Ahmedabad

ગાંધીનગરના 'ડોક્ટર' તરીકે ઓળખ આપી મોબાઇલ વેપારી પાસેથી રૂ. 99,000 પડાવ્યા

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં મોબાઇલ વેપારી સાથે 99,000 રૂપિયાની ઠગાઈ થઈ છે. ગ્રાહકના સાળા તરીકે ઓળખ આપીને એક અજાણ્યા શખ્સે OLX પર જાહેરાત જોઈને વેપારીને વિશ્વાસમાં લીધો હતો. ગિફ્ટમાં મળેલા મોંઘા ફોનના વેચાણના બહાને, બારકોડ દ્વારા નાણાં મેળવીને ઠગે ફોન સ્વિચ ઓફ કરી દીધો. વેપારીએ સાયબર હેલ્પલાઇન અને રખિયાલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરના 'ડોક્ટર' તરીકે ઓળખ આપી મોબાઇલ વેપારી પાસેથી રૂ. 99,000 પડાવ્યા

Ahmedabad Mobile Fraud Rakhial : અમદાવાદના રખિયાલ વિસ્તારમાં મોબાઇલ લે-વેચનો વેપાર કરતા એક વેપારી સાથે ગ્રાહકનો સાળો હોવાની ઓળખ આપીને રૂ. 99,000 ની ઠગાઈ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ગિફ્ટમાં મળેલા મોંઘા મોબાઇલના વેચાણના બહાને ભેજાબાજે ઓનલાઈન બારકોડ દ્વારા નાણાં મેળવીને ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. આ મામલે વેપારીએ સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કર્યા બાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઓએલએક્સ (OLX) પર જાહેરાત જોઈને રચ્યો ખેલ

રખિયાલ ખાતે મોબાઇલની દુકાન ચલાવતા મોહમદ આમિર પાસેથી અગાઉ પ્રવિણભાઇ પંચાલ નામના ગ્રાહકે રૂ. 1.99 લાખની કિંમતનો સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ ખરીદ્યો હતો. બાદમાં આ ફોન ફાવતો ન હોવાથી પ્રવિણભાઇએ પોતાના દીકરા વરૂણના મોબાઇલથી ઓએલએક્સ (OLX) પર વેચાણ માટે જાહેરાત મૂકી હતી. દરમિયાન 18 સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો, તેણે પોતાની ઓળખ ગાંધીનગરથી પ્રવિણભાઇના સાળા 'ડોક્ટર અમિત શર્મા' તરીકે આપી હતી. ભેજાબાજે જણાવ્યું કે તેને આ મોંઘો ફોન ખરીદવો છે અને વેપારી સાથે ભાવ નક્કી કરીને આખો પ્લાન બનાવ્યો હતો.

મિત્રને ફોન મોકલી ખાતરી કરાવી અને બારકોડથી નાણાં પડાવ્યા

વેપારીએ પોતાના મિત્ર અંસારી શકીલને ઓઢવ સ્થિત વરૂણ પાસે ફોન ચેક કરવા માટે મોકલ્યો હતો. ફોન બરાબર હોવાની ખાતરી થયા બાદ કથિત અમિત શર્માએ વેપારીને ફોન કરીને જણાવ્યું કે મોબાઇલ મિત્ર પાસે આવી ગયો છે અને તે બારકોડ મોકલે છે જેમાં રૂ. 99,000 મોકલી આપે. આ વિશ્વાસમાં આવીને વેપારીએ 'સાહીલ શકીલ શેખ' નામના બારકોડ પર ગૂગલ પે દ્વારા નાણાં ટ્રાન્સફર કરી દીધા હતા. નાણાં જમા થતાં જ ગઠિયાએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. બીજી તરફ વરૂણે વેપારીના મિત્રને નાણાં ન મળ્યા હોવાનું જણાવતા સમગ્ર ઠગાઈનો ભાંડો ફૂટ્યો હતો.

પોલીસ તપાસ અને સાયબર સુરક્ષાની અપીલ

પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતાં વેપારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બારકોડ અને મોબાઇલ નંબરના આધારે ઠગને ઝડપી પાડવા માટે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.