Ahmedabad

નોકરી અને કોન્ટ્રાક્ટની લાલચમાં ફસાયા તેમને રૂપિયા ખોયા! અમદાવાદમાં નકલી સેક્શન ઓફિસર બની કરોડોની ઠગાઈ

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના પાલડીમાં, કાસીન્દ્રાના રાજેન્દ્ર જેકડીયા નામના ગઠિયાએ ગાંધીનગર સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપી. તેણે સરકારી નોકરી અને L&T કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને જશુભાઈ ડાભી સહિતના અનેક લોકો પાસેથી ₹40 લાખથી વધુની છેતરપિંડી કરી. પાલડી પોલીસે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નોકરી અને કોન્ટ્રાક્ટની લાલચમાં ફસાયા તેમને રૂપિયા ખોયા! અમદાવાદમાં નકલી સેક્શન ઓફિસર બની કરોડોની ઠગાઈ

Ahmedabad Fake Officer: અમદાવાદના કાસીન્દ્રામાં રહેતા રાજેન્દ્ર જેકડીયા નામના ગઠિયાએ પોતાની ઓળખ ગાંધીનગર સચિવાલયના સેક્શન ઓફિસર તરીકે આપીને, સરકારી નોકરી તેમજ લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા લીઝ કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને 40 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પાલડી પોલીસ મથકે નોંધવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાજેન્દ્ર જેકડીયાએ સરકારી વિભાગમાં અન્ય અધિકારીઓ સાથે ઓળખ હોવાનું કહીને કામ કરી આપવાના નામે પણ લાખો રૂપિયાની ઠગાઈ કરી છે.

નિકોલમાં આવેલા અવધ લેક વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા જશુભાઈ ડાભીએ નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ, ઓગસ્ટ 2025માં જશુભાઈ તેમના મિત્ર જીતેન્દ્ર સુરાણી સાથે ધોળકામાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ગયા હતા. જ્યાં તેમની મુલાકાત સાઈદર્શન બંગ્લોઝ, કાસીન્દ્રામાં રહેતા રાજેન્દ્ર જેકડીયા સાથે થઈ હતી. રાજેન્દ્રએ પોતાની ઓળખ ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા સેક્શન અધિકારી તરીકે આપી હતી અને આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું.

તેણે વિશ્વાસ કેળવીને કહ્યું હતું કે તેણે અનેક યુવાનોને તલાટીની નોકરીમાં લગાવ્યા છે તેમજ આવાસ યોજનામાં મકાન અને દુકાન અપાવી છે. એલ એન્ડ ટીમાં કોન્ટ્રાક્ટ તેમજ છોટાઉદેપુરમાં ખાણ-ખનિજનો કોન્ટ્રાક્ટ પણ અનેક લોકોને અપાવ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. તેની આ વાત પર વિશ્વાસ કરીને જશુભાઈએ પોતાના, પોતાના સાઢુભાઈના દીકરા અને અન્ય મિત્રના પુત્ર માટે નોકરીની વાત કરી હતી. આ ઉપરાંત, જીતેન્દ્ર સુરાણીએ એલ એન્ડ ટીના કોન્ટ્રાક્ટ અને ખાણ-ખનિજ માટે વાત કરી હતી.

આ તમામ લોકોએ આવાસ યોજનામાં મકાન અને દુકાન ફાળવી આપવા માટે તબક્કાવાર કુલ 40 લાખ રૂપિયા રાજેન્દ્રને ચૂકવ્યા હતા. જો કે, આઠ મહિના કરતાં વધુ સમય પસાર થઈ જવા છતાં કામ ન થતાં જશુભાઈને શંકા ઉપજી હતી. તેમણે ગાંધીનગર સચિવાલયમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રાજેન્દ્ર જેકડીયાએ સેક્શન ઓફિસરની ખોટી ઓળખ આપીને છેતરપિંડી આચરી છે. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે રાજેન્દ્ર જેકડીયાએ અનેક લોકોને નોકરીની લાલચ આપીને આ પ્રકારે બેથી ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.