આ અડ્ડાઓની માહિતી કેમ મળતી નથી?
સ્થાનિકોનો આરોપ છે કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા માત્ર કાગળ પર જ દારૂબંધીનું પાલન કરાવવામાં આવે છે. જ્યારે જમીની સ્તરે બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે. આ અંગેનો દારૂબંધીના ધજાગરા ઉડાડતો એક વીડિયો પણ સામે આવતા પોલીસ તંત્રની કામગીરી સામે શંકા વર્તાઈ રહી છે.




