અમદાવાદ: રામોલ-હાથીજણ વોર્ડમાં ફાઇનલ પ્લોટિંગથી રસ્તો બંધ, 1 કિમી ફરીને જવાની નોબત આવતાં કચેરીએ સ્થાનિકોના સૂત્રોચ્ચાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ramol Hathijan Road Closure Issue Protest: અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલા રાજીવ નગરમાં વર્ષોથી અવરજવર માટે વપરાતા રસ્તાને ફાઇનલ પ્લોટ ફાળવણીના નામે બંધ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. રસ્તો બંધ થઈ જતાં રહેવાસીઓને પોતાના ઘર સુધી પહોંચવા માટે આશરે 1 કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે. રસ્તાની સાથે ગટર, પાણી અને ગંદકી સહિતના પ્રાથમિક પ્રશ્નોને લઈને આક્રોશે ભરાયેલા સ્થાનિકોએ કોર્પોરેશન કચેરી ખાતે પહોંચી 'ભાજપ હાય હાય'ના સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
રસ્તો બિલ્ડરને ફાઇનલ પ્લોટની ફાળવણી થતાં બંધ થઈ ગયો
સ્થાનિકોની રજૂઆત અનુસાર, રાજીવ નગરના રહેવાસીઓ વર્ષોથી જે મુખ્ય માર્ગ કે પગદંડીનો ઉપયોગ કરતા હતા, તે રસ્તો બિલ્ડરને ફાઇનલ પ્લોટની ફાળવણી થતાં બંધ થઈ ગયો છે. તેના કારણે સ્થાનિકોને ઘર સુધી પહોંચવા માટે આશરે 1 કિલોમીટરનો ફેરો કરવો પડે છે. આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડે કે પછી અગ્નિશમન જેવી ઇમરજન્સી સર્જાય, તો 108 એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડના વાહનો પણ વિસ્તાર સુધી પહોંચી શકે તેમ ન હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને રોષ
રાજીવ નગરમાં ગટર વ્યવસ્થા કથળેલી હોવા ઉપરાંત અનેક જગ્યાએ દૂષિત પાણીના યોગ્ય નિકાલની સુવિધા નથી. આ સાથે જ આંતરિક રસ્તાઓની દયનીય સ્થિતિ અને ગંદકી-કચરાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ કરાઈ છે. આ તમામ મુદ્દે સ્થાનિકોએ કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મૂળભૂત સુવિધાઓ સત્વરે પૂરી પાડવા માગ કરી હતી.
40થી વધુ ડાઈંગ એકમો સામે કાર્યવાહીની માગ
રામોલ-હાથીજણ વિસ્તારમાં 40થી વધુ ગેરકાયદે ડાઈંગ એકમો ધમધમી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ એકમોમાંથી નીકળતા કેમિકલયુક્ત ગંદા પાણીને કારણે પર્યાવરણ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. જેથી આવા તમામ ગેરકાયદે એકમો સામે તપાસ હાથ ધરીને તેમને તાત્કાલિક બંધ કરાવવાની માગણી કરવામાં આવી છે.
કોર્પોરેશનમાં લેખિત રજૂઆત
આ સમગ્ર મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. તેમાં રસ્તાના પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ લાવી વૈકલ્પિક કે કાયમી માર્ગ પૂરો પાડવા તેમજ ગટર, પાણી અને સ્વચ્છતાના પ્રશ્નો ઉકેલવાની માગ કરાઈ છે.




