Ahmedabad

ગુજરાતના પવિત્ર પર્વતો પર રોપ-વે સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ, 47 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો લાભ

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં યાત્રાળુઓ માટે રોપ-વે સેવા આશીર્વાદરૂપ બની છે. વર્ષ 2025-26 દરમિયાન પાવાગઢ, અંબાજી અને ગિરનાર રોપ-વેનો 47.32 લાખથી વધુ ભક્તોએ લાભ લીધો. આ સેવાથી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગો માટે દર્શન સરળ બન્યા છે. 2.12 કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વે પૈકીનો એક છે. આનાથી યુવાનોને રોજગારી પણ મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના પવિત્ર પર્વતો પર રોપ-વે સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ, 47 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો લાભ

Gujarat Ropeway Service: ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામો અને પવિત્ર પર્વતો સુધી પહોંચવા માટે રોપ-વે સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વર્ષ 2025-26 દરમિયાન ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે કુલ 47.32 લાખથી વધુ પ્રવાસીઓ અને યાત્રાળુઓએ સલામત અને સુગમ રોપ-વે સેવાનો આનંદ માણ્યો છે. આ સેવાથી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગો માટે દર્શન સરળ બન્યા છે, સાથે જ સ્થાનિક સ્તરે યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે.

કયા યાત્રાધામમાં કેટલા યાત્રાળુઓએ રોપ-વેનો ઉપયોગ કર્યો?

પંચમહાલના પાવાગઢમાં 23.43 લાખથી વધુ પ્રવાસીઓએ, બનાસકાંઠાના અંબાજી રોપ-વેનો 15.58 લાખથી વધુ તેમજ જૂનાગઢના ગિરનારમાં 8.31 લાખથી વધુ એમ કુલ 47.32 લાખથી વધુ ભાઈઓ-બહેનો, બાળકો, વડીલો તથા દિવ્યાંગ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે જે ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની લોકપ્રિયતા દર્શાવે છે. આ યાત્રાળુઓના આગમનથી આ વિસ્તારના યુવાઓને સારા પ્રમાણમાં રોજગારી પણ ઉપલબ્ધ થઇ રહી છે.

ગિરનાર રોપ-વે: એન્જિનિયરિંગની અજાયબી અને ભક્તિનો સંગમ

જૂનાગઢ સ્થિત 2.12 કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વે પૈકીનો એક છે, જે જમીનથી 3,660 ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજી માતાના મંદિર સાથે જોડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઑક્ટોબર 2020માં આ રોપ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

•31 આધુનિક કેબિન મારફતે પ્રતિ કલાક 1,000 મુસાફરોનું પરિવહન.
•5,000 પગથિયાંનું મુશ્કેલ ચઢાણ હવે માત્ર 9 મિનિટની રાઇડમાં પૂરું થાય છે.

ગિરનાર પર આવેલા ગુરુ દત્તાત્રેય, ગોરખનાથ, અંબાજી અને જૈન મંદિરોના દર્શન માટે તે ઉત્તમ માધ્યમ છે. ચોમાસામાં વાદળો વચ્ચેની મુસાફરી તેમજ સોમનાથ અને શાસણ ગીરની નિકટતાને કારણે પ્રવાસીઓમાં તેનો ભારે ક્રેઝ છે.

રોપ-વે સમયપત્રક

•પાવાગઢ: સવારે 06:00થી સાંજે 05:45 સુધી
•ગિરનાર: સવારે 07:00થી સાંજે 05:00 સુધી
•અંબાજી: સવારે 07:00થી સાંજે 06:00 સુધી

દિવ્યાંગો અને વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ

દિવ્યાંગજનોને રોપ-વે ટિકિટમાં વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન ‘શરદ મહોત્સવ’ અંતર્ગત STEM EXCURSION શૈક્ષણિક પ્રવાસ માટે ટિકિટમાં ખાસ વળતર આપવામાં આવે છે. ઓનલાઇન ટિકિટ બુકિંગ udankhatola.com પરથી અથવા ટોલ ફ્રી નંબર 1800-202-4050 પર સંપર્ક કરીને કરી શકાય છે.