Ahmedabad

SVP હોસ્પિટલમાં ચેરમેનના રાત્રિ રાઉન્ડ સામે સવાલો: સફાઈ મુદ્દે કાર્યવાહી, પણ સ્ટાફ-ડૉક્ટરોની હાજરીની તપાસ ન થતાં આંતરિક વર્તુળોમાં તર્ક વિતર્ક

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની SVP હોસ્પિટલમાં ચેરમેન ડૉ. ચાંદની પટેલે રાત્રે 9 વાગ્યા આસપાસ અચાનક મુલાકાત લીધી હતી. કેટલીક જગ્યાએ ગંદકી જણાતાં સફાઈ એજન્સીને નોટિસ આપી કાર્યવાહીના આદેશ કરાયા છે. હવે દર્દીઓ માટે QR કોડ આધારિત નવી ફરિયાદ વ્યવસ્થા શરૂ કરાશે. જોકે, આ રાઉન્ડમાં માત્ર સફાઈ પર જ ધ્યાન કેન્દ્રિત કરાતાં આંતરિક વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SVP હોસ્પિટલમાં ચેરમેનના રાત્રિ રાઉન્ડ સામે સવાલો: સફાઈ મુદ્દે કાર્યવાહી, પણ સ્ટાફ-ડૉક્ટરોની હાજરીની તપાસ ન થતાં આંતરિક વર્તુળોમાં તર્ક વિતર્ક

Ahmedabad SVP Hospital Chairman Night Inspection: અમદાવાદ સ્થિત એસવીપી હોસ્પિટલમાં સફાઈ અને મેન્ટેનન્સની કામગીરીને લઈને હોસ્પિટલ કમિટીના ચેરમેન ડૉ. ચાંદની પટેલના રાઉન્ડ બાદ હવે નવી ફરિયાદ વ્યવસ્થા ઊભી કરવાની તૈયારી કરવામાં આવી છે. રાઉન્ડ દરમિયાન હોસ્પિટલની કેટલીક જગ્યાએ ગંદકી જોવા મળતાં સંબંધિત એજન્સીને નોટિસ આપવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. બીજી તરફ, આ રાઉન્ડમાં માત્ર સફાઈના મુદ્દા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાની ચર્ચા વચ્ચે હોસ્પિટલના આંતરિક વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે કે, તેમણે ફક્ત સફાઈનો જ મુદ્દો કેમ ઉપાડ્યો.

હોસ્પિટલમાં ડૉક્ટર અને નર્સની હાજરી પણ મોટો મુદ્દો

હોસ્પિટલ કમિટીના ચેરમેન ડૉ. ચાંદની પટેલે આશરે 15 દિવસ પહેલાં રાત્રે 9 વાગ્યા આસપાસ એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેટલીક જગ્યાએ સફાઈ યોગ્ય રીતે થઈ ન હોવાનું તથા અન્ય પ્રશ્નો જોવા મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ સંબંધિત સત્તાધીશોને કાર્યવાહી કરવા અને જવાબદાર એજન્સીને નોટિસ આપવા સૂચના આપવામાં આવી હતી. જોકે, હોસ્પિટલના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય મ્યુનિસિપલ હોસ્પિટલોની સરખામણીએ એસવીપીમાં સફાઈની વ્યવસ્થા સારી હોય છે, છતાં જ્યારે પણ સફાઈ અંગે ફરિયાદ આવે ત્યારે સંબંધિત એજન્સી સામે નોટિસ અથવા પેનલ્ટી જેવી કાર્યવાહી થતી રહે છે. તેમ છતાં ચેરમેનના રાત્રિના રાઉન્ડ દરમિયાન મુખ્યત્વે સફાઈના મુદ્દા પર જ ધ્યાન આપ્યુ હતુ જેના કારણે અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે.

ડૉક્ટરો અને સ્ટાફની હાજરી અંગે તપાસ નહીં?

આંતરિક વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે, રાત્રિના રાઉન્ડ દરમિયાન સફાઈ ઉપરાંત હોસ્પિટલમાં અન્ય સ્ટાફની હાજરી, ડૉક્ટરોની હાજરી અથવા કામગીરી જેવા મુદ્દાઓ અંગે કોઈ પ્રશ્નો કરવામાં આવ્યા નહોતા. જેના કારણે માત્ર સફાઈના મુદ્દાને લઈને જ આટલું ધ્યાન કેમ આપવામાં આવ્યું તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ અંગે હોસ્પિટલ કમિટીના ચેરમેન તરફથી કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું નથી.

ફરિયાદો માટે ક્યુઆર કોડની વ્યવસ્થા

દરમિયાન હોસ્પિટલમાં સફાઈ, મેન્ટેનન્સ અથવા અન્ય કોઈ સમસ્યા અંગે દર્દીઓ અને મુલાકાતીઓ સીધી ફરિયાદ કરી શકે તે માટે ક્યુઆર કોડ આધારિત ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી છે. હોસ્પિટલના વિવિધ સ્થળોએ ક્યુઆર કોડ મૂકવામાં આવશે અને તેને સ્કેન કરીને ફરિયાદ નોંધાવી શકાશે. ફરિયાદ સંબંધિત વિભાગ સુધી પહોંચે અને તેના આધારે સમયસર કાર્યવાહી થઈ શકે તે મુજબની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. કોર્પોરેશનની ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થાની જેમ હોસ્પિટલમાં પણ ક્યુઆર કોડ મારફતે ફરિયાદ નોંધાવવાની સુવિધા શરૂ કરવાનો હેતુ છે.

અગાઉના ચેરમેન અંગેના આક્ષેપોની પણ ચર્ચા

હોસ્પિટલ કમિટીના અગાઉના એક ચેરમેન અંગે વિવિધ કામગીરી કરતી એજન્સીઓ સાથે લેતીદેતીના આક્ષેપો થયા હોવાની અને તેની ફરિયાદ ઉચ્ચ સ્તરે પહોંચી હોવાની ચર્ચા પણ ભાજપના કેટલાક સૂત્રોમાં થતી હોવાનું જણાવવામાં આવે છે. આ જ કારણસર તેમને બાદમાં ટિકિટ આપવામાં આવી ન હોવાનો દાવો પણ આ સૂત્રો દ્વારા કરવામાં આવે છે.