અમદાવાદ: ગણેશ વિસર્જન કુંડ તૈયાર ન થતાં ભક્તોને ખાડા પાસે મૂર્તિ મૂકવાની ફરજ પડી, તંત્રના અણઘડ વહીવટથી ભક્તોમાં ભારે રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sabarmati Riverfront Artificial Immersion Pond Unfinished: અમદાવાદ શહેરમાં ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે અને ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ સહિત વિવિધ સ્થળોએ કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે, પશ્ચિમ રિવરફ્રન્ટ પર વિસર્જન કુંડની કામગીરી સમયસર પૂર્ણ ન થતાં ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાની સ્થિતિ સામે આવી છે. વિસર્જન માટે પહોંચેલા કેટલાક શ્રદ્ધાળુઓને કુંડના બદલે માત્ર ખાડા જોવા મળ્યા હતા. જેના કારણે તેમણે ગણેશજીની મૂર્તિ ખાડા પાસે મૂકીને પરત ફરવું પડ્યું હતું.
ગણેશ વિસર્જન કુંડ તૈયાર ન થતાં ભક્તોને ખાડા પાસે મૂર્તિ મૂકવાની ફરજ પડી
ગણેશોત્સવ શરૂ થાય તે પહેલાં જ રિવરફ્રન્ટના વિવિધ સ્થળોએ વિસર્જન કુંડ બનાવવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. તેમ છતાં પશ્ચિમ કાંઠાના ખુલ્લા પ્લોટમાં કુંડ તૈયાર કરવાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હતી. દરમિયાન એક કે બે દિવસ માટે ઘરે ગણેશજીની મૂર્તિ પધરાવનારા કેટલાક નાગરિકો વિસર્જન માટે રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. જોકે, સ્થળ પર કુંડ તૈયાર ન હોવાથી તેમને માત્ર ખાડા જોવા મળ્યા હતા. ત્યાં હાજર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને પૂછતાં 'કામ ચાલુ છે, તમે મૂર્તિ અહીં મૂકી જાઓ. બાદમાં અમે કુંડમાં વિસર્જન કરીશું.' એવો જવાબ આપવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ સ્થિતિને કારણે શ્રદ્ધાળુઓ મૂર્તિ સાથે પરત જાય અથવા કુંડ તૈયાર થાય ત્યાં સુધી રાહ જુએ તેવી સ્થિતિમાં મુકાયા હતા. આખરે કેટલાક લોકોએ ગણેશજીની મૂર્તિ ખાડા પાસે મૂકીને જવાની ફરજ પડી હતી.
લાખો રૂપિયાના કુંડ છતાં કામગીરીમાં વિલંબ
સાબરમતી નદી અને શહેરનાં તળાવોમાં મૂર્તિ વિસર્જનથી જળપ્રદૂષણ થતું હોવાથી કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવે છે. રિવરફ્રન્ટના ખુલ્લા પ્લોટમાં મોટા ખાડા બનાવી તેમાં પ્લાસ્ટિકની શીટ પાથરી પાણી ભરવામાં આવે છે. પૂર્વ અને પશ્ચિમ રિવરફ્રન્ટ પર આવા કુંડ બનાવવા માટે સંબંધિત ઝોન દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તેના માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે ગણેશોત્સવ શરૂ થઈ ગયા બાદ પણ કુંડ તૈયાર ન હોવાની સ્થિતિએ કામના આયોજન અને મોનિટરિંગ સામે સવાલો ઊભા કર્યા છે.
કુંડ પૂર્યા બાદ પણ રિવરફ્રન્ટને મુશ્કેલી
વિસર્જન બાદ કુંડના ખાડા યોગ્ય રીતે પૂરવામાં ન આવતા થોડા સમય બાદ ફરી ખાડા પડી જવાની સમસ્યા પણ અગાઉ સામે આવી હોવાનું જાણવા મળે છે. ખાડા પૂરવા અને જમીન સમથળ કરવાની જવાબદારી બાદમાં રિવરફ્રન્ટ તંત્રએ નિભાવવી પડતી હોવાની ચર્ચા છે. આ મુદ્દે રિવરફ્રન્ટના વહીવટી તંત્ર દ્વારા પણ યોગ્ય સ્તરે ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી છે.
અગાઉ પણ વિસર્જન બાદ મૂર્તિઓના નિકાલ સામે સવાલ
અગાઉ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયેલી મૂર્તિઓને કચરાગાડી મારફતે પીરાણા લઈ જઈ યોગ્ય રીતે નિકાલ ન કરાતો હોવાના આક્ષેપો પણ થયા હતા. હવે ચાલુ વર્ષે કુંડ તૈયાર કરવાની કામગીરી જ સમયસર પૂર્ણ ન થતાં ફરી કોર્પોરેશનની વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે.




